ભાજપા ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે વડોદરાથી માંગી લોકસભાની ટિકિટ

1129

વાઘોડિયાના વર્તમાન બીજેપી ધારાસભ્ય કોઈને કોઈ વાતને લઈને ચર્ચામાં રહેતા હોય છે. મોદીના લોકસભા મતક્ષેત્ર વડોદરામાંથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરીને હવે તેઓ ફરી ચર્ચામાં આવ્યા છે. તેમણે દાવો કર્યો છે કે જો તેમને વડોદરા લોકસભા ક્ષેત્રમાંથી ટિકિટ મળશે તો તેઓ ત્રણથી ચાર લાખની લીડ સાથે જીત મેળવશે. સાથે જ તેમણે એવું પણ કહ્યું હતું કે જો આ બેઠક પરથી મોદી ચૂંટણી લડશે તો તેઓ ટિકિટની માંગણી નહીં કરે.

વાઘોડિયાના વર્તમાન ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે જણાવ્યું કે, “હું છ-છ વખત ધારાસભ્ય તરીકે ચૂંટાઈને આવ્યો છું. એટલું જ નહીં ૧૨ વર્ષ સુધી કોર્પોરેટર રહ્યો છું. મેં વડોદરા શહેર અને જિલ્લાના લોકોના નિસ્વાર્થ ભાવે કામો કર્યા છે. આથી મેં હવે દેશની સેવા કરવાના ઉદેશ્ય સાથે ટિકિટ માંગવાનો નિર્ણય કર્યો છે. મેં પાર્ટીની કાર્યપદ્ધતિ પ્રમાણે નીચેથી મારી વાત મૂકી છે. મને ટિકિટ મળશે તો હું મોટી લીડથી ચૂંટણી જીતીશ.” નોંધનીય છે કે વડોદરા લોકસભા ક્ષેત્રમાંથી મોદીએ ગત લોકસભાની ચૂંટણી લડી હતી અને તેઓ જીત્યા હતા.

બાદમાં તેમણે આ બેઠક ખાલી કરી હતી અને તેમની જગ્યાએ ભાજપના રંજન ભટ્ટ આ બેઠક પરથી ચૂંટણી લડીને જીત્યા હતા. મધુ શ્રીવાસ્તવે વધુમાં જણાવ્યું કે,”આ બેઠક પરથી વડાપ્રધાન મોદી ચૂંટણી લડવા માંગતા હશે તો હું ટિકિટની માંગણી નહીં કરું અને તેમને ચૂંટણી જીતાડીશ.અમે ગઈકાલે જ વાઘોડિયામાં બેઠક કરી હતી, જેમાં મેં મારી વાત મૂકી છે.”

શા માટે ચૂંટણી લડવી છે? એવા સવાલના જવાબમાં મધુ શ્રીવાસ્તવે કહ્યુ કે, “મેં વડોદરા અને ગુજરાતની સેવા કરી છે. હવે હું દેશની સેવા કરવા માગું છું. ઉત્તર પ્રદેશમાં મારા લોકોને રાહત મળે તે માટે મારા પ્રયાસ રહેશે.” મધુ શ્રીવાસ્તવને જ્યારે પૂછવામાં આવ્યું કે તમને મંત્રી પદ આપવામાં આવ્યું ન હતું ત્યારે પાર્ટી ટિકિટ આપશે? આના જવાબમાં તેમણે કહ્યું હતુ કે, “મેં ક્યારેય મંત્રી પદ માંગ્યું જ ન હતું. જો મેં પદ માંગ્યું હોય તો મને પદ મળે જ. આ બધી મીડિયાએ ઉભી કરેલી વાર્તા છે.”

Previous articleગુજરાતમાં AIIMSને લઇને સસ્પેન્સ ખતમઃનીતિનભાઈ પટેલે કરી સત્તાવાર જાહેરાત
Next articleLRD : પરીક્ષાનો સમય બદલાયો, ૨૫૦૦ સેન્ટર ફાળવાયા