લોક રક્ષકની પરીક્ષા રદ – ૯ લાખ વિદ્યાર્થીઓ રઝળ્યા

1555

ગુજરાતમાં લોકરક્ષક દળની ભરતી સાથે સંબંધિત પેપર લીક થતાં ખળભળાટ મચી ગયો હતો. પેપર લીક થવાના કારણે આશરે ૯ લાખ વિદ્યાર્થીઓ અટવાઈ પડ્યા હતા. વિદ્યાર્થીઓમાં નારાજગીનું મોજુ ફરી વળ્યું હતું. નવ હજાર લોકરક્ષક દળના જવાનોની ભરતી માટે આ પરીક્ષા યોજાનાર હતી પરંતુ પરીક્ષાના એક કલાક પહેલા જ પેપર લીક થતાં ગુજરાત સરકારની પ્રતિષ્ઠાને મોટો ફટકો પડ્યો હતો. તપાસના આદેશો પણ અપાયા હતા. ૨૮૩ સેન્ટરો ઉપર આ પરીક્ષા યોજાનાર હતી. ભુલ બદલ ભરતી બોર્ડના વધારાના ડીજીપી વિકાસ સહાય દ્વારા માફી માંગી લેવામાં આવી છે. મહિલા માટે પરીક્ષા મોકૂફ કરાઈ છે જ્યારે ડીજીપી ગુજરાત શિવાનંદ ઝા દ્વારા તપાસનો આદેશ કરાયો છે. ગુજરાત પોલીસમાં લોકરક્ષક દળની ભરતી માટેની પરીક્ષા આજે રદ કરી દેવામાં આવી હતી, જેને પગલે રાજયભરના પોણા નવ લાખ જેટલા પરીક્ષાર્થી ઉમેદવારો રઝળી પડયા હતા અને ભયંકર હાલાકી અને હતાશાનો ભોગ બન્યા હતા. પેપર લીક થતાં ભરતી બોર્ડના અધ્યક્ષ વિકાસ સહાયે જાહેરાત કરી જણાવ્યું હતું કે, પેપર લીક થયું હોવાની તેમને માહિતી મળી છે. જેથી આ પરીક્ષાને રદ કરી દેવામાં આવી છે. તો પેપર લીક કરનાર લોકરક્ષક ભરતી બોર્ડના અધિકારી સાથે રહેતી એક મહિલા હોવાનું સામે આવ્યું છે અને તે જ આ સમગ્ર પ્રકરણમાં માસ્ટર માઇન્ડ હોવાની કબૂલાત પણ કરી છે. આ સમગ્ર મામલે પોલીસે જરૂરી તપાસ હાથ ધરી છે. બીજીબાજુ, લોકરક્ષક દળની પરીક્ષા રદ થતાં લાખો ઉમેદવારોએ ઉગ્ર રોષ અને આક્રોશ ઠાલવ્યો હતો, આ સાથે જ રાજયભરમાં જબરદસ્ત ખળભળાટ મચી ગયો છે. સમગ્ર મામલાની ગંભીરતા ધ્યાને લઇ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ તપાસના આદેશો આપ્યા છે. લોકરક્ષક દળની નવ હજાર જેટલી જગ્યાઓ માટે રાજયના ૨૯ જિલ્લાઓમાં આજે બપોરે ત્રણ વાગ્યે લેવાનાર હતી, જેમાં અમદાવાદ સહિત રાજયભરમાંથી પોણા નવ લાખ જેટલા ઉમેદવારો પરીક્ષા આપવાના હતા. રાજયભરમાં લગભગ અઢી હજાર કેન્દ્રો પર આ પરીક્ષા લેવાનાર હતી અને ઉમેદવારો પરીક્ષા કેન્દ્રો પર પહોંચી પણ હતા પરંતુ તેની થોડીવાર પહેલાં જ પેપરના જવાબો લીક થઇ ગયાની વાત સામે આવતાં ભારે ચકચાર મચી ગઇ હતી અને આખરે તંત્ર દ્વારા પરીક્ષા રદ કરવાની જાહેરાત કરવાની ફરજ પડી હતી. લોકરક્ષક દળની રદ કરાયેલી પરીક્ષા હવે એકાદ મહિના બાદ લેવાય તેવી શકયતા છે. સરકાર દ્વારા ઉમેદવારોને એસટી ભાડુ આછુ આપવાની જાહેરાત કરી હતી અને આગામી પરીક્ષા વખતે પણ એસટી ભાડુ નહી લેવાની જાહેરાત કરી હતી. લોકક્ષક દળની પરીક્ષા રદ થવાના કારણે આજે અમદાવાદ શહેર સહિત રાજયભરમાં લાખો ઉમેદવારો અને તેમના પરિવારજનો ભારે હાલાકીનો ભોગ બન્યા હતા. અનેક જગ્યાએ પરીક્ષા રદ કરવામાં આવી હોવાની માહિતી આપવામાં ન આવતા કેટલાક સેન્ટરો પર ઉમેદવારોને પ્રવેશ આપી દેવામાં આવ્યો હતો. પરંતુ મોડામોડા પણ ઉમેદવારોને પરીક્ષાખંડમાંથી બહાર જવા કહેવામાં આવ્યું હતું. જેને લઇ ઉમેદવારોમાં ઉગ્ર આક્રોશ પ્રવર્તી ગયો હતો. કેટલાક સ્થળોએ તો ઉમેદવારોએ સૂત્રોચ્ચાર અને માર્ગ ચક્કાજામ કર્યા હતા અને વિરોધ પ્રદર્શન પણ કર્યા હતા.  લોકરક્ષક દળની પરીક્ષા રદ કરાયા બાદ પેપર લીક મામલાની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. સમગ્ર ગુજરાત પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. અસામાજિક તત્વોએ આ પેપર લીક કર્યું હોય શકે છે. એકાદ મહિનામાં ફરીથી પરીક્ષા લેવામાં આવી શકે છે. લોક રક્ષક દળ ભરતી બોર્ડ અધ્યક્ષ વિકાસ સહાયે પેપર લીક થવા અને ઉમેદવારોએ હેરાનગતિનો સામનો કરવો પડતા દુઃખ વ્યક્ત કર્યું હતું. બીજીબાજુ, આ સમગ્ર પ્રકરણમાં એક મહિલાની માસ્ટરમાઇન્ડ તરીકેની ભૂમિકા સામે આવતાં પોલીસે તેની ધરપકડ કરી હતી અને તેણીએ ગુનાની કબૂલાત પણ કરી હતી. જો કે, પોલીસે આ સમગ્ર પ્રકરણમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે અને કયા ઇરાદાથી આ પેપર લીક કરાયું તે સહિતની બાબતોની ઝીણવટભરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

Previous articleપેપર લીક થવાની માહિતી મળતાં જ પરીક્ષા કેન્સલ કરી છે –  રૂપાણી
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે