સરતાનપરના સમુદ્રમાંથી મળી દૈત્યાકાર માછલી

2882

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સરતાનપર ગામના માછીમારોને દરિયો ખેડતા સાગરખેડૂઓને દુર્લભ અને રાક્ષસી કદની માછલી મળતા લોકો હેરતમાં મુકાઈ જવા પામ્યા છે.

સમગ્ર બનાવ અંગે સુત્રો પાસેથી જાણવા મળતી વિગતો અનુસાર તળાજા તાલુકાના સરતાનપર બંદર ગામે રહેતા અને માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલ કાળુભાઈ અંતુભાઈ ભીલ તથા અન્ય સભ્યો નિત્યક્રમ મુજબ તાજેતરમાં સમુદ્રમાં માચ્છીમારી અર્થે ગયા હતા.જ્યાં તેમની જાળમાં અકસ્માતે એક વિશાળ જળચર જીવ ફસાતા માછીમારોએ મધદરિયે અથાગ પ્રયત્નો બાદ ઝાળ હોડી પર ખેચતા આ ઝાળમાં દેશી ભાષામાં ઓળખાતી (કરવત માછલી) મૃત હાલતમાં મળી આવી હતી. આથી આ માછલીને સલામતીપૂર્વક સરતાનપર બંદરે લાવવામાં આવી હતી. તટ પર આ માછલીને નિહાળવા મોટીસંખ્યામાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. માછીમારો દ્વારા વાહન મારફતે વેચાણ અર્થે લઈ જવામાં આવી હતી.

આ માછલી અંગે વધુ માહિતી આપતા ભાવનગરના જાણીતા પક્ષીવિદ્દ અને એમ.કે. ભાવ. યુનિ.ના પ્રોફેસર ઈન્દ્રભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે, આ માછલીનું વૈજ્ઞાનિક નામ ‘પ્રિન્ટીઝ-સો-ફીશ’ છે. શાર્ક કુળની આ માછલીનું મુળ વતન એટલાન્ટીક મહાસાગર છે. આ માછલી ભાગ્યે જ ખાડીમાં જોવા મળે છે પરંતુ અરબી સમુદ્રમાં મહારાષ્ટ્રથી નીચેના પટ્ટામાં આવેલ સાગરમાં જોવા મળે છે. આ ફીશની વિશ્વમાં પ પ્રજાતિ નોંધાયેલી છે અને દુનિયામાં આ માછલીના વિવિધ અંગોની ઉંચી કિંમત તથા બહોળી માંગને લઈને તેનો બેફામ શિકાર થયો હોય હાલ તેનો સમાવેશ લુપ્ત થતી પ્રજાતિમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મલેશીયા સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા આઈસીયુએન દ્વારા તેને બચાવવા મેદાને પડી છે. ભારતના સમુદ્રમાં પણ શેડ્યુઅલ ૧ (ર) એ હેઠળ આરક્ષિત આ માછલીના શિકાર પર પ્રતિબંધ છે. આ શાર્કકુળની હોવા છતા તે ખુબ શાંત સ્વભાવની હોય છે. માનવો માટે કોઈ ખતરો બનતી નથી. તેનો મુખ્ય ખોરાક શંખ, છીપ હોય છે. ભાગ્યે જ ક્યારેક તે ખોરાકની શોધમાં ખાડીમાં આવી ચડે છે. ભાવનગરની ખાડીમાં અત્યાર સુધી આ માછલી જોવા મળી નથી.

Previous articleભાવેણાના વિકાસમાં આધાર સમાન અનેક સવલતોનો આજે પણ અભાવ
Next articleતા.૦૮-૧૦-ર૦૧૮ થી ૧૪-૧૦-ર૦૧૮ સુધીનુંસાપ્તાહિક રાશી ભવિષ્ય