કોંગ્રેસે ગુમાવ્યો ‘અવસર’ : ‘બાવળ’માં ખીલ્યુ ‘કમળ’

780

જસદણ પેટા ચૂંટણીની મતગણતરી પૂર્ણ થઇ ગઇ છે. તમામ ૧૯ રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર કુંવરજી બાવળિયાને ૯૦૨૬૮ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર નાકિયાને ૭૦૨૮૩ મત મળ્યા હતા.  એટલે કે ભાજપના કુંવરજીની ૧૯૯૮૫ મતથી જીત થઇ છે.

ગત ૨૦મીએ થયેલા જસદણ પેટા ચૂંટણીના મતદાનની મતગણતરી જસદણ ખાતે આવેલી મોડેલ સ્કૂલમાં યોજાઇ હતી. જ્યાં સૌપ્રથમ બંને મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસે જીતના દાવા કર્યા હતા, ૧૯ રાઉન્ડમાં હાથ ધરાયેલી મતગણતરીમાં શરૂઆતી રાઉન્ડમાં કુંવરજી અને નાકિયા વચ્ચે રસાકસીનો જંગ જોવા મળ્યો હતો. પરંતુ ચોથા રાઉન્ડની શરૂઆતથી જ કુંવરજી બાવળિયાએ લીડ મેળવવાનું શરૂ કર્યું જે અંત સુધી જાળવી રાખ્યું હતું.

જસદણ વિધાનસભા સીટ જીતવાની સાથે જ ગુજરાત વિધાનસભામાં ભાજપની સીટમાં વધારો થઇને ૧૦૦ સુધી પહોંચી ગયો છે. આ પહેલા જસદણની બેઠક કોંગ્રેસનો ગણ ગણાતો હતો. પરંતુ ભાજપે ગઢના માલિકને જ પોતાના પક્ષમાં ખેંચી લીધો અને પોતાનો કબજો કરી લીધો. જીતની સાથે જ મતગણતરી મથકની બહાર, ભાજપ કાર્યાલયની બહાર ફટાકડા ફૂટવાના શરુ થઈ ગયા હતા.બાવળિયના ગામ અમરાપુરમાં પણ વિજયોત્સવ મનાવાયો હતો.લોકો ડીજેના તાલે નાચતા જોવા મળ્યા હતા. આ પહેલા મતદાન ગણતરીને લઈને મોડલ સ્કુલની બહાર સઘન બંદોબસ્ત ગોઠવાયો હતો. જસદણમાં બમ્પર ૭૧.૨૭ ટકા મતદાન થયું હતુ. ૨૦ ડિસેમ્બરે યોજાયેલી ચૂંટણીમાં કુલ ૧,૬૫,૪૧૮ લોકોએ મતદાન કર્યુ હતું. ભાજપ-કોંગ્રેસ માટે રાજકીય પ્રતિષ્ઠાના જંગ સમાન આ પેટાચૂંટણીનુ પરિણામ ગુજરાતના રાજકારણમાં બદલાવ લાવે તેવી સંભાવના છે.  ૧૯૯૫ની વિધાનસભાની ચૂંટણીમાં જસદણ બેઠક પરથી બાવળિયાએ ૨૧૦૦૦ મતથી જીત મેળવી હતી. જ્યારે પેટા ચૂંટણીમાં ૧૯૯૮૫ મત મળતા પોતાનો જ રેકોર્ડ તોડી શક્યા ન હતા. જસદણમાં ભાજપ બીજ વખત વિજય બન્યું છે. અગાઉ ભરત બોઘરાએ પણ પેટા ચૂંટણીમાં ભાજપમાંથી ઉભા રહીને જીત હાંસલ કરી હતી. ૨૦૧૨ પછી છ વર્ષે કોંગ્રેસના ગઢ ગણાતા જસદણમાં ફરી કમળ ખીલ્યું છે.

Previous articleઅમે ૨૦૧૯માં લોકસભામાં ગુજરાતની તમામ બેઠકો જીતીશું : રૂપાણી
Next articleચિત્ર, રંગોત્સવ અને ડાન્સ સ્પર્ધામાં સુષ્ટિની સિધ્ધિ