એએમયુ છોડી દેવા ૧૨૦૦ કાશ્મીરી વિદ્યાર્થીની ચેતવણી

918

હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રાસવાદી મન્નાન વાનીના એન્કાઉન્ટર અને  અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં તેની યાદમાં શોકસભા આયોજિત કરવાને લઇને વિવાદ ચાલી રહ્યો છે.

તેમાં હવે એક નવો ટિ્‌વસ્ટ આવી ગયો છે. હવે અહીંના અનેક વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી વહીવટીતંત્રને સાફ શબ્દોમાં કહ્યું છે કે, બે દિવસમાં વિદ્યાર્થીઓની સામે કરવામાં આવેલી કાર્યવાહી પરત નહીં લેવામાં આવે તો આંદોલન ચલાવવામાં આવશે.

હવે ૧૨૦૦ જેટલા કાશ્મીરી વિદ્યાર્થીઓએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીને છોડી દેવા માટેની ધમકી આપી છે.

આ વિદ્યાર્થીઓએ ચેતવણી આપી છે કે, જો યુનિવર્સિટી વહીવટી તંત્ર આવું નહીં કરે તો ૧૨૦૦ કાશ્મીરી વિદ્યાર્થીઓ ૧૭મી ઓક્ટોબરના દિવસે સામૂહિકરીતે પોતાની ડિગ્રી યુનિવર્સિટી વહીવટીતંત્રને પરત આપીને કાશ્મીર જતા રહેશે. વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી વહીવટીતંત્ર ઉપર કાશ્મીરી વિદ્યાર્થીઓની સાથે ભેદભાવ કરવાનો આક્ષેપ કર્યો છે. વિદ્યાર્થીઓએ એમ પણ કહ્યું છે કે, યુનિવર્સિટી વહીવટી તંત્રએ બે કાશ્મીરી વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરી દીધા છે. સાતને કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી છે. તેમના ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો મુકવામાં આવ્યા છે જેથી તમા કાશ્મીરી વિદ્યાર્થીઓમાં દહેશત પ્રવર્તી રહી છે. જો યુનિવર્સિટી વહીવટીતંત્ર તેમના તરફથી કરવામાં આવેલી કાર્યવાહી પરત લેશે નહીં તો સામૂહિકરીતે યુનિવર્સિટી છોડી દેવામાં આવશે. ૧૭મી ઓક્ટોબરના દિવસે યુનિવર્સિટીના સ્થાપક સર સઇદ અહેમદ ખાનની જ્યંતિ છે. આ દિવસે ૧૨૦૦ વિદ્યાર્થીઓ ડિગ્રી પરત આપવાની યોજના બનાવી રહ્યા છે. એએમયુ સ્ટુડન્ટ યુનિયનના નાયબ અધ્યક્ષ અને કાશ્મીરી વિદ્યાર્થી સજાદે કહ્યું છે કે, અમને પોતાની સુરક્ષાની ચિંતા સતાવી રહી છે. જો તંત્ર માંગને ધ્યાનમાં લેશે નહીં તો ૧૨૦૦ વિદ્યાર્થી યુનિવર્સિટી છોડીને જતાં રહેશે. અને આના માટે યુનિવર્સિટી જવાબદાર રહેશે. કાશ્મીરી વિદ્યાર્થીઓને વહીવટીતંત્ર દ્વારા જે કારણદર્શક નોટિસ ફટકારી છે અને સસ્પેન્સન લેટર મોકલ્યા છે તેમાં આઈપીસીની કલમનો ઉલ્લેખ કરીને તેમને ધાકધમકી આપવામાં આવી છે. આના કારણે વિદ્યાર્થીઓમાં દહેશત દેખાઈ રહી છે. અમે તમામ નિરાધાર આરોપોને લઇને કેમ્પસમાં જઇ રહ્યા નથી. વિદ્યાર્થીઓમાં દહેશત પ્રવર્તી રહી છે. શુક્રવારના દિવસે અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારના દિવસે જમ્મુ કાશ્મીરના કુપવારામાં હેન્ડવારામાં સુરક્ષા દળોને મોટી સફળતા હાથ લાગી હતી. આના ભાગરુપે હિઝબુલ મુઝાહિદ્દીનના ત્રણ ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓમાં અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી અને રિસર્ચ સ્કોલર મન્નાન વાની પણ હતો. મન્નાન હિઝબુલ મુઝાહિદ્દીનનો સ્થાનિક કમાન્ડર તરીકે હતો.  તેને કુપવારામાં કમાન્ડર તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. બીજી બાજુ ફેસબુક ઉપર રાયફલની સાથે મન્નાનનો એક ફોટો વાયરલ થતાં તેને યુનિવર્સિટીમાંથી કાઢી મુકાયો હતો.  તે પાંચમી જાન્યુઆરીના દિવસે જ હિઝબુલમાં સામેલ થઇ ગયો હતો. મન્નાન છેલ્લા પાંચ વર્ષથી અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યો હતો. તે જમ્મુ કાશ્મીરના કુપવારા જિલ્લા તાકીપોરા ગામનો નિવાસી હતો. મન્નાનને તેના ઘરવાળા આગળના અભ્યાસ માટે અમેરિકા મોકલવા ઇચ્છુક હતા. આને લઇને તે ખુબ ઉત્સાહિત પણ હતો પરંતુ તે ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ થઇ ગયા બાદ પરિવારના સભ્યો નાખુશ હતા. છેલ્લે ચોથી જાન્યુઆરીના દિવસે તેની વાત થઇ હતી તે વખતે મન્નાને પોતાના ભાઈને પરિવારની સાથે પોતાનો એક જુનો ફોટો મોકલ્યો હતો. ત્યારબાદ તેનો ફોન બંધ થઇ ગયો હતો. ફેસબુક એકાઉન્ટ પણ બંધ થઇ ગયું હતું. જાન્યુઆરીમાં જ મન્નાન એએમયુથી કાશ્મીર પહોંચી ગયો હતો. ત્યારબાદ તે  હિઝબુલમાં સામેલ થઇ ગયો હતો. મન્નાન વાની કુખ્યાત ત્રાસવાદી તરીકે હતો.

Previous articleગુરુગ્રામ ગોળીબાર : જજના પત્નિ, પુત્રનું કરૂણ મોત થયું
Next articleભારત વિરૂદ્ધ ૧૦ સર્જિકલ સ્ટ્રાઇક કરવા પાકની ધમકી