ખાદી વસ્ત્ર નહીં પરંતુ વિચાર છે : મુખ્યપ્રધાનનો અભિપ્રાય

896

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદમાં સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિ સંચાલિત નવીનીકરણ પામેલા ખાદી સરિતાનું ઉદઘાટન કરતાં સ્પષ્ટપણે જણાવ્યું કે ખાદી એ વસ્ત્ર નહિ-એક વિચાર છે. તેમણે કહ્યું કે, લાખો પરિવારોમાં ખાદી રોજગાર સર્જનનું માધ્યમ બની છે. મુખ્યમંત્રીએ ખાદી ફોર નેકસ્ટ જનરેશન ખાદી ફોર અવર નેશનનો મંત્ર આપતા કહ્યું કે ગાંધીજીની ૧પ૦મી જન્મ જયંતી આ વર્ષે ર ઓકટોબરથી રાષ્ટ્ર ઉજવવાનું છે ત્યારે ગાંધી અને ખાદીને અલગ કરી જ ન શકાય. આ સંદર્ભમાં તેમણે ઉમેર્યુ કે આજે ૧પ૦ વર્ષે પણ ગાંધી વિચાર, ગાંધી જીવનમૂલ્યો આજના સમયમાં પણ એટલા જ રિલેવન્ટ અને પ્રસ્તુત છે. ગાંધીજી આજે પણ જીવંત છે. વિજય રૂપાણીએ પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ પણ આજે છે તેનો સુયોગ વર્ણવતા કહ્યું કે, ગાંધી, લોહિયા અને દીનદયાળજી ત્રણેયના વિચારો મૂડીવાદ, સામ્રાજ્યવાદ વચ્ચે પીસાતી દુનિયાને આજે ગાંધી વિચાર, એકાત્મ માનવવાદ અને સમાજવાદ દ્વારા ઉપયુકત બન્યા છે. તેમણે ટ્રસ્ટીશીપની ભાવના, અપરિગ્રહ, ગ્રામોત્થાન અને સૌ સુખી તો સુખી આપણે ના ભાવ સાથે દરિદ્રનારાયણની સેવા અને રચનાત્મક પ્રવૃત્તિથી ભવિષ્યના ભારતની ભાવના ગાંધીજીએ વિકસાવી હતી.

તેની વિશદ ભૂમિકા આપતા જણાવ્યું કે ગાંધી વિચારોને ગ્લોબલાઇઝેશનમાં પણ સ્વદેશીની વાત સાથે ખાદીએ જોડયા છે. મુખ્યમંત્રીએ આગામી ગાંધી જ્યંતી પૂર્વે રાજ્ય સરકાર ખાદી કાંતનારા અને ખાદી ખરીદનારા લોકો માટે પ્રોત્સાહક સ્કીમ શરૂ કરશે તેવી નેમ વ્યકત કરી હતી. સમિતિના અધ્યક્ષ દેવેન્દ્રભાઇ દેસાઇએ ખાદીને અને તેના દ્વારા ગરીબ, ગ્રામીણ પરિવારોને રોજગારી અને રચનાત્મક માર્ગે જોડવાની મહાત્મા ગાંધીની વિચારધારાને અનુરૂપ સૌરાષ્ટ્ર રચનાત્મક સમિતિએ જે કાર્યો કર્યા છે તેની ભૂમિકા આપી હતી.

 

Previous articleઅંબાજી ભાદરવી મહામેળો પૂર્ણ થયો : ૨૬ લાખ શ્રદ્ધાળુના દર્શન
Next articleબીએની પરીક્ષામાં જૂના કોર્સનું પેપર પૂછાતાં વિદ્યાર્થી પરેશાન