જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં ઉંચાણવાળા વિસ્તારોમાં હિમવર્ષા થતાં ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. બીજી બાજુ મેદાની ભાગોમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પણ થયો છે. પહાડી વિસ્તારોમાં હિમવર્ષાના પરિણામ સ્વરુપે મેદાની ભાગોમાં તીવ્ર ઠંડીનું મોજુ ફરી વળ્યું છે. કેટલાક રાજ્યો તીવ્ર ઠંડીના સકંજામાં આવી ગયા છે. ઉત્તરપ્રદેશમાં ઠંડીના કારણે ત્રણ લોકોના મોત થઇ ગયા છે. અનેક ભાગોમાં પારો આઠથી પણ નીચે પહોંચી ગયો છે. હિમાચલ, ઉત્તરાખંડના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થઇ છે. હિમાચલના લાહોલ-સ્પિતી, પંબા, કુલ્લુ અને કિન્નોર જિલ્લામાં હિમવર્ષા થઇ છે. ઉત્તરાખંડમાં પણ હિમવર્ષા થઇ છે. ગંગોત્રી, બદ્રીનાથ, યમનોત્રી અને કેદારનાથમાં વરસાદની સાથે સાથે હિમવર્ષા થઇ છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી બે દિવસ દરમિયાન જોરદાર ઠંડી પડવાના સંકેત છે.
મેદાની ભાગોમાં હરિયાણા, પંજાબ, દિલ્હી, રાજસ્થાન અને બિહારમાં સવારમાં ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. શ્રીનગરથી પ્રાપ્ત અહેવાલ મુજબ જમ્મુ કાશ્મીરના ઉંચાણવાળા વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થઇ છે. રાજ્યના અનેક ભાગોમાં પારો માઇનસમાં પહોંચી ગયો છે. આજે જે વિસ્તારમાં સૌથી વધારે ઠંડીનો અનુભવ થયો હતો તેમાં ગુલમર્ગમાં માઇનસ ૭.૬, કારગિલમાં માઇનસ ૭.૩ અને લેહમાં માઇનસ ૬.૨ ડિગ્રી તાપમાન રહ્યું હતું. શ્રીનગરમાં ૧.૬ તાપમાન રહ્યું હતું. બીજી બાજુ સાવચેતીના પગલારુપે શ્રીનગર-જમ્મુ હાઈવે ઉપર હિમવર્ષાના લીધે ટ્રાફિકને રોકીિ દેવાની ફરજ પડી છે. શ્રીનગર-લેહ હાઈવે ખાતે પણ વાહનવ્યવહારને રોકી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મેદાની ભાગોમાં વરસાદ અને ધુમ્મસની સ્થિતિ હાલ અકબંધ રહે તેવા સંકેત દેખાઈ રહ્યા છે. બીજી બાજુ પહાડી વિસ્તારોમાં હિમવર્ષા થશે.



















