દેહ નાશવંત છે, તેનું ભાન રહેવું એ જરૂરી છે : પૂ.બાપુ

1649

‘ત્રિભુવન તિર્થ’ તલગાજરડા ધામ ખાતે આજે શંખનાદ સાથે પૂજ્યબાપુનું વ્યાસપીઠ પર આગમન થયું. બાપના આગમન સાથે જ જાણે કે વાયુમંડળ આલોકિત બની જાય છે. વાતાવરણમાં એક અલૌકિક શાંતિ છવાઈ જાય છે. ૬૦,૦૦૦ શ્રોતાઓ ઉપસ્થિત હોવા છતા જાણે પરમ મૌનનું સામ્રાજ્ય છવાઈ જાય છે. જ્યાં ખુદ હનુમાનજી ઉપસ્થિત હોય ત્યાં વાતાવરણની સમતા, સજાગતા, સૌમ્યતા અને શાંતિનું સામ્રાજ્ય છવાઈ જાય એ ચમત્કાર નહીં, ખરો સાક્ષાત્કાર છે.

આજે કથા પ્રારંભે અક્ષર પુરૂષોત્તમ સંસ્થાના ડોક્ટર સ્વામી વિશેષ ઉપસ્થિત રહ્યાં સાથે બ્રહ્મવિહારી સ્વામી એ પણ પૂજ્યબાપુની ભાવંવદના કરી, સુરતના નટુભાઈ, ભીમભાઈ ખોડલાયાએ પણ સ્વામિનારાયણ સંતો અને પૂજ્યબાપુની વંદના કરી. પરમ ભગવદીય ડોક્ટર સ્વામીએ સૌના જીવનમાં સત્સં, ભક્તિ, સેવા અને ધર્મની ભાવના જાગે અને રાષ્ટ્ર માટે અસ્મિતા પ્રકટે એવા શુભાશિષ આપ્યા. બ્રહ્મવિહારી સ્વામીએ જણાવ્યું કે, અક્ષરવાસી પ્રમુખસ્વામીની અંતિમ આરતી પૂજ્યબાપુએ ઉતારી હતી એ વાત અમે ક્યારેય ભુલવાના નથી. લાખો વ્યક્તિઓના મગજમાં હકારાત્મક વિચારો પેદા કરવાનું અત્યંત વંદનિય કાર્ય પૂજ્યબાપુ નિઃસ્વાર્થભાવે, નિર્માની પણે, નિરંહકારપણે કરે છે. એટલે કથામાં સાક્ષાત ભગવાન રામ બધા કામ પાર પાડે છે. પૂજ્યબાપુએ ડોક્ટર સ્વામી, બ્રહ્મવિહારી સ્વામી અને અન્ય સહુ સંતોને વંદન કર્યા. પ્રમુખ સ્વામીને બાપુએ સ્મરીને કહ્યું કે સદ્દભાવ અને પરસ્પર આદર મહત્વનો છે. આ કથા માટે ત્રિભુવનિય કથા છે. માનસમાં મહાદેવ પાર્વતીજીને કહે છે

‘પૂછે હું રઘુપતિ કથા પ્રસંગા ા સકલ લોક જગપાવની ગંગા ાા’

સકલ લોક એટલે ત્રિલોક, ત્રિભુવન. સ્વર્ગ, મૃત્યુ અને પાતાળ ત્રણેમાં હોય એવી ત્રિભુવનિય આ કથા છે. આપણે બધા સ્વર્ગમાં જ હતા પણ પૂણ્ય ક્ષીત થયા એટલે પૃથ્વી લોકમાં આવ્યા. બીજી કોઈ કથા સ્વર્ગમાં હોય કે ન હોય પણ મારો મહાદેવ કહે છે કે રામાયણની ચોપાઈઓ સ્વર્ગમાં પણ ગવાય છે. પૃથ્વી પર તો કથા છે જ અને પાતાળમાં શ્રી હનુમાનજી ગયા છે. રામ લક્ષ્મણને છોડાવવા ગયા છે એટલે જ્યાં હનુમાનજી હોયત્યાં રામકથા હોય જ એ રીતે ત્રણે લોકની ત્રિભુવનિય કથા છે.

આપણે સંસારી છીએ આપણને એષણા થાય એ સ્વાભાવિક છે. દશરથને પણ પુત્રપણા થઈ. બીજી વિત્તેષણા છે. પૈસાનો-ઘરનો અનાદર ન કરાય. ત્રીજી લોકેષણા-બધાની સામે સારા થવાથી વૃત્તિ જે સાધુને છેતરે છે. તૃષ્ણાની વાત કરતા બાપુએ કહ્યું કે, આપણને તૃષ્ણા બાંધે છે ત્યારે ગમે તેટલો મોટો માણસ તુષ્ણાને લીધે પતન પામે છે. બ્રાહ્મણોને યાદ કરતા બાપુએ કહ્યું કે, બ્રાહ્મણોનું સૌથી મોટુ લક્ષણ એનું ઔદાર્ય છે. બ્રાહ્મણનું આંખનું તેજ અને સાધુની આંખનો ભેદ એ આ જગતના બે નેત્ર છે. આમાં વર્ણની વાત નથી. બચપણની માંડવીના પાથરા ચોરનારની સામે ભોળવાઈને જનાર બાપુએ વાડીના માલિક બ્રાહ્મણ દુલાદાદાને યાદ કરીને કહ્યું કે, આ વ્યક્તિગત વાત ત્રિભુવનિય છે.

આપણે ત્રણ મુખ્ય આધારે જીવીએ છીએ. એક તો દેહ જીવવાનો પ્રથમ આધાર દેહ છે. એટલે આપણે દેહાશ્રીત છીએ. ધર્મ માટે શાસ્ત્રકારોએ દેહને સૌથી મોટુ સાધન કહ્યું છે. આ દેહ સાધનોનો સમુહ છે. આ સાધનનું મંદિર છે અને મુક્તિનો દરવાજો છે. દેહ નાશવંત છે એનું ભાન રહેવું એ જરૂરી છે. આત્મા અંગુઠા જેવડો હોય. કારણ કે હૈયામાં અંગુઠો રહે અને એ પણ બાળકૃષ્ણનો નાનકડો આપણા પ્રારબ્ધના આધારે જીવીએ છીએ. આપણું કરેલું જે સંચીત થાય એ પ્રારબ્ધનો આકાર લે અને એ બધાને ભોગવવું પડે. કોઈ એનાથી છુટી ન રહે. નિયતિ કોઈને ન  છોડે અને ત્રીજુ આપણે દેવાધિન છીએ. દેવ એટલે શુધ્ધ તત્વ, દેવ શુધ્ધ છે મુક્ત નથી. જ્યાં જ્યા શુધ્ધ અંતઃકરણ હોય એ દેવ જ છે પણ દેવ મુક્ત નથી. એને મુક્ત થવા માટે હરિને ભજવો પડે છે.

જે બુધ્ધ પુરૂષનો આશ્રય કરશે એને પ્રારબ્ધ પીડા નહીં આપે. દેહ પીડા નહીં નડે અને દેવ પણ સહાય કરશે. એટલે ગુરૂઆશ્રય સૌથી મહત્વનો છે. જેને ગુરૂના શરણમાં નીષ્ઠા નથી એની પાસે સઘળુ સામર્થ્ય હોવા છતાં તે મિથ્યા છે. ગુરૂ પરંપરા પરવશ કરનારી વ્યવસ્થા નથી, સાધકને મુક્ત કરવાની વ્યવસ્થા છે. જો જીવનની સાચી મજા લેવી હોય તો કોઈ આંતર-બાહ્ય શુધ્ધ મહાપુરૂષના આશ્રયે રહીને એને પછી એ આશ્રય બદલતા નહીં. ગુરૂ આશ્રય દ્રઢ હોવો જોઈએ. દેવાશ્રીતપણુ કોઈ બુધ્ધપુરૂષના આશ્રયથી આવે છે. પ્રારબ્ધની તો ઐસીતૈસી. બાપુએ કહ્યું કે પોતાને બ્રહ્મપદ જોઈતું નથી. પોતાને તો પોતાના સદગુરૂના શરણમાં પદમાં બેસવું છે.

રૂપાળા છોકરાને નજર ન લાગે એટલે મા એને ત્રિભુવનિય કાળુ ટીલુ કરે, એમ ગુરૂ પોતાના આશ્રીતને કોઈની નજર ન લાગે એટલે એને ત્રિભુવનિય ટીલું કરે છે. જેની ગુરૂનિષ્ઠા પાકી હોય એની જીભ પર માની જાનકી બેઠી હોય. ગુરૂ જેણે સેવ્યો હશે એ ભલે શાસ્ત્રીય ચર્ચા ન કરતો હોય, એની જીભ પર ભલે સરસ્વતી ન બેઠી હોય, પણ એની જીભે જાનકી હોય, ભક્તિ હોય. શાસ્ત્ર મર્યાદા એ છે કે જીભ પાવક છે, અગ્ની છે. જીભ જ્વાલા છે જીભ પાવક હોય છે, સાધુની જીભ પવિત્ર હોય, નિર્મળ હોય, સાધુનો અર્ધ વિશા છે, ત્રિભુવનિય છે.

રામનું જીવન મંગલમય છે. એમણે તેર વરસ વનમાં આનંદ જ કર્યો છે. જ્યારે કૃષ્ણનું જીવન સંઘર્ષમય છે. કૃષ્ણે પોતે તારનારાનું તો ધ્યાન રાખ્યું જ પણ એને મારનારાનું ધ્યાન પણ કૃષ્ણએ રાખ્યું છે. બાપુએ કૃષ્ણની અંતિમ અવસ્થાનું આદ્રતાપૂર્ણ વર્ણન કર્યુ. આ જગતમાં ચાર વસ્તુ નિર્દોષ છે. એક વિષ્ણુ ભગવાન, બીજો સુર્ય, ત્રીજો અગ્ની અને ચોથી ગંગા. જાનકી એટલા નિર્દોષ કે એને કોઈ નિર્દોષના ઘરે જ મુકાઈ. પરમશક્તિ પરામ્બા મા જાનકીને એક માત્ર પરમ નિર્દોષ તત્વ અગ્ની પાસે જ મુકી શકાય. અગ્ની બ્રાહ્મણનો મોટો ભાઈ છે. એટલે ભગવાન રામે સીતાજીને અગ્નીરૂપી બ્રાહ્મણને સોપ્યાં છે. બ્રાહ્મણ પર ભગવાનનો કેટલો મોટો ભરોસો ?

કથાના ક્રમમાં બાપુએ કહ્યું કે, કળિકાળનો એક માત્ર સાર રામ નામ છે. રામ નામ સર્વ શાસ્ત્રનો સાર છે. બાપુની કથાની પ્રવાહી પરંપરા ક્યારથી શરૂ થઈ એનું માનસના આધારે રસપૂર્ણ વર્ણન કર્યુ. જ્ઞાનઘાટ, ઉપાસના ઘાટ, કર્મ ઘાટ અને તુલસીદાસજીના શરણાગતિના ઘાટને સંક્ષેપમાં સમજાવી, બાપુએ કહ્યુ કે, આ ચારે ઘાટની પરંપરાને વંદન કરીને હું મારા તલગાજરડી ઘાટ કે જે પંચમઘાટ છે તેના પરથી કથા કરૂ છું. પંચમુખવાળા શિવજી છે એટલે એ રીતે આ કૈલાસઘાટ છે. બાપુએ કહ્યું કે, આપણી શરણાગતિ પરિપૂર્ણ હોતી નથી એટલે શરણાગતિવાળાએ પણ કર્મ કરવું જરૂરી છે. પ્રમાદ મૃત્યુ છે એટલે શરણાગત થયા પછી વિશેષ કર્મ કરવા જોઈએ. સારા કામ કરવા જોઈએ, સર્વજન હિત માટે કાર્ય કરવા જોઈએ.

તપસ્વી શાંત હોવો જોઈએ. અતિ દેહદમન એ ક્રુરતા છે. માણસ રામપ્રેમી હોય, તપસ્વી હોય, દેહદમન કરે છતા ક્રુર ન હોય અને સ્વાર્થી નહીં પણ પરમાર્થી હોય. એવા રામપ્રેમી, તપસ્વી, પરમાર્થી ઋષિ યાજ્ઞવલ્કય, કુંભ પૂર્ણ થયા પછી ઋષિ ભારદ્વાજના સંશયને દુર કરવા રામકથા સંભળાવે છે. પ્રયાગરાજની કથા પ્રારંભ કરી, પૂજ્યબાપુએ પોતાની વાણીને વિરામ આપ્યો.

રત્નકણિકા

(૧) સાધુ હોશિયાર હોય એ મને ન ફાવે, સાધુમાં ભોળપણ હોવું જોઈએ.

(ર) સૌની નજર કવર ઉપર છે અને હું એકલો રામકથાના માધ્યમથી આખા જગતને કવર કરવાની કોશિષ કરૂ છું.

(૩) અમુકની સાથે ચાલીએ એનાય દંડ ભોગવવા પડે છે.

(૪) રામને સ્મરતા સ્મરતા ધન્યતાથી જીવન પુરૂ કરીએ એ જ અમૃત.

(પ) જેને ગુરૂશરણમાં નિષ્ઠા નથી એની પાસે સઘળું સામર્થ્ય હોવા છતાં બે બધુ મિથ્યા છે.

(૬) ગુરૂ પરંપરા સાધકને પરવશ કરનારી નહીં, મુક્ત કરનારી વ્યવસ્થા છે.

(૭) રામપણુ હોય એને વન અને ભવનનો ભેદ રહેતો જ નથી.

(૮) બાણ હોય કે બાણી (વાણી) હોય એ કૃષ્ણના શરણમાં ન જાય ત્યાં સુધી સાર્થક નથી.

(૯) મારા દેશનો પુરૂષ બળવાન હોય અને મારા દેશની સ્ત્રી શીલવાન હોય.

(૧૦) તલગાજરડાના રૂપાવાને ખોદો તો સોનુ નિકળે, ચોપાઈ નિકળે.

(૧૧) જે પરમ હોય છે તે અતિવિચિત્ર હોય છે.

માનવ કથા સાથે આજથી માનવસેવા

માનસ ત્રિભુવન કથામાં આજથી રક્તદાન કેમ્પ શરૂ થશે. ૮૧૮મી કથાના સંદર્ભમાં ઓછામાં ઓછી ૮૧૮ બોટલનું રકતદાન થાય એવી હરિભાઈ નકુમ પરિવાર અને વ્યવસ્થાપક બાબુભાઈ રામની ભાવના છે. બાપુએ રમુજમાં કહ્યું કે, મારે ત્રણ વખત નહાવું અને તમારે ત્રણ વખત ખાવું, બસ આનંદ કરવો.

બાપુની બાળલીલા

બાળપણમાં માંડવીના પાથરા ચોરવા જવાના પ્રસંગને બાપુએ રમુજી રીતે વર્ણવ્યો. બાપુએ કહ્યું કે, પોતે ભોળવાઈને પાથરા ચોરનારની સાથે ગયા પોતે ચોરી ન કરી પણ ચોરી કરનારની સાથે પણ જે બ્રાહમણની વાડીમાં ચોરનારે પાથરા ચોર્યા હતા. તેમણે ચોરનાર પાસેથી મુકાવીને બાપુએ ઘેર લઈ જવા મગફળી આપી, એ બ્રાહ્મણ બાપાને બાપુએ ભાવપૂર્વક સ્મર્યા. બાપુએ આ અનુભવથી કુસંગી સાથે ચાલવું નહીં એવું તારણ આપ્યું. નાના હતા ત્યારે આખા દિવસની મજુરી પછી નળીયા ચાળવાના ચાર આના મળતા ત્યારે આખુ શરીર નળીયાના કચરાથી ભરાઈ ગયું હોય એ અવસ્થામાંથી ગુરૂનિષ્ઠાએ આજે પોતાને ક્યાં પહોંચાડ્યા છે એ બાળપણની વ્યથા કથાએ શ્રોતાઓને રડાવ્યા.

Previous articleરાજુલા તાલુકામાં એકતાયાત્રાનું ભવ્ય સ્વાગત
Next articleસરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિએ રન ફોર યુનિટીના કાર્યક્રમની  પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ