નેપાળમાં ભારતની ૨૦૦,૫૦૦,૨૦૦૦ના મૂલ્યવાળી નોટો પર પ્રતિબંધ

1022

નેપાળની સરકારે તેના દેશમાં ભારતની રૂ. ૨૦૦૦, રૂ. ૫૦૦, રૂ. ૨૦૦ના મૂલ્યવાળી કરન્સી નોટના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી દીધો છે. નેપાળના આ નિર્ણયથી મધ્યમ અને ઓછી આવકવાળા ભારતીય પર્યટકોને માઠી અસર પડશે. નેપાળની સરકારે જાહેરાત કરી છે કે દેશમાં ભારતની રૂ. ૨૦૦૦, રૂ. ૫૦૦, રૂ. ૨૦૦ની કરન્સી નોટનો ઉપયોગ કરવો ગેરકાયદેસર ગણાશે. આ નિર્ણય નેપાળના પ્રધાનમંડળની ગત બેઠકમાં લેવામાં આવ્યો હતો. નિર્ણયની જાણકારી માહિતી પ્રધાન ગોકુલ બાસ્કોટાએ આપી છે. ભારતે જ્યારે ૨૦૧૬માં નોટબંધી લાગુ કર્યા બાદ નવા મૂલ્યની ચલણી નોટ ઈસ્યૂ કરી હતી ત્યારે નેપાળની સરકારે એ વિશે પોતાનો કોઈ નિર્ણય જાહેર કર્યો નહોતો.

છેલ્લા બે વર્ષથી રૂ. ૨૦૦૦, રૂ. ૫૦૦, રૂ. ૨૦૦ની કરન્સી નોટનો છૂટથી ઉપયોગ થતો હતો, પણ હવે નવા નિર્ણયને કારણે આ નોટનો ઉપયોગ બંધ થઈ જશે અને એને કારણે ભારતમાંથી નેપાળમાં ફરવા આવતા પર્યટકોને માઠી અસર પડશે.

ભારતમાંથી દર વર્ષે મધ્યમ અને ઓછી આવકવાળા અસંખ્ય લોકો નેપાળમાં ફરવા આવતા હોય છે. આ નવા નિર્ણયથી ભારતમાં કામ કરતા નેપાળી મજૂરો, કામદારો ઉપર પણ માઠી અસર પડશે.

નેપાળની સરકાર ૨૦૨૦નું વર્ષ ‘વિઝિટ નેપાલ યર’ તરીકે ઉજવવાની અત્યારથી તૈયારી કરી રહ્યું છે. સરકારનો અંદાજ છે કે ૨૦૨૦ની સાલમાં નેપાળમાં ઓછામાં ઓછા ૨૦ લાખ લોકો નેપાળની મુલાકાતે આવશે અને એમાંથી મોટા ભાગના ભારતમાંથી આવશે.

Previous articleગુજરાતમાંથી કોઈપણ અબોલ જીવીત પશુઓની નિકાસ કરવા દેવામાં આવશે નહીં : વિજય રૂપાણી
Next articleદક્ષિણ, પૂર્વ-પૂર્વોતરમાં મોદી ઝંઝાવતી પ્રચાર કરશે