પુલવામામાં CRPF-SOG કેમ્પ પર ગ્રેનેડથી હુમલોઃ એક જવાન ઘાયલ

1027

જમ્મુ-કાશ્મીરના શ્રીનગર નજીકના પુલવામામાં સેનાના કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. આતંકીઓએ સીઆરપીએફ અને એસઓજીના સંયુક્ત કેમ્પ પર વહેલી સવારે હુમલો કરી દીધો હતો. આ હુમલામાં કેમ્પ પર ગ્રેનેડ ફેંકવામાં આવ્યા હતા, જેમાં એક ભારતીય જવાન ઘાયલ થયો છે. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. ભારતીય સેનાએ હાલ આખા વિસ્તારને ઘેરી લીધો છે અને સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. આજે સવારે આતંકીઓએ પુલવામા સ્થિત સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ની ૧૮૩મી બટાલિયન અને એસઓજીના એક સંયુક્ત કેમ્પ પર અચાનક ગ્રેનેડથી હુમલો કર્યો હતો.સદ્‌નસીબે જોકે ગ્રેનેડ બ્લાસ્ટ થયો નહોતો. ત્યારબાદ આતંકીઓએ જવાનો પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. સીઆરપીએફ અને એસઓજીના જવાનોએ પણ વળતો જવાબ આપીને ફાયરિંગ કર્યું હતું.

આ હુમલામાં સીઆરપીએફના એક જવાનને ગોળી લાગી હતી.છેલ્લા ત્રણ દિવસથી કૂલગામ વિસ્તારમાં સુરક્ષાદળોએ આતંકીઓ સામેની કાર્યવાહી તેજ કરીને જોરદાર સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. ફક્ત ત્રણ દિવસમાં જ સેનાના જવાનોએ ૧૩ આતંકીઓને ઠાર કર્યા છે અને એકની ધરપકડ કરી છે.સેનાના ઓપરેશનથી ગભરાયેલા આતંકીઓએ હવે કેમ્પને નિશાન બનાવવાનું શરૂ કર્યું છે. પુલવામાના નેવામાં આજે વહેલી સવારે આતંકીઓ ત્રાટક્યા હતા.