ભીમા કોરેગાંવ હિંસા : તર્કદાર દલીલો વચ્ચે ચુકાદો અનામત

673

ભીમાકોરેગાંવ હિંસાના મામલામાં નક્સલ કનેક્શનના આરોપમાં પહેલા ધરપકડ કરવામાં આવેલા અને નજરબંધીમાં રહેલા કાર્યકર પર સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આજે અનામત રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર પોલીસ અને કાર્યકરો તથા બંને પક્ષોને સોમવાર સુધી લેખિતમાં રજૂઆત કરવા માટે સૂચના આપી છે. લેખિતમાં નોટ રજૂ કરવામાં આવ્યા બાદ વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે. કાર્યકરો તરફથી દાખલ કરવામાં આવેલી અરજીમાં આને ઇચ્છિત ગણાવીને એસઆઈટી મારફતે તપાસની માંગ કરવામં આવી હતી. આજે સુપ્રીમ કોર્ટમાં આ મામલાની સુનાવણી શરૂ થઇ ત્યારે કાર્યકરો તરફથી વરિષ્ઠ વકીલ આનંદ ગ્રોવર રજૂ થયા હતા.

ગ્રોવરે દલીલ કરી હતી કે, પોલીસ જે પત્રનો ઉલ્લેખ કરી રહી છે તે પત્ર હિન્દીમાં છે. ગ્રોવરે બેંચને કહ્યું હતું કે, પોલીસની એવી રજૂઆત છે કે, રોના વિલ્સન અને સુધા ભારદ્વાજ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે, પત્રમાં જે લખેલું છે તેનાથી સ્પષ્ટ થાય છે કે, કોઇ મરાઠી જાણનાર વ્યક્તિએ હિન્દીમાં પત્ર લખ્યો છે. ગ્રોવરે કહ્યું હતું કે, આ આધાર પર મામલો બનાવટી લાગે છે. કાર્યકરો તરફથી ઉપસ્થિત થયેલા એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું હતું કે, પોલીસના ટ્રાન્ઝિક્ટ રિમાન્ડમાં પણ પત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જેને માઓવાદી કાવતરા તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે તેનો કોઇ રેકોર્ડ કોર્ટમાં રજૂ કરવામાં આવી રહ્યો નથી. સિંઘવીએ કહ્યું હતું કે, પોલીસે મિડિયાની સામે પત્ર બતાવ્યો છે જેમાં કહેવામાં આવ્યું છે કે, વડાપ્રધાનની હત્યાના કાવતરા ઘડવામાં આવ્યા છે પરંતુ કોઇપણ એફઆઈઆરમાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ મામલામાં એફઆઈઆર કરનાર એક શખ્સ તરફથી વકીલ હરીશ સાલ્વે ઉપસ્થિત થયા હતા. સાલ્વેએ રજૂઆત કરી હતી કે, જો આ પ્રકારથી કાર્યકરોની રજૂઆતને સ્વીકાર કરવામાં આવશે તો આનો મતલબ એ થશે કે અમે એનઆઈએ, સીબીઆઈ અને પોલીસ ઉપર વિશ્વાસ રાખતા નથી. આવી સ્થિતિમાં એસઆઈટી પર માંગ બિલકુલ યોગ્ય દેખાતી નથી. ચીફ જસ્ટિસ દિપક મિશ્રાએ મહારાષ્ટ્ર સરકાર તરફથી ઉપસ્થિત થયેલા એડિશનલ સોલીસીટર જનરલ તુષાર મહેતાને કહ્યું હતું કે, સમગ્ર કેસ ડાયરી કોર્ટની સમક્ષ રજૂ કરવામાં આવે તે જરૂરી છે. તુષાર મહેતાએ આ પહેલા દલીલ કરી હતી કે, પીઆઈએલ મારફતે ક્રિમિનલ ઇન્વેસ્ટીગેશનમાં દરમિયાનગીરી થઇ શકે નહીં. ત્રણ સભ્યોની બેંચના જસ્ટિસ ચંદ્રચુડે તુષાર મહેતાને પ્રશ્ન કર્યો હતો કે, મિડિયાની પાસે એ પત્ર ક્યાથી આવ્યો છે. આના જવાબમાં તુષાર મહેતાએ કહ્યું હતું કે, પોલીસે માત્ર લેટરનો ઉલ્લેખ કર્યો છે.

Previous articleવડાપ્રધાને ધૌલા કુંવાથી દ્વારકા સુધીની યાત્રા દિલ્હી મેટ્રોમાં કરી
Next articleવધુ મહિલાઓને ચૂંટણીમાં જોવા ઇચ્છુક છે : રાહુલ ગાંધીની ઇચ્છા