પાટીદાર અલ્પેશ કથિરિયાની દિવાળી હવે જેલમાં ઉજવાશે

939

રાજદ્રોહના કેસમાં જેલમાં બંધ પાસ નેતા અલ્પેશ કથીરિયાએ જેલમાં જ દીવાળી ઉજવવી પડે તેવી સ્થિતિ સર્જાઇ છે કારણ કે, અલ્પેશ કથીરીયાની ગુજરાત હાઇકોર્ટમાં કરાયેલી જામીનઅરજીની સુનાવણી આજે હાથ તો ધરાઇ પરંતુ હાઇકોર્ટ તરફથી કથીરીયાને કોઇ રાહત અપાઇ ન હતી. બંને પક્ષોની સુનાવણી પૂર્ણ થઇ જતાં હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૧૯મી નવેમ્બરે મુકરર કરી દેતાં હવે અલ્પેશ માટે મુશ્કેલી ઉભી થઇ છે કારણ કે, તેની દિવાળી જેલમાં જ ગાળવી પડે તેવો ઘાટ સર્જાયો છે. રાજદ્રોહ કેસમાં અલ્પેશ કથીરીયા દ્વારા હાઇકોર્ટમાં કરાયેલી જામીનઅરજીમાં આજે ગુજરાત સરકાર દ્વારા સખત વિરોધ કરી રજૂઆત કરવામાં આવી હતી કે, અલ્પેશ અને તેના સાથીદારોએ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું હતું. રાજ્યમાં અશાંતિ અને તનાવનું વાતાવરણ ઉભુ કર્યું હતું. જાહેર શાંતિ હણવાના અને રાજયની કાયદો અને વ્યવસ્થાની પરસ્થિતિ જોખમમાં મૂકવા બદલ આવા ગંભીર ગુનામાં તેને હાઇકોર્ટે જામીન આપવા જોઇએ નહી. કથીરીયા વિરૂધ્ધનો ગુનો ઘણો ગંભીર છે અને તેની વિરૂધ્ધ પ્રથમદર્શનીય પુરાવા છે ત્યારે હાઇકોર્ટે કથીરીયાની જામીન અરજી ફગાવી દેવી જોઇએ. અલ્પેશ અને તેના સાથીદારોએ સમગ્ર ગુજરાતને બાનમાં લીધું હતું. રાજ્યમાં અશાંતિ અને તનાવનું વાતાવરણ ઉભુ કર્યું હતું જેના કારણે હિંસા તેમજ તોડફોડ થઈ હતી. ભડકાઉ ભાષણો આપ્યા હતાં. સરકાર દ્વારા ટેલિફોનિક કન્વર્ઝેશનના રેર્કોડિંગના પુરાવાનો ુમુદ્દો પણ કોર્ટના રેકર્ડ પર રજૂ કરાયો હતો અને આરોપીના જામીન ફગાવી દેવા અદાલતને ભારપૂર્વક વિનંતી કરાઇ હતી. આ અગાઉ અલ્પેશ કથીરિયાના વકીલ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, સરકારે કિન્નાખોરી રાખી કેસ કર્યા છે. અલ્પેશે પોતાના સમાજ માટે અનામતની માગ કરી હતી, પ્રસ્તુત કેસમાં રાજદ્રોહનો કોઇ ગુનો બનતો જ નથી. પોલીસે ખોટી રીતે અરજદાર વિરૂધ્ધ કેસ દાખલ કર્યો છે. સરકારે અનામત આંદોલન વખતના ૪૫માંથી ૩૯ કેસ પાછા ખેંચ્યા હોવાનું પણ વકીલે જણાવ્યું હતું ત્યારે અરજદારને પણ જામીન પર મુકત કરવા જોઇએ. બંને પક્ષોની સુનાવણી આજે પૂર્ણ થઇ જતાં હાઇકોર્ટે કેસની વધુ સુનાવણી તા.૧૯મી નવેમ્બર પર મુકરર કરી હતી. હાઇકોર્ટે કોઇ રાહત નહી આપતાં હવે દિવાળી તાકડે કથીરીયા માટે મુશ્કેલી સર્જાઇ છે.

Previous articleએમઆર શાહની સુપ્રીમના જસ્ટિસ તરીકે નિમણૂંક
Next articleસ્ટેચ્યુ ઓફ યુનિટી : લોકાર્પણને લઇને તમામ તૈયારી પૂર્ણ