બરવાળાના રાણપરી ગામે નર્મદા કેનાલમાં પાણી છોડવા ઉગ્ર માંગ

1226

બરવાળા તાલુકાના રાણપરી ગામ પાસેથી પસાર થતી નર્મદા મહિપરીએજ કેનાલમાં રવિ પાક માટે પાણી છોડવાની માંગ સાથે આજુબાજુના દસ ગામોના પ૦૦થી વધુ ખેડૂતો એકત્રીત થયા હતાં અને સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી ઉગ્ર રોષ ઠાલવ્યો હતો.

બોટાદ જીલ્લાના બરવાળા તાલુકાના રાણપરી ગામ  પાસેથી પસાર થતી લીંબડી- વલભીપુર મહિપરીએજ નર્મદા કેનાલમાં રવિ પાકના ઉત્પાદન માટે પાણી છોડવાની માંગ સાથે એકત્રીત થયા હતાં.  અને કેનાલમાં પાણી છોડવા ઉગ્ર માંગણી કરવામાં આવી હતી. રાજય સરકારના નાયબ મુખ્ય પ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. કે ખેડુતોને રવિ પાક માટે કેનાલમાં પીયત માટે પાણી આપવામાં આવશે. પરંતુ આજદીન સુધી કેનાલમાં પાણી છોડવામાં નહિ આવતા આજે બરવાળા તાલુકાના રાણપરી ગામ પાસેથી પસાર થતી નર્મદા મહિપરીએજના કેનાલ ઉપર બરવાળા આજુબાજુના રાણપરી, રોજીદ, વહિયા, ચારણકી, કુંડળ, ટીંબલા, બેલા, સમઢીયાળા, કેરીયા સહિતના દસ જેટલા ગામોના પ૦૦થી વધુ ખેડુતો રવિ પાક માટે કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે એકઠા થયા હતાં. અને સરકાર વિરૂધ્ધ સુત્રોચ્ચાર કરી રોષ વ્યકત કર્યો હતો. બરવાળા પંથકમાં પુરતા પ્રમાણમાં વરસાદ નહિ પડતા પાક બળી જવા પામ્યો હતો. જયારે રવિ પાક ઉપર જ ખેડુતોને નિર્ભર રહેવું  તેમ હોવાથી રવિ પાક ઉત્પાદન માટે કેનાલમાં પાણી છોડવા માંગણી કરી હતી. તેમજ ખેડૂતો દ્વારા જણાવવામાં આવ્યું છે કે રવિ પાક માટે કેનાલમાં પાણી છોડવામાં નહિં આવે તો આગામી દિવસોમાં કલેકટર- બોટાદને આવેદનપત્ર આપી ઉગ્ર આંદોલન આચરવાની તેમજ ખેડુતો દ્વારા સામુહિક આપઘાત કરવાની ચિમકી પણ ઉચ્ચારી હતી.

Previous articleવારાહ સ્વરૂપ તુલસી વિવાહમાં ર૦ હજારની જનમેદની ઉમટી
Next articleવેરાવળ પાસે કાર અકસ્માતમાં કાજાવદરના રજપુત યુવાનનું મોત