ચોક્સીના પ્રત્યાર્પણ મામલે ભારત સરકારને સહકાર આપવા એન્ટીગુઓ સરકાર તૈયાર

619

ભારતીય વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે ગુરૂવારે અમેરિકામાં એન્ટિગુઆ અને બારબુડાના વિદેશ મંત્રી ઇપી ચેટ ગ્રીન સાથે મુલાકાત કરી હતી. સુષ્માએ પીએનબી કૌભાંડના મુખ્ય આરોપી મેહુલ ચોકસીના પ્રત્યર્પણ મામલામાં મદદ માંગી હતી. ચેટ ગ્રીને સુષ્માને વિશ્વાસ આપ્યો કે તેઓ આ કામમાં શકય તેટલી મદદ કરશે.

નોંધનીય છે કે ચોકસી અત્યારે એન્ટીગુઆમાં છે.ઉલ્લેખનીય છે કે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અત્યારે સંયુકત રાષ્ટ્રની જનરલ એસેમ્બલીના ૭૩મા અધિવેશનમાં ભાગ લેવા અમેરિકા પહોંચ્યા છે. અહીં તેમણે એન્ટીગુઆના વિદેશ મંત્રી સાથે એક દ્વિપક્ષીય મીટિંગમાં મેહુલ ચોકસીના પ્રત્યર્પણને લઇ મદદ માંગી. આ કેસમાં જયારે ગ્રીનને પૂછવામાં આવ્યું તો તેમણે જણાવ્યું કે આ અંગે તમે તમારા (ભારતના) વિદેશ મંત્રીને જ પૂછો.વિદેશ મંત્રાલયના સૂત્રોના જણાવ્યા અનુસાર આ મુલાકાત દરમિયાન સુષ્માએ પોતાના સમકક્ષ ગ્રીનને એ સંદેશ આપવાની કોશિષ કરી કે ચોકસી ભારતમાં એક ખૂબ મોટું કૌભાંડ કરીને ભાગ્યો છે અને તેમના પ્રત્યર્પણને લઇ ઘણી આશાઓ છે. તેના પર ગ્રીને સંપૂર્ણપણે તેમને સાથ આપવાનું વચન આપ્યું.

ગ્રીન સાથે મુલાકાત સિવાય સુષ્મા સ્વરાજે બોલિવયા, આર્મેનિયા, ઑસ્ટ્રિયા, પનામા, જર્મની અને ચિલીના વિદેશ મંત્રીઓ તેમજ તેમના સમકક્ષો સાથે પણ મુલાકાત કરી હતી. જો કે અગાઉ એ પણ યોજના હતી કે સુષ્મા પાકિસ્તાનના વિદેશ મંત્રી સાથે પણ મુલાકાત કરશે પરંતુ કાશ્મીરમાં સેના અને પોલીસના જવનોની હત્યાઓ બાદ આ મીટિંગ રદ્દ કરી દેવાઇ છે.

Previous articleજમ્મુ કાશ્મીર : SPOના પગાર બે ગણા કરી દેવાયા
Next articleતેલંગાણા કોંગ્રેસ પ્રમુખના ઘરે આઈટીની રેડ : કોંગ્રેસે કહ્યું, રાજકીય કિન્નાખોરીથી રેડ