નવજોત સિદ્ધૂ પાકિસ્તાનના એજન્ટ છે : કૌરનો આક્ષેપ

673

પંજાબ સરકારના મંત્રી અને કોંગ્રેસી નેતા નવજોત સિદ્ધૂને પાકિસ્તાનના એજન્ટ તરીકે ગણાવીને અકાળી નેતાએ મોટો હુમલો કર્યો છે. અકાળી નેતા અને કેન્દ્રની મોદી સરકારમાં મંત્રી રહેલા હરસિમરતકૌરે કહ્યું છે કે, આનાથી કોંગ્રેસના બેવડા ચહેરાને સ્પષ્ટપણે જોઇ શકાય છે.  હરસિમરતે કહ્યું છે કે, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ તરત જ સિદ્ધૂને તેમની પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવા જોઇએ.

પાકિસ્તાનના કરતાપુર કોરિડોર સમારંભમાં ભાગ લઇને પરત ફરેલી કૌરે કહ્યું હતું કે, હજુ સુધી સિદ્ધૂ પાકિસ્તાનથી પરત ફર્યા નથી. આ તમામની પાછળ પણ કોંગ્રેસ જવાબદાર છે. તેમના મંત્રી પાકિસ્તાન જાય છે અને ત્યાં સેનાના વડા કમર જાવેદ બાજવાને ગળે મળે છે. હરસિમરતે કહ્યું હતું કે, સિદ્ધૂને ભારતથી વધારે પ્રેમ અને મહત્વ પાકિસ્તાનમાં મળી રહ્યું છે. પાકિસ્તાનમાં કરતારપુર કોરિડોરની આધારશિલા મુકવા સાથે સંબંધિત કાર્યક્રમમાં ભાગ લીધા બાદ કૌરે તેમના કેબિનેટ સાથી હરદિપસિંહ પુરી બુધવારના દિવસે સ્વદેશ પરત ફર્યા હતા. કેન્દ્રીયમંત્રી ભારત સરકારના પ્રતિનિધિ તરીકે પાકિસ્તાનના કાર્યક્રમમાં પહોંચ્યા હતા. પંજાબના કેબિનેટ મંત્રી નવજોત સિદ્ધૂ પણ અંગતરીતે કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચ્યા હતા. સરહદ પાર કરીને અમૃતસરમાં પ્રવેશ કર્યા બાદ કૌરે કહ્યું હતું કે, કરતારપુર ગુરુદ્વારામાં વાસણ ધોઇને સેવા કરી છે. તેમણે કહ્યું હતું કે, ભારત અને પાકિસ્તાન સરહદની બંને બાજુએ કરતારપુર કોરિડોર બનવા આડે હવે કોઇ અડચણ રહેશે નહીં. કોરિડોર કરતારપુર સ્થિત ગુરુદ્વારા દરબાર સાહેબને ભારતના ગુરદાસપુર જિલ્લામાં સ્થિત ડેરાબાબા નામ ગુરુદ્વારાને જોડશે. ભારતે ૨૦ વર્ષ પહેલા આ કોરિડોર બનાવવાની દરખાસ્ત મુકી હતી. ભારત સરકારે કરતારપુર કોરિડોર પર પાકિસ્તાનના પગલાની પ્રશંસા કરી છે પરંતુ સ્પષ્ટતા પણ કરી છે કે, આતંકવાદ ઉપર સંપૂર્ણપણે અંકુશ મુક્યા વગર વાતચીતની પ્રક્રિયા શરૂ થશે નહીં. વિદેશમંત્રી સુષ્મા સ્વરાજ અને પંજાબના મુખ્યમંત્રી અમરિન્દરસિંહને પણ આમંત્રણ અપાયું હતું પરંતુ આ બંનેએ પાક જવાનો ઇન્કાર કર્યો હતો.

Previous articleગોપાલ ચાવલાને ઓળખતા હોવા નવજોત સિદ્ધૂએ સ્પષ્ટ ઇન્કાર કર્યો
Next articleયોજનાબદ્ધ રીતે પીઓકેમાં ઓળખ બદલી રહ્યું છે પાકિસ્તાનઃ બિપીન રાવત