દિલ્હી સિલિંગ વિવાદઃ તિવારીને સુપ્રિમમાંથી રાહત,અનાદરની કાર્યવાહી બંધ કરી

618

સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં સીલિંગ તોડીને અદાલતના અનાદરના મામલામાં દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ અને પાર્ટીના સાંસદ મનોજ તિવારીને મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે તિવારી વિરુદ્ધની અદાલતના અનાદરની કાર્યવાહીને બંધ કરી છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે સાંસદ હોવા છતાં તિવારીએ જે કર્યું તે યોગ્ય નથી. ભાજપ ઈચ્છે તો કાર્યવાહી કરી શકે છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે મનોજ તિવારીએ કાયદો હાથમાં લીધો તેનું તેમને દુખ છે. મનોજ તિવારીએ સિલિંગ તોડીને કાયદો હાથમાં લીધો હોવા બાબતે કોઈ શંકા નથી. કારણ વગર આમ કરીને મનોજ તિવારી પોતાની છાતી ઠોકી રહ્યા છે. તેઓ કોઈપણ ઉદેશ્ય વગરના યોદ્ધા છે. ઉત્તર-પૂર્વ દિલ્હીના ગોકુલપુર ગામમાં એક ડેરી પર લાગેલા સીલને તોડવાના મામલે સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં તિવારીને રાહત આપી છે.

તિવારીએ ૧૬ સપ્ટેમ્બરે ડેરી પરનું સીલિંગ તોડયો હતો. બાદમાં સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત મોનિટરિંગ કમિટીની ફરિયાદ પર મનોજ તિવારીને સુપ્રીમ કોર્ટે અદાલતની અવગણનાની નોટિસ જાહેર કરી હતી. ચુકાદા વખતે દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી સુપ્રીમ કોર્ટમાં હાજર હતા. જસ્ટિસ મદન બી. લોકુરની આગેવાનીવાળી ખંડપીટે તિવારીની દલીલો સાંભળ્યા બાદ ત્રીસમી ઓક્ટોબરે ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો. તે વખતે તિવારીને કોર્ટમાં હાજર રહેવા માટે નિર્દેશ કરાયો હતો.