સુપ્રીમ કોર્ટ દ્વારા સૌથી સંવેદનશીલ અયોધ્યા વિવાદની સુનાવણી આગામી વર્ષે જાન્યુઆરી સુધી ટાળી દેવાના નિર્ણય બાદ આ મુદ્દા પર રાજકીય ખેંચતાણ સતત વધી રહી છે. સંઘ અને વિશ્વ હિન્દુ પરિષદ સહિતના અનેક સંગઠનો હવે મંદિર નિર્માણનો માર્ગ મોકળો કરવા વટહુકમ લાવવા માટેની માંગ કરી રહ્યા છે. આવી સ્થિતીમાં ભાજપ પ્રમુખ અમિત શાહ અને સંઘના વડા મોહન ભાગવત વચ્ચે યોજાયેલી બંધ બારણેની બેઠકને ઉપયોગી ગણવામાં આવે છે. આ બેઠક એક કલાકથી વધારે સમય સુધી ચાલી હતી. બેઠકમાં રામ મંદિરના મુદ્દા પર વિસ્તારપૂર્વક વાતચીત થઇ હોવાના હેવાલ મળ્યા છે. સંઘ દ્વારા મંદિર નિર્માણના મુદ્દે આક્રમક વલણ અપનાવવામાં આવ્યા બાદ આ બેઠકને લઇને ચર્ચા છેડાઇ ગઇ છે. સંઘ પ્રમુખ અને શાહ વચ્ચે બંધ બારણે આ બેઠક યોજાઇ હતી. સુત્રોના કહેવા મુજબ આ બેઠકમાં રામ મંદિર અને સબરીમાલા મંદિર પર ચર્ચા કરવામાં આવી હતી. ભાગવત અને શાહ વચ્ચે આ બેઠકમાં અન્ય પાસા પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
સંઘ પ્રમુખ ભાગવતે વિજયાદશમીના પ્રસંગે પોતાના સંબોધનમાં ફરી એકવાર રામ મંદિર નિર્માણની વાત કરી હતી. ભાગવતે કહ્યુ હતુ કે આના માટે સરકારે જરૂર પડે તો કાનુન બનાવવા માટે પ્રયાસ કરવા જોઇએ. ભાજપ પ્રમુખ અમિત શાહ પણ આ મુદ્દે જાહેરમાં નિવેદન કરી રહ્યા છે. ગયા મહિના અમિત શાહે કહ્યુ હતુ કે તેમની ઇચ્છા છે કે રામ મંદિરનુ નિર્માણ ૨૦૧૯થી શરૂ કરી દેવામાં આવે. મોદી સરકાર પર હવે દબાણ દિન પ્રતિદિન વધી રહ્યુ છે. આગામી દિવસોમાં વટહુકમને લઇને કોઇ નિર્ણય કરવામાં આવી શકે છે.શિવ સેના અને એનડીએના અન્ય સાથી પક્ષો પણ મોદી પર હવે દબાણ લાવી રહ્યા છે. કોર્ટમાં મામલો સતત ખેંચાઇ રહ્યો છે. અમિત શાહ પોતે કહી ચુક્યા છે કે, વિવાદાસ્પદ જમીનના માલિકી હકના સંદર્ભમાં નિર્ણય લેતી વેળા એ બાબતની અવગણના કરી શકાય નહીં કે, ભગવાન રામના જન્મસ્થળ પર સ્થિત તેમને મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું. શાહે કહ્યું હતું કે, અમને આ વાતને પણ ભુલવી જોઇએ નહીં કે ૬૦૦ વર્ષ પહેલા અયોધ્યામાં રામ મંદિર તોડી પાડવામાં આવ્યું હતું. ઘણા લોકોને એવું લાગે છે કે, અયોધ્યામાં સંત સમાજની માંગનું સમર્થન કરીને સંઘે ભાજપ અને કેન્દ્ર સરકાર ઉપર દબાણ વધાર્યું છે. બીજી બાજુ શાહે પોતાના નિવેદનમાં એવો સંકેત પણ આપ્યો છે કે, પાર્ટી પોતાના વિકાસ અને કલ્યાણ સાથે જોડાયેલા એજન્ડાની સાથે સાથે સાંસ્કૃતિ અને ઓળખનાર આ મુદ્દાને લઇને સાથે ચાલવા માટે ઇચ્છુક છે. અયોધ્યામાં વિવાદાસ્પદ સ્થળ પર મંદિરના નિર્માણને લઇને કાનૂન બનાવવા માટે દબાણ તીવ્ર બની રહ્યું છે. ભાજપ અને સંઘની વચ્ચે પણ માંગ તીવ્ર બની રહી છે. કોંગ્રેસની દલીલ છે કે, તમામ પક્ષોને ન્યાયતંત્રનો આદેશ પાળવો જોઇએ. આ પહેલા બુધવારના દિવસે કેન્દ્ર સરકારને ૧૯૯૪માં સુપ્રીમ કોર્ટમાં તત્કાલિન કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવેલા વચનોને પૂર્ણ કરવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. સંઘે કહ્યું હતું કે, તત્કાલિકન સરકાર આ બાબત ઉપર સહમત થઇ ગઇ હતી કે જો બાબરી મસ્જિદ બનાવતા પહેલા ત્યાં મંદિર હોવાના પુરાવા મળી આવશે તો હિન્દુ સમુદાય સાથ ાપશે અને વિશ્વ હિન્દુ પરિષદ પણ રામ મંદિરના નિર્માણ માટે કેન્દ્ર પર દબાણ લાવી રહ્યું છે. સંઘના સહ કાર્યવાહક મનમોહન વૈદ્યનું કહેવું છે કે, ઉત્તરપ્રદેશના અયોધ્યામાં રામ મંદિર નિર્માણની બાબત હિન્દુ અને મુસ્લિમ સમુદાય સુધી મર્યાદિત નથી. વૈદ્યએ કહ્યું હતું કે, નમાઝ માટે મસ્જિદ જરૂરી નથી.
માર્ગો ઉપર પણ નમાઝ અદા કરી શકાય છે. બીજી બાજુ બળજબરીપૂર્વક અધિગ્રહણ કરવામાં આવેલી જમીન ઉપર નમાઝ અદા કરી શકાય નહીં. કોર્ટે એમ પણ કહ્યું છે કે, જમીન અધિગ્રહણ કોઇ ધાર્મિક કૃત્ય નથી. તેમણે દાવો કર્યો હતો કે, ૧૯૯૪માં કોંગ્રેસના શાસન દરમિયાન સોલીસીટર જનરલે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપીને કહ્યું હતું કે, જો એવા પુરાવા મળશે કે મંદિર તોડીને મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું હતું તો સરકાર હિન્દુ સમુદાયની ભાવનાઓની સાથે આગળ વધશે. મનમોહન વૈદ્યના કહેવા મુજબ અમારી પાસે પુરતા પુરાવા છે. સાથે સાથે આ મુદ્દો કોઇપણ નિર્ણય વગર કોર્ટમાં પેન્ડિંગ છે. હવે મુદ્દો માત્ર જમીન અધિગ્રહણ કરવા અને મંદિર નિર્માણ માટે સોંપવાનો છે.



















