જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ બાદ હવે પીડીપીએ પણ રાજ્યમાં પંચાયત ચૂંટણીના બહિષ્કાર માટેની જાહેરાત કરી દીધી છે. પીડીપીએ પણ કલમ ૩૫એનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે, ચૂંટણીથી દૂર થવાની તેમની પાર્ટી નિર્ણય કરી રહી છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ આજે પીડીપીની ઉચ્ચસ્તરીય બેઠક બાદ કહ્યું હતું કે, રાજ્યમાં કલમ ૩૫એને જાળવી રાખવાની જરૂર છે. મહેબુબાએ કહ્યું હતું કે, અંતિમ શ્વાસ સુધી જમ્મુ કાશ્મીરને ખાસ દરજ્જો મળે તે માટે લડત ચાલુ રાખવામાં આવશે. જમ્મુ કાશ્મીરના ખાસ રાજ્યના દરજ્જાને જાળવી રાખવામાં આવે તે માટે સરકાર કટિબદ્ધ છે. શ્રીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા મહેબુબાએ કહ્યું હતું કે, જ્યાં સુધી કેન્દ્ર સરકાર આ વિષય ઉપર પોતાનું વલણ સ્પષ્ટ કરશે નહીં ત્યાં સુધી પીડીપી દ્વારા પણ પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરાશે. તેમની પાર્ટી દરેક મોરચા ઉપર લડત ચલાવવા માટે સંપૂર્ણપણે તૈયાર દેખાઈ રહી છે.



















