અફઘાનિસ્તાનમાં ફરીવાર થયેલો આત્મઘાતી હુમલો  ૨૨ લોકોના મોત

837

અફગાનિસ્તાનમાં પાકિસ્તન સરહદ નજીક આજે કરવામાં આવેલા આત્મઘાતી હુમલામાં ૨૨ લોકોના મોત થયા હતા અને અન્ય ૨૩ લોકો ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકો પૈકી અનેકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. સરહદી પાકિસ્તાન ઉપર પૂર્વીય જલાલાબાદ શહેર અને સરહદ વચ્ચેના વિસ્તારમાં હાઈવે પર દેખાવ કરવા માટે એકત્રિત થયેલા લોકોમાં આત્મઘાતી બોંબર ત્રાટક્યો હતો. આ હુમલામાં અન્ય ૨૩ લોકો ઘાયલ થયા હતા. જો કે, સ્થાનિક લોકોએ આ હુમલામાં ૪૫ લોકોના મોત થયા હોવાના અહેવાલ આપ્યા છે.

સ્થાનિક અધિકારીઓનું કહેવું છે કે, દેખાવકારોને ટાર્ગેટ કરીને આ હુમલો કરાયો હતો. હુમલા માટેની જવાબદારી હજુ સુધી કોઇ સંગઠને સ્વીકારી નથી પરંતુ ઇસ્લામિક સ્ટેટના મુખ્ય અડ્ડા પૈકીના એક વિસ્તાર તરીકે આને ગણવામાં આવે છે જેથી તેનો હાથ હોઈ શકે છે. અફઘાનિસ્તાનમાં આ વર્ષે પાકિસ્તાન સરહદ ઉપર સ્થિત નાંગરહાલ પ્રાંતમાં સૌથી વધારે હિંસા થઇ છે. અહીં સેંકડો લોકોના મોત આ વર્ષે થયા છે. અનેક આત્મઘાતી હુમલા કરવામાં આવ્યા છે. થોડાક દિવસ પહેલા જ અહીં હુમલો કરાયો હતો. આ વિસ્તારમાં આઈએસ ઉપરાંત અન્ય સ્થાનિક ત્રાસવાદીઓ પણ સક્રિય થયેલા છે જે વારંવાર પરિસ્થિતિનો લાભ ઉઠાવીને હુમલાઓ કરે છે અને લોકોમાં દહેશત જગાવવાન પ્રયાસો કરવામાં આવે છે.