કુદરત વિટંબણા વચ્ચે વ્યક્તિનો આબાદ બચાવ કરી તેને નવું જીવન અર્પે છે

2384

૧૯૭૦ ના સમયની આ વાત છે. તે વખતે ભારતમાં શીતળા, પોલિયો, ટાઇફોઇડ અને મેલેરિયા જેવા અનેક રોગોએ માથું ઊંચકી અનેક વ્યક્તિઓના જીવનને ડામાડોળ કરી દે તેવી પરિસ્થિતિ ઊભી કરી હતી. અપૂરતી આરોગ્ય વ્યવસ્થા,  સ્વચ્છતાનો અભાવ અને નિરક્ષરતાના  કારણે સરકાર આ પ્રકારની સ્થિતિ પર નિયંત્રણ મેળવવા સતત પ્રયત્નશીલ હતી તેમ છતાં અપૂરતી નાણાકીય સ્થિતિના કારણે ધારી સફળતા મળતી નહોતી.

અમદાવાદ પાસેના એક નાનકડા ગામમાં એક ખેડૂત મજૂર પરિવાર રહેતો હતો. પતિ-પત્ની અને એક દીકરી માત્ર ત્રણ વ્યક્તિનો પરિવાર હતો. પતિ મનસુખભાઈ ખેતમજૂરી માંથી પેટિયું રળી લેતા. આમ તો મનસુખભાઈ આ ગામમાં આવીને વસ્યા હોવાથી તેના પોતાના નામે કોઈ જમીનગરાહ નહોતો એટલે કે ખેતી કરી શકે તેવી પોતાની જમીન નહોતી.  તેથી મનસુખભાઈ અન્યના ખેતરમાં ખેતમજૂરી માટે જતા. એકવાર કોઇ એક ખેડૂતના ખેતરમાં જુવારની કાપણી ચાલતી હતી. કપાયેલી જુવારના પાથરા ભેગા કરી ખેતરના શેઢે પહોંચાડવાનું કામ મનસુખભાઈ આજે સવારથી કરી રહ્યા હતા. બપોરે ૧૧.૪૫ ની આસપાસ જુવારના  પાથરાની ગાંસડી ઊંચકીને શેઢા તરફ જઈ રહ્યા હતા તેવા જ અરસામાં નોળિયાના મુખમાંથી છૂટેલો  એક સડસડાટ ભાગતો સાપ મનસુખભાઈના પગ તળે દબાયો.  દબાયેલા સાપે મનસુખભાઈને ડંખ માર્યો.  આ કોઈ સામાન્ય સાપ ન હતો. કાતિલ ઝેરી સાપના ડંખ સાથે મનસુખભાઈ ધ્રૂજી ગયા.  તેનું મોં સુકાવા લાગ્યું.  સાપને જોઇને તે ડરી પણ ગયા.  શ્વાસોશ્વાસની ગતિ વધી ગઈ. કપાળ પર પરસેવાનાં બિંદુ જામવા લાગ્યા. થોડી જ વારમાં મનસુખભાઈના શરીરમાં ઝેર પ્રસરી જવાના કારણે તે પટકાઈ પડ્યા. આંખો ઘેરાવા લાગી. લગભગ બેભાન જેવી અવસ્થામાં તે ગડથોલિયા ખાવા લાગ્યા. બાજુના ખેતરમાં કામ કરતા કોઈ મજૂરનું તેના પર ધ્યાન ગયું. તે મજૂરો દોડતા આવ્યા. મનસુખભાઈને બળદગાડામાં વૈદ્ય પાસે લઇ જવામાં આવ્યા. વૈદ્ય નાડી પકડે તે પહેલા જ મનસુખભાઈનું પ્રાણ પંખીડું ઊડી ગયું. પત્ની જયાબેન અને દીકરી પ્રતિક્ષા નોધારા થયા. મનસુખભાઈનાં બારમાની વિધિ તો જયાબેને સગાં-સંબંધીઓનાં સહકારથી પૂરી કરાવી પરંતુ તે-જ અરસામાં દીકરીને પોલિયો ભરખી ગયો. દીકરીએ પોલિયાનાં હુમલામાં પોતાના પગ ગુમાવ્યા. હવે જયાબેનની જિંદગી દોહલી બની. પોતે મજૂરી કરે કે દીકરીને સંભાળે! કહેવત છે કે “બાર સાંધતા તેર તૂટે” જેવી હાલત જયાબેનની થઈ. જો કે પ્રાથમિક શાળાનાં સંવેદનશીલ આચાર્યના સહકારથી દીકરી પ્રતિક્ષાને પ્રાથમિક શિક્ષણ તો થોડું શાળામાં અને થોડું ઘરે પણ આપવામાં આવ્યું. ગામમાં માધ્યમિક શાળા શરૂ થતાં પ્રતિક્ષાને તેનો લાભ પણ થયો. પરંતુ જયાબેન હવે પ્રતિક્ષાને આગળ ભણાવવા માંગતા ન હતા. કારણ કે- પ્રતિક્ષાની કૉલેજની ફી અને હૉસ્ટેલનો ખર્ચ જયાબેન ઉઠાવી શકે તેમ ન હતા.  તેથી જયાબેન હંમેશા પ્રતિક્ષાને કહેતા : “ લૂલાં-લંગડાને ભણીને શું કરવાનું ! આવા લોકોને નોકરી કોણ આપે? ભગવાન બે ટાઈમ રોટલો આપે તોય ઘણું.  તું હવે ઘરની રસોઈ અને વાસણ,  કચરા-પોતા કરે તો પણ મને ઘણો ટેકો મળે.  તારે હવે ભણવાની જરૂર નથી.” જયાબેન મનોમન બોલવા લાગ્યા :  “આ બાપડીના ભગવાને બંને પગ લઈ લીધા હવે એને કોણ લઈ જાય. મારી જાત ચાલે ત્યાં સુધી ઠીક છે પછી આ પારેવડીનું શું થશે?” પ્રતિક્ષાએ જયાબેનને કહ્યું :  “બા,બા જો મેં કેવું સરસ ચિત્ર દોર્યું છે !  આ ચિત્ર મારે અમદાવાદ ચિત્ર અકાદમીમાં આજે મોકલી આપવાનું છે. આજના છાપામાં જાહેરાત આવી છે. ચિત્રા અકાદમી દ્વારા દરેક  ચિત્રકારો પાસેથી ચિત્ર મંગાવવામાં આવ્યા છે. શ્રેષ્ઠ પાંચ કૃતિઓને મોટા પુરસ્કાર મળવાના છે.” જયાબેન : “તું આ ખોટા રવાડે ના ચડીશ. લૂલાં લંગડાને પુરસ્કાર કોણ આપે? છાનીમાની કામે લાગ. કચરા પોતા કર નહીં તો મારા ભરતકામના  આભલા  ટાંકવાનું કામ બાકી છે તે પૂરું કર. આપણી પાસે ચિત્ર મોકલવા માટે ટપાલ ટિકિટ ખર્ચી શકીએ તેવા ખોટા પૈસા નથી.” પ્રતિક્ષા મેડી પરની બારી પાસે બેસીને રડવા લાગે છે. તે વિચારોમાં ખોવાઈ જાય છે.  ભગવાનને પ્રાર્થના કરે છે : “ હે ઈશ્વર !  મારા પગ ભલે લઇ લીધા પણ હું પ્રગતિ કરી શકું એટલો પૈસો ખર્ચવાની શક્તિ મારી માને આપી હોત તો કેવું સારું હોત. હવે તો મારે આપઘાત કરે જ છૂટકો છે.” વિલાયેલા મોઢે બારી બહાર દૃષ્ટિ કરતા ચા-વાળો નજરે પડે છે. આ ચા-વાળો એટલે પ્રતિક્ષાના ઘરની બરાબર પાછળના ભાગમાં ચાની કીટલી ચલાવતો મેહુલ વાઝા. પ્રતિક્ષાને નાનીમોટી મદદ કર્યા કરતો. નિરાશ અને હતાશ થયેલી પ્રતિક્ષાને જોઈ મેહુલ વાઝાએ પૂછ્યું ; “ પ્રતિક્ષા,  કેમ નિરાશ છો?  તને શું થયું છે?”  પ્રતિક્ષાએ કહ્યું : “મારે આપઘાત કરવો છે.” મેહુલ વાઝાએ પૂછ્યું : કેમ? શા માટે ગાંડી આવી વાત કરે છે?”  પ્રતિક્ષાએ છાપામાં આવેલી જાહેરાતથી માંડીને પોતાની મા સાથે થયેલા સંવાદ સુધીની વિગતે વાત મેહુલને કરી. મેહુલ કીટલી છોડીને દોડતો પ્રતિક્ષાના ઘરે પહોંચી ગયો. તેણે પ્રતિક્ષા પાસેથી દોરેલું ચિત્ર માગી લીધું. એક સરસ મજાના રંગબેરંગી કવરમાં તેને પેક કરી, કવર ઉપર ચિત્ર અકાદમી અમદાવાદનું સરનામું લખી પ્રતિક્ષાને કહ્યું : હું આના પર ટપાલ ટિકિટ લગાવીને હમણાં જ મોકલી આપું છું.” મેહુલ વાઝાએ ગામની પોસ્ટ ઓફિસમાં જઈ કવર રવાના પણ કરી દીધું. મેહુલ વાઝા એક ગરીબ પરિવારમાંથી આવતો છોકરો હોવા છતાં તેનું દિલ મોટું હતું. તે અવારનવાર અપંગ પ્રતિક્ષાને આર્થિક મદદ કરતો રહેતો.  ભણવાના ચોપડા પણ લાવી આપતો. પ્રતિક્ષા બોર્ડની પરીક્ષા મેહુલ વાઝાની આર્થિક મદદ મળવાના કારણે જ પાસ કરી શકી હતી. આઠ જ દિવસમાં પ્રતિક્ષાના ચિત્રને અમદાવાદ ચિત્ર અકાદમી દ્વારા યોજાયેલી સ્પર્ધામાં પ્રથમ સ્થાન મળતા રૂપિયા ૧,૫૧,૦૦૦/- નો એક ચેક અને પ્રમાણપત્રનું પરબીડિયું પ્રતિક્ષાનાં સરનામે ચિત્ર અકાદમી-અમદાવાદ દ્વારા મોકલી આપવામાં આવ્યું. કવર જયાબેનના હાથમાં આવ્યું. અભણ જયાબેન માટે પ્રત્યેક અક્ષર કળા અક્ષર કુહાડે માર્યા જેવું હતું. તે કશું સમજી શકે તેમ ન હતાં અને તે સમયે પ્રતિક્ષા પણ ઘરમાં નહોતી. તેથી જયાબેને તે કવર લઈને પેલા ચા-વાળા મેહુલ વાઝા પાસે પહોંચી ગયાં. મેહુલે પરબીડિયું ખોલ્યું. રૂ. ૧,૫૧,૦૦૦/- નો  ચેક, -પ્રતિક્ષા- ચિત્ર સ્પર્ધામાં પ્રથમનો પત્ર, પ્રમાણપત્ર બધું જ જોતા મેહુલ બોલી ઊઠ્યો ; “ માસી,  પ્રતિક્ષાને રૂપિયા એક લાખ એકાવન હજારનું ઇનામ મળ્યું છે.”  જયાબેન અવાક્‌ બની ગયાં.  દીકરી માટે ઉચ્ચારેલા લૂલાં-લંગડાં જેવા શબ્દો તેને હવે કોરી ખાવા લાગ્યા. નાજુક દીકરી માટે તેણે દાખવેલી આ પ્રકારની કઠોરતા હવે તેના માટે અસહ્ય લાગવા લાગી.  તે પ્રતિક્ષાને શોધવા મેહુલને કશું જ કહ્યા વિના ત્યાંથી દોડતાં ભાગ્યાં. પ્રતિક્ષા તેની બહેનપણી પાસે બેસીને  જયાબેનના ભરતકામના આભલા લગાવવાનું કામ કરી રહી હતી.  જયાબેને પ્રતિક્ષાને બૂમ પાડીને કહ્યું : “બેટા, તને મોટું ઈનામ મળ્યું. ચિત્ર સ્પર્ધામાં તારો પહેલો નંબર આવ્યો. લે, આ કવર તારી જ આંખે વાંચ.” હવે પ્રતિક્ષાના દિવસો આવી રહ્યા હતા. તે પુરસ્કારની મોટી રકમમાંથી અમદાવાદ શહેરમાં પોતાનો ચિત્રકામનો વર્ગ શરૂ કરવા માંગતી હતી. તેમણે થોડા જ દિવસમાં તે વર્ગનો પ્રારંભ પણ કર્યો. સમગ્ર અમદાવાદમાં તેના ચિત્રકામના જાદુએ ધૂમ મચાવી દીધી. તેમણે એક કાર પણ ખરીદી.હવે તે યુનિવર્સિટીની મંજૂરીથી પોતાની ચિત્ર વિદ્યાપીઠ શરૂ કરવા જઈ રહી હતી. તેનું ઉદ્દઘાટન મોટાપાયે કરવાનું આયોજન કર્યું. રાજ્યના મુખ્યમંત્રી અને રાજ્યપાલને  તેમાં આમંત્રિત કરવામાં આવ્યા. પરંતુ નવાઈની વાતો એ હતી કે- આ સમારંભનાં નિમંત્રણકાર્ડમાં ઉદ્દઘાટક તરીકે મેહુલ વાઝા (ચાની કીટલીવાળા) નામ લખવામાં આવ્યું હતું. જ્યારે અન્ય મહાનુભાવોમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી અને બીજા અધિકારીઓ હતા.  મેહુલને આ વાતની ખબર પડતાં તેના મિત્રોને કહેવા લાગ્યો કે : “હું આ કાર્યક્રમમાં ઉદ્દઘાટક તરીકે શી રીતે જઈ શકું? આટલા મોટા મહાનુભાવો વચ્ચે મારું ઉદ્દઘાટક તરીકે આ પ્રતિક્ષાએ નામ લખીને મોટી મૂર્ખાઈ કરી છે. હું તો તેને ના જ પાડી દેવાનો છું.” આ સંવાદ પૂરો થાય તે પહેલાં જ પ્રતિક્ષા ત્યાં પહોંચી ગઇ હતી.  પ્રતિક્ષાએ કહ્યું : “મેં મૂર્ખાઈ નથી કરી, મેં તો સાચી મદદ કરનાર વ્યક્તિનું મૂલ્ય કર્યું છે. આ મૂલ્ય મારા માટે કોઈ પણ હોદ્દેદાર કરતાં મોટું છે. તેથી ઉદ્દઘાટન તો  તારા જ હાથે થશે. જે નાવ સમુદ્રમાં ડૂબી જવાની હતી તે નાવને પાર ઉતારવાનું કામ ખરા નાવિક તરીકે તેં કર્યું છે.  રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ કે મારી જનેતાએ પણ નથી કર્યું.  તેથી આનાકાની કરે તો તને મારા સોગંદ છે.”

હવે પ્રતિક્ષાને મેહુલ કોઈ ઉત્તર આપી શકે તેમ ન હતો.  મેહુલ ગદ્ગદિત થઈ ગયો. જ્યારે વેદના અને સંવેદનાના સેતુ બંધાય છે ત્યારે આ પ્રકારના સંબંધો રચાય છે. ઉત્તમ સમાજની રચના માટે આવી જ સંવેદના જાગવી જોઈએ.

રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જિલ્લા શાખા ૧૪ સપ્ટેમ્બર,૨૦૧૮ થી આ પ્રકારની સંવેદના સમાજમાં જગાડવા “અખિલ હિન્દ  અંધજન ધ્વજદિન સપ્તાહ”ની ઉજવણી કરી રહી છે.  જેના ભાગરૂપે સંવેદના બૂથ શહેરમાં ઊભા કરી જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. ત્યારે આપણે પણ તેમાં જોડાઈ અંધજનોના કલ્યાણ અર્થે એકત્રિત થતાં ફંડમાં યત્કિંચિત યોગદાન આપી આ કાર્યને વેગ આપીએ એ જ આપણી સાચી સંવેદના ગણાશે.