શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ ભાજપને રામ મંદિર નિર્માણને એક જુમલા તરીકે ગણાવવા માટે પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે, જો આવું કરશે તો ભાજપ લોકસભામાં ૨૮૦ સીટ પરથી બે સીટોમાં આવી જશે. મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના મહાડમાં શિવસેના કાર્યકરોને સંબોધતા ઉદ્ધવે કહ્યું હતું કે, શિવસેના અને ભાજપ મહારાષ્ટ્રમાં અને કેન્દ્ર સરકારમાં સાથી પક્ષ તરીકે છે અને અનેક મુદ્દાઓ ઉપર ખેંચતાણની સ્થિતિ છે.
ભાજપ પર પ્રહાર કરતા ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે, રામ મંદિર નિર્માણ માટે અયોધ્યામાં જે ઇંટો એકત્રિત કરવામાં આવી હતી તે હકીકતમાં રામ મંદિર માટે નહીં બલ્કે સત્તા હાંસલ કરવા માટે બનાવવામાં આવેલી સિડી માટે હતી. શિવસેના અધ્યક્ષે કહ્યું હતું કે, જો રામમંદિર નિર્માણનું કામ ભાજપ નહીં કરે તો તેનું પતન થશે. ૨૦૧૯ની ચૂંટણી નજીક છે ત્યારે તેમને આ બાબતને લઇને ચિંતા નથી કે, રાજકીય પક્ષોનું શુ થશે પરંતુ આ બાબતની ચિંતા અને દેશનું શું થશે. રામ મંદિર નિર્માણને લઇને અનેક પાર્ટીઓ ભાજપ ઉપર પ્રહાર કરી રહી છે. સત્તારુઢ ભાજપ પાસે લોકસભામાં ૨૭૨ સીટો છે. સુપ્રીમ કોર્ટે આ મામલાની સુનાવણી ટાળી દીધી છે. હવે જાન્યુઆરી ૨૦૧૯માં આ બાબતને લઇને નિર્ણય કરવામાં આવશે કે કઇ બેંચની સામે આ મામલાની સુનાવણી કરવામાં આવે અને કઇ તારીખે સુનાવણી કરવામાં આવે. સુપ્રીમ કોર્ટે આ મામલાને ફરી એકવાર ટાળી દેતા જુદા જુદા હિન્દુ સમુદાયમાં નારાજગીનુ મોજુ ફરી વળ્યુ છે. ચીફ જસ્ટીસ રંજન ગોગોઇના નેતૃત્વમાં રચવામાં આવેલી બેંચે અયોધ્યા વિવાદ મામલામાં સુનાવણી જાન્યુઆરી ૨૦૧૯ સુધી ટાળી દીધી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસના નેતૃત્વવાળી બેચમાં સંવેદનશીલ અયોધ્યા રામ મંદિર-બાબરી મસ્જિદ જમીન વિવાદના મામલામાં સુનાવણી આજે હાથ ધરવામાં આવી હતી.



















