સ્ટેચ્યુ ઓફ યુનિટી : લોકાર્પણને લઇને તમામ તૈયારી પૂર્ણ

950

જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી છે તે ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની ખાતે વિશ્વની સૌથી ઉંચી ૧૮૨ મીટરની વિરાટ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને ભારે રંગારંગ કાર્યક્રમ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે ૩૧મી ઓક્ટોબરના દિવસે રાષ્ટ્રને અર્પણ કરશે. આ કાર્યક્રમને ઐતિહાસિક અને યાદગાર બનાવવા માટેની તમામ તૈયારી છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી. આ તમામ તૈયારી હવે પૂર્ણ કરી લેવામાં આવી છે. આવતીકાલે વિરાટ પ્રતિમાનુ લોકાર્પણ કરવામાં આવનાર છે. ઐતિહાસિક સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ પર ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા આશરે ૨૨૦૦ કરોડ રૂપિયાથી વધારેનો ખર્ચ કરવામાં આવી ચુક્યો છે. આવનાર સમયમાં હજુ આશરે ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવનાર છે. આવી સ્થિતીમાં નિર્માણ પાછળ કુલ ખર્ચનો આંકડો ૨૫૦૦ કરોડની આસપાસ પહોંચશે. આ ઉપરાંત ગુજરાત સરકારે એક કાર્યકારી એજન્સીને ૧૫ વર્ષ સુધી તેની જાળવણી માટે આશરે ૬૦૦ કરોડ રૂપિયા આપ્યા છે. વડાપ્રધાન મોદી આવતીકાલે સવારે અમદાવાદથી વિમાનીમાર્ગ મારફતે નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે પહોંચનાર છે. કેવડિયાથી સીધી રીતે ફુલોની ખીણ  વેલી ઓફ ફ્લાવર અને ટેન્ટ સિટી પહોંચશે. ત્યાં નિરીક્ષણ કર્યા બાદ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાજંલિ આપવામાં આવ્યા બાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ લોકાર્પણ કરશે. ત્યારબાદ સરદારના જીવન પર નિર્મિત મ્યુઝિયમનુ ઉદ્‌ઘાટન કરનાર છે. ત્યારર વિરાટ જનસભાને સંબોધન કરશે. લોકાર્પણ કાર્યક્રમમાં જુદા જુદા રાજ્યોના મુખ્યપ્રધાનો પણ હાજર રહેનાર છે.

તમામનુ સ્વાગત કરવા માટે પણ તૈયારી કરવામાં આવી છે. લોકાર્પણ  કાર્યક્રમને સફળ બનાવવા માટે તૈયારી કરી લેવામાં આવી છે. લોકાર્પણ પ્રસંગે દેશભરના ૨૯ રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોના કલાકારો દ્વારા ભવ્યાતિભવ્ય રંગારંગ કાર્યક્રમ યોજનાર છે.  સાથે-સાથે આર્મ ફોર્સિસ, પેરા મીલીટરી ફોર્સિસ અને રાજ્ય પોલીસ દ્વારા વિવિધ સાંસ્કૃત્તિક કાર્યક્રમો પણ યોજશે. ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિની ઉજવણી ઉત્સાહપૂર્વક કેવડીયા કોલોની, નર્મદા ખાતે કરવામાં આવનાર છે.

જેમાં ભારતની આંતરિક અને સરહદીય સુરક્ષા જેના ખભા પર છે તેવા ગુજરાત પોલીસ દળ, એસઆરપીએફ, સીઆરપીએફ, આર્મી, નેવી અને એર ફોર્સ દ્વારા સાંગીતિક પ્રસ્તુતિ કરવામાં આવનાર છે.  ઉપરાંત ભારતવર્ષમાંથી ૨૯ રાજ્યો અને ૨ કેન્દ્રશાસિત પ્રદેશોના શ્રેષ્ઠ સાંસ્કૃતિક વૃંદો પોતાની સાંસ્કૃતિક ધરોહરની પ્રસ્તુતિ દ્વારા જ્યારે વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટીનું લોકાર્પણ કરવા આગળ વધશે ત્યારે વડાપ્રધાન સહિત મહાનુભાવોનું સ્વાગત કરશે. સૌ પ્રથમ ગુજરાત પોલીસના બ્યુગલર્સ દ્વારા મહાનુભાવોનું સ્વાગત કરાશે. ત્યારબાદ, વડાપ્રધાનના વરદ હસ્તે લોકાર્પણ કરશે. ત્યારબાદ, સમગ્ર દેશમાંથી પધારેલા સાંસ્કૃતિક જૂથો એક પછી એક પ્રસ્તુતિ કરશે. જેમાં કેરલાનું પંચવાઘમ, તમિલનાડુનું દમી હોર્સ, કારાગમ, કાવડી, આંધ્રપ્રદેશનું ગરાગુલુ, પોંડિચેરીનું કૈલીઅટ્ટમ, કર્ણાટકનું લેડીઝ, ઢોલુકુનિઠા- કોરબાના ભરવાડ સમાજના પુરૂષોનો ઢોલ સાથેનો વીરરસ દર્શાવતું નૃત્ય, તેલંગણાનું મથુરી નૃત્ય, છત્તીસગઢનું પંથી નૃત્ય, દમણનું મચ્છી નૃત્ય જેમાં મછવારા દરીયો ખેડી પાછા આવે ત્યારે તેના આનંદ ઉલ્લાસ પ્રકટ કરતું નૃત્ય, અરૂણાચલ પ્રદેશનું રીખ્ખમપડ, આસામનું બિહુ જેમાં, વસંતના આગમનના વધામણા અને માનવીય પ્રેમને દર્શાવતું નૃત્ય, મેઘાલયનું વાંગલા, મિઝોરમના ચેરો નૃત્યમાં વાંસનો ઉપયોગ થતો હોવાથી બામ્બુ ડાન્સ તરીકે પ્રચલિત છે. વાંસને આડા સમાંતર રાખી બન્ને છેડે બે જુદી જુદી વ્યક્તિ તેને પકડે અને તાલબદ્ધ રીતે અથડાવી તેના તાલી નૃત્ય કરે છે, નાગાલેન્ડનું મકુહેનગીચી(વોર ડાંસ) ત્રિપુરાનું હોજાગીરી, સિક્કીમનું સંગહીચામ, પંજાબનું ભાંગડા, જમ્મુ કશ્મિરનું રૌફ નૃત્ય, હિમાચલપ્રદેશનું હિમાચલી નટી, ઝારખંડનું પૈકા,  બિહારનું હોલી અને જલી જલા, ઓરીસ્સામાં ગોટીપુઆ-દેવદાસી અને મહારી પ્રથાની પડતી થતા નર્તક છોકરાઓ દ્વારા આ ઓડિસી નૃત્ય પ્રસ્તુત કરવામાં આવે છે. જેમાં અંગકસરત અને વ્યાયામના વિવિધ આસનોનો સમાવેશ થાય છે. હરીયાણાના ધુમર કે જેમાં હોલી, ગંગોદર પૂજા અને ત્રીજ જેવા તહેવારોમાં છોકરીઓ જે પરંપરાગત નૃત્ય કરે છે તે ઘુમર નૃત્ય તરીકે ઓળખાય છે. મધ્યપ્રદેશનું બંધાઇ નૃત્ય, ઉત્તરાખંડનું છાપેલી, રાજસ્થાનનું લાંગી ઘેર નૃત્ય જે હોલીના સમયે ખેલવામાં આવે છે. પગમાં ઘૂંઘરુ, સાફા સાથે ઢોલ અને થાલી પર યુદ્ધ કલાની પ્રસ્તુતિ નૃત્ય દ્વારા કરવામાં આવે છે. મણીપુરનું ઢોલ, ઢોલક, ચોલમ- જેમાં તલવાર અને ભાલાથી યુદ્ધકલાનું પ્રદર્શન નૃત્ય દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે. ગુજરાતનું સિદ્દી ધમાલ નૃત્ય, ગોવાનું મુસલ ખેલ, ઉત્તરપ્રદેશ/પશ્ચિમ બંગાળનું મયુર નૃત્ય અને પુરાલીયા. ગુજરાતનું જાનૈયા ઢોલ જેમાં ગુજરાતના લોકવાદ્ય ઢોલની પ્રસ્તુતિ, મહારાષ્ટ્રનું સાંગી મુખોટા, ગુજરાતના ડાંગી વાદ્યોમાં ડાંગ વિસ્તારના આદિવાસી જાતિના લોકો થકી લોકવાદ્યો દ્વારા પ્રસ્તુતી. ગુજરાતનું રાઠવા નૃત્ય જે આદિવાસી લોકનૃત્ય હોલી અને લગ્ન પ્રસંગે પ્રસ્તુત કરવામાં આવે છે. જેમાં મોટા ઢોલ અને વાંસળીનો ઉપયોગ કરી સ્ત્રી અને પુરૂષો પરંપરાગત વેશભૂષામાં નૃત્યની પ્રસ્તુતિ કરે છે જેને યુનેસ્કો દ્વારા હેરીટેજ નૃત્ય પણ જાહેર કરાયું છે. આ તમામ નૃત્યો આવનાર મહાનુભાવો અને લોકના મન હરી લેશે.રાજ્યોના સાંસ્કૃતિક ધરોહર સમા સાંસ્કૃતિક કાર્યક્રમોની પ્રસ્તુતિ બાદ વડાપ્રધાન સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ આગળ વધશે ત્યારે ભારત દેશની આન-બાન અને શાન સમા પોલીસ દળ અને સરહદોની સુરક્ષા કરતા સશસ્ત્રદળો દ્વારા પ્રસ્તુતિ કરવામાં આવે છે. જેમાં ગુજરાત પોલીસ દ્વારા વંદે માતરમ, એસઆરપીએફ દ્વારા એ મેરે વતન કે લોગો, સીઆરપીએફ દ્વારા દેશો કા સરતાજ ભારત, બીએસએફ દ્વારા મેરા મુલ્ક મેરા દેશ, મેરા યે વતન, આર્મી દ્વારા કદમ કદમ બઢાયે જા, બીટ નં-૧ અને એરફોર્સ દ્વારા સારે જહાં સે અચ્છા હિન્દુસ્તા હમારા જેવા ગીતોની પ્રસ્તુતિ કરીને રાષ્ટ્રભક્તિમય વાતાવરણ ઉભુ કરવાના પ્રયાસ પણ કરાશે છે ત્યારે આ રાષ્ટ્રભક્તિમય સાંસ્કૃતિક કાર્યક્રમ માણવાનો અવસર લોકો માટે અનેરો બની રહેશે. તમામ ટીવી ચેનલો પર કાર્યક્રમને પણ જીવંત માણી શકાશે.કાર્યક્રમને લઇને છેલ્લા કેટલાક સમયથી ગુજરાત સરકાર વ્યસ્ત હતી.

સ્ટેચ્યુ ઓફ યુનિટીને પહેલીથી જોઇ શકાશે

ભારતના લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીનું કેવડિયા ખાતે આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે. આ પ્રતિમાને સામાન્ય લોકો માટે પણ ખુલ્લી મુકી દેવામાં આવનાર છે. આવનતીકાલે લોકાર્પણ બાદ સામાન્ય લોકો પહેલી નવેમ્બર ૨૦૧૮થી આને નિહાળી શકશે.  સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડની યાદીમાં જણાવવવામાં આવ્યુ છે કે લોકોને કોઇ તકલીફ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.  આ પ્રવાસન સ્થળની સહેલીણીઓ મુલાકાત લઇ શકે તે માટે સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓની સરળતા માટે ઓનલાઈન ટિકિટ બુકિંગ માટે વેબસાઈટ અને મોબાઈલ એપ્લીકેશન વિકસાવવામાં આવી છે. ઓનલાઇન ટિકિટ બુકીંગ માટે પ્રવાસીઓ પર જઈને ટિકિટ બુકિંગ કરાવી શકે છે.  આ બુકીંગ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મોબાઈલ એપ્લીકેશન ટૂંક સમયમાં કાર્યરત કરાશે. ઉપરાંત પ્રવાસીઓ કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસેથી અને શ્રેષ્ઠ ભારત ભવનથી પણ ટિકિટ મેળવી શકશે, પ્રતિમાનુ લોકાર્પણ કરવામાં આવ્યા બાદ મોટી સંખ્યામાં ગુજરાતી લોકો અને દેશભરમાંથી મોટી સંખ્યામાં લોકો અહીં પહોંચે તેવી શક્યતા છે.

આના માટે પણ તમામ તૈયારી કરી લેવામાં આવી છે. પ્રવાસી સ્થળ તરીકે તે ટુંકમાં જ લોકપ્રિયતા હાંસલ કરશે.

યુવાનો માટે ખાસ રીતે સેલ્ફી પોઇન્ટ રખાયા

ભારતના લોખંડી પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા – સ્ટેચ્યુ ઓફ યુનિટીનુ આવતીકાલે ૩૧મી ઓક્ટોબરના દિવસે લોકાર્પણ કરવામાં આવનાર છે. અહીં આવતા લોકો સારી રીતે ફરી શકે અને સેલ્ફી પણ પાડી શકે  તે માટે પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યુ છે. યુવા પેઢીમાં સેલ્ફીનો ક્રેઝ છે જેની નોંધ લેવામાં આવી છે. આદિવાસી સંસ્કૃતિ તથા વેલી ઓફ ફલાવર્સ તથા પ્રતિમા સાથે યુવાઓને ફોટો પાડવાની તક પૂરી પાડવા વિવિધ સ્થળોએ સેલ્ફી પોઇન્ટ ઉભા કરાયા છે.  તેમજ વ્યુઇંગ ગેલેરી પણ ઉભી કરાઇ છે. સોશ્યલ મીડિયાનો યુવાઓમાં વધતો જતો ક્રેઝ ધ્યાને લઇને વિશ્વસ્તરના આ પ્રવાસન સ્થળે સરદાર સાહેબની પ્રતિભાની સાથે યુવક-યુવતીઓ પોતાની તસવીર ખેંચી શકે તે માટે ખાસ વેલી ઓફ ફલાવર્સ, પ્રતિમા સ્થળ તેમજ અમગ્ર પરિસરમાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખીની સાથે કુદરતી નજારો જોવા મળે તે રીતે વિવિધ જગ્યાઓ પર સેલ્ફી પોઇન્ટ ઉભા કરાયા છે.

જે યુવાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. પરિસરમાં પ્રતિમાની સામે, વેલી ઓફ ફલાવર્સમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતાં પરિવારની અદભૂત મૂર્તિઓ તથા સરદાર સાહેબની પ્રતિમાની સાથે સેલ્ફી પડાવવાની અનેરી તક મળશે. ઉપરાંત પ્રતિમાની સામેના બગીચામાં અદભૂત પતંગિયાની પ્રતિકૃતિ ઉભી કરાઇ છે. જેની સાથે સરદાર સાહેબની પ્રતિમાની સેલ્ફી મળી રહેશે, એ પણ આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.

Previous articleપાટીદાર અલ્પેશ કથિરિયાની દિવાળી હવે જેલમાં ઉજવાશે
Next articleસિહોરની જે.જે.મહેતા ગર્લ સ્કૂલની બહેનો માટે એક દિવસીય ગરબા મહોત્સવ યોજાયો