શહેરમાં પ્રોેફેશનલ રાસ ગરબાર યોજવા અંગે આયોજકોમાં નિરસતાનો માહોલ

1577

શહેરમાં નવરાત્રી-ર૦૧૮ લઈને ખેલૈયાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પરંતુ ખાનગી ધોરણે યોજાતા રાસ ગરબા આયોજકોમાં આ વર્ષ ઉણપ આવી હોય તેવું જણાઈ રહ્યું છે.

ભાવનગર શહેરમાં પ્રતિવર્ષ નવરાત્રી દરમ્યાન પથી વધુ સ્થળો પર ખાનગી ધોરણે રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે આવા આયોજનને લઈને આયોજકો ઉણા ઉતર્યા છે. પરિણામે ૩ થી ૪ સ્થળો પર આયોજન થાય તેવી શક્યતા રહેલી છે. જેમાં વર્ષોથી ગુલીસ્તા ગ્રાઉન્ડ ખાતે યોજાતા ગેલેકસી તથા જવાહર મેદાન ખાતે એન્કર ગૃપ ઉપરાંત કાળીયાબીડના સિમાડે પ્રથમવાર ખાનગી પાર્ટી પ્લોટમાં રાજયપથ કલબ દ્વારા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. એ જ રીતે વર્ષોથી શહેરના પ્રવેશ દ્વારા એવા રંગોલ ચોકડી ખાતે આવેલ રંગોલી રીસોર્ટમાં પરંપરાગત રીતે આયોજન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. સમાન્યતઃ જવાહર મેદાન ખાતે દર વર્ષે ત્રણથી વધુ આયોજનો થતા હોય છે. પરંતુ તંત્ર પાસે નવરાત્રી મહોત્સવ યોજવા માત્ર એક આયોજક દ્વારા મંજુરી માનવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. નવરાત્રી યુવા અને બાળકોનો મન પસંદ તહેવાર છે. જો કે સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા ર વર્ષથી શહેરના બોરતળાવ સ્થિત ઈસ્કોન કલબ ખાતે પણ કલબના મેમ્બરો માટે નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માત્ર કબલના સભ્યો જ જોડાઈ શકશે. તેવું સુત્રોએ જણાવ્યું છે. નવરાત્રી પુર્વે એક માસ અગાવ ખેલૈયાઓ ગરબા કલસીસોમાં કલાકો સુધી પરસેવો વહાવી અવનવા સ્ટેપસની પ્રેકટીસો શરૂ કરી દેતા હોય છે. હાલ મોટાભાગે સવારે તથા સાંજથી મોડી રાત સુધી ગરબા કલાસીસોમાં યુવા વર્ગની ભારે ભીડ જોવા મળે છે. તો બીજી તરફ શહેરના જાહેર સર્કલો તથા સોસાયટીઓ ફલેટસ તથા અન્ય પાર્ટી પ્લોટમાં દર વર્ષે માફક આ વર્ષે પણ ભવ્ય રીતે નવરાત્રીનું આયોજન કરવામાં આવનાર હોય જે અન્વયે આયોજકો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આવા આયોજકો માટે તંત્ર પાસે જરૂરી મંજુઓ  પણ મોટા પ્રમાણમાં માંગવામાં આવી છે. ઉત્સવ પ્રિય ભાવેણાવાસીઓ દર વર્ષ પર્વમાં અવનવા પરિવર્તનો સાથે ઉત્સવને યાદગાર બનાવે છે. જેને લઈને આ વર્ષ પણ નવા ફેરફારો પરીવર્તનો આવ્યા છે. જેમાં ડ્રેસથી લઈને ગરબા થીમ સ્ટેજ સહિતની બાબતોનો સમાવેશ થાય છે. આજથી નવરાત્રી શરૂ થવાઆડે માત્ર નવ દિવસ બાકી રહ્યા હોય ખેલૈયાઓ આયોજકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

વધતી મોંઘવારીને લઈને ખેલૈયાઓનું બજેટ વેર વિખેર

એક સમય હતો કે પ્રત્યેક વસ્તુ બાબતોમાં મોંઘવારી દર વર્ષે કે છ મહિને વધારો થતો પરંતુ અત્યારના સમયમાં દરરોજ ભાવ વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને જીવન જરૂરીયાતની વસ્તઓ આવક ઓછે અને મોંઘવારી વધવાના કારણે મધ્યમ અને ગરીબ વર્ગીય પરિવારો કફોડી સ્થિતિમાં મુકાઈ જવા પામ્યા છે. આ ભાવ વધારો ફુગાવાનીસિધ્ધી અસર સમાજમાં ઉજવાતા ઉત્સવો પર્વો પર પણ વર્તાય છે વર્ષ ર૦૧૮ની નવરાત્રીમાં રાસ-ગરબા રમવા ઈચ્છુક ખેલાડીઓ નવ દિવ્સનું બજેટ મેન્ટેન કરવા મથામણ કરી રહ્યા છે. સિઝન પાસની રકમમાં વધારો, પેટ્રોલ, ડીઝલ જેવા ઈંધણોના આસામાને આંબતા ભાવ તેમજ નવ દિવસ દરમ્યાનના ડ્રેસ તથા અન્ય એસેસરીઝના ભાડા પણ ગજા બહાર હોય આવી સ્થિતિમાં ઉત્સવો આખરે ઉજવવા તો કઈ રીતે તે પક્ષ પ્રશ્ન યુવા વર્ગમાં ચર્ચાઈ રહ્યો છે. સામાન્ય રીતે સરેરાશ નવરાત્રીના ૧ દિવસનો ખર્ચ રૂા. પ૦૦થી અધિક થતો હોય આ ખર્ચને પહોંચી વળવા યુવાઓ અવનવા જુગાડ અપનાવી રહ્યા છે.

શૈક્ષણિક ક્ષેત્રે નવરાત્રી વેકેશનથી વિદ્યાર્થીઓ ખુશ

રાજય સરકાર દ્વારા આ વર્ષે નવરાત્રી દરમ્યાન નવ દિવસનું વેકેશન જાહેર કર્યું છે. આ વેકેશનને લઈને રાજયભરની તમામ શાળા કોલેજોમાં ૯ દિવસનું મિની વેકેશન રહેશે અને કોઈપણ પ્રકારનું શિક્ષણ કાર્ય કરવામાં આવશે નહિ, સરકારનો આ નિર્ણય વિદ્યાર્થીઓમાં ખાસો આવકાર પાત્ર બન્યો છે. કારણ કે દર વર્ષે નવરાત્રીના નવ દિવસ દરમ્યાન અડધી રાત સુધી રાસ ગરબાને લઈને ઉજાગરા અને સવાર થતાની સાથે શાળા કોલેજોમાં હાજરી પરિણામ શિક્ષણ કાર્ય પર માઠી અસરો વર્તાની હતી આથી આ વર્ષે તમામ વિદ્યાર્થીઓ મનભરીને નવરાત્રીની ઉજવણી કરી શકશે. રાજય સરકારના આ નિર્ણયને લઈને વાલીગણને પણ ભારે રાહત થઈ છે. જો કે નવરાત્રી સંપન્ન થતાની સાથે રર ઓકટોબરથી પરીક્ષાઓ યોજાશે. આથી વિદ્યાર્થીઓને પરીક્ષા લક્ષી તૈયરી માટેનો ખાસ સમય નહિ મળે તે બાબત પણ નોંધનીય છે.

Previous articleરેલ્વે ટર્મીનસમાં ગીર્દીનો લાભ લઈ મોબાઈલ ચોરનાર શખ્સ જબ્બે
Next articleતા.૦૧-૧૦-ર૦૧૮ થી ૦૭-૧૦-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય