સાઉદી મહિલા પાઈલટની જગ્યા માટે ૨૪ કલાકમાં ૧,૦૦૦ અરજીઓ આવી!!

722

રિયાધની ફ્લાયનાસ એરલાઈને સહ-પાઈલટ તેમજ ફ્લાઈટ એટેન્ડન્ટ તરીકે સૌપ્રથમ વખત સાઉદી મહિલાઓને અરજી કરવા આમંત્રણ આપ્યું હતું. જો કે કોઈને પણ જાણીને આશ્ચર્ય થશે કે આ ભરતી માટે ૨૪ કલાકમાં ૧,૦૦૦થી પણ વધુ મહિલાઓએ અરજી કરી હતી. ઉલ્લેખનીય છે કે દાયકાઓથી સાઉદીમાં મહિલાઓ પર ચાલી રહેલા કેટલાક નિયંત્રણનો તાજેતરમાં જ ત્યાંના રાજાએ ઉઠાવી લીધા હતા. ત્યારબાદ મહિલાઓ ખુલીને બહાર આવી રહી છે. મહિલાઓને મોટર (ટેક્સી) ચલાવવા પરનો પ્રતિબંધ પણ ઉઠાવી લેવામાં આવ્યો છે.

દેશની પ્રગતિમાં પુરૂષો સાથે કદમ મિલાવવા માટે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને મહિલાઓ પર લાંબા સમયથી રહેલો કાર ચલાવવાનો પ્રતિબંધ જૂનમાં ઉઠાવી લીધો હતો. જો કે સાઉદીમાં એવિએશન ઉદ્યોગ ક્ષેત્રે મહિલાઓને કામ કરવા પર કોઈ કાયદાકીય પ્રતિબંધ નથી પરંતુ સાઉદી એરલાઈન્સમાં ફ્લાઈટ એટેન્ડન્ટ પદે મોટાભાગે ફિલિપાઈન્સ જેવા દેશોની વિદેશી એટન્ડન્ટ્‌સ જ જોવા મળતી હતી.

ફ્લાયનાસે ખાલી પડેલી સહ-પાઈલટ અને ફ્લાઈટ એટેન્ડન્ટની પોસ્ટ માટે અરજીઓ મંગાવી હતી અને તમને જાણીને નવાઈ લાગશે કે ૨૪ કલાકમાં આ પોસ્ટ માટે ૧,૦૦૦ અરજીઓ આવી હતી. બદલાતા જમાના સાથે ચુસ્ત ઈસ્લામિક માન્યતાઓને પણ બદલવામાં આવી રહી છે અને રૂઢીવાદથી ઉપર ઉઠીને મુસ્લિમ મહિલાઓ પણ વૈશ્વિક ફલક પર પોતાનું સામર્થ્ય પુરવાર કરવા લાગી છે.

ફ્લાયનાસે જણાવ્યું હતું કે એરલાઈનની સફળતા માટે મહિલાઓ સૌથી મહત્વનો ભાગ છે. લો-કોસ્ટ એરલાઈનના મતે દેશની પ્રગતિમાં મહિલાઓની ભૂમિકા મહત્વની નિવડી શકે છે.