સાઉદીના ક્રાઉન પ્રિન્સે ખશોગીની હત્યાનો આદેશ આપ્યો હતો : સીઆઈએ

557

અમેરિકન ન્યૂઝપેપર વોશિંગ્ટન પોસ્ટના પત્રકાર જમાલ ખશોગીના મોતને લઇને અમેરિકન જાસૂસી સંસ્થાએ મોટો દાવો કર્યો હતો. અમેરિકાની જાસૂસી એજન્સી સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ એજન્સીએ કહ્યું હતું કે, સાઉદી અરબના ક્રાઉનપ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને પત્રકાર જમાલ ખશોગીની હત્યાના આદેશ આપ્યા હતા.

નજીકના સૂત્રોને ટાંકીને વોશિંગ્ટન પોસ્ટે તેના પર એક રિપોર્ટ પ્રકાશિત કર્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઇન્ટેલિજન્સ એજન્સી અનેક પુરાવા અને સાક્ષીઓની તપાસ બાદ આ પરિણામ પર પહોંચી છે.

આ પુરાવામાં સાઉદી પ્રિન્સના ભાઇ ખાલિદ બિન સલમાન અને ખશોગી વચ્ચે ફોન પર થયેલી વાતચીત પણ સામેલ છે જેમાં તે પત્રકાર ખશોગીને પોતાના દસ્તાવેજ લેવા માટે ઇસ્તંબુલમાં સાઉદી દૂતાવાસમાં જવા કહ્યું હતું અને પુરી રીતે તેમને સુરક્ષા આપવાનું પણ આશ્વાસન આપ્યું હતું. નોંધનીય છે કે સાઉદી પ્રિન્સના ભાઇ ખાલિદ બિન સલમાન આ સમયે અમેરિકામાં સાઉદીના રાજદૂત છે. સૂત્રોના મતે આ કોલ સાઉદી પ્રિન્સના આદેશો બાદ કરવામાં આવી હતી.

સાઉદીના કિંગ સલમાન બિન અબ્દુલ અજીજ  અને ક્રાઉન પ્રિન્સ બંન્નેએ જમાલ ખશોગીના મોત બાદ તેમના દીકરા સાલાહ ખશોગીને રિયાદના અલ યમામા પેલેસમાં મુલાકાત કરી હતી. ક્રાઉન પ્રિન્સે ખશોગીના મોત પર દુખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે સાઉદી સરકાર આ મામલે પૂરી તપાસ કરશે. સીઆઇએ અગાઉ તુર્કીના એક ન્યૂઝપેપરે આરોપ લગાવ્યો હતો કે તેમની પાસે પત્રકાર ખશોગીની હત્યાને લઇને સાઉદી અરેબિયાની થિયરીનું ખંડન કરનારા પુરાવા છે. જેમાં બે ઓડિયો રેકોડિંગની વાત કરી હતી. અખબારે દાવો કર્યો હતો કે ખશોગીની હત્યાનું કાવતરું અગાઉથી જ બનાવી લેવામાં આવી હતી. નોંધનીય છે કે સાઉદી ક્રાઉન પ્રિન્સના ટીકાકાર રહ્યા છે. ૫૯ વર્ષના ખશોગીની બે ઓક્ટોબરના રોજ ઇસ્તંબુલમાં સાઉદી અરેબિયાના દૂતાવાસમાં હત્યા કરી દીધી હતી અને તેમની લાશના ટૂકડા કરી ફેંકી દીધા હતા.

નોંધનીય છે કે, ૨ ઓક્ટોબરે થયેલી આ હત્યા બાદ સાઉદી અરબે પહેલા તો આ સંબંધમાં તેમની પાસે કોઇ જાણકારી હોવાનો ઈનકાર કર્યો હતો. ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે, ખશોગીનું મોત ઝઘડા દરમિયાન થયેલી મારપીટમાં થયું છે.

Previous articleમ.પ્રદેશમાં ભાજપે બહાર પાડ્યો ચૂંટણી ઢંઢેરો ‘દ્રષ્ટિ પત્ર’, દર વર્ષે ૧૦ લાખ નોકરીનું વચન
Next articleCBIમાં ગંભીર અનિયમિતતા સપાટી પર : વર્મા સામે મુશ્કેલી