કાળીયાબીડની સિલ્વર બેલ્સનાં ગેરકાયદેસર દબાણો હટાવાયા

1552

શહેરના કાળીયાબીડ વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી સિલ્વર બેલ્સ નામની શૈક્ષણિક સંસ્થા દ્વારા કરાયેલા ગેરકાયદેસર દબાણો આજે ભાવનગર મહાપાલિકાના દબાણ હટાવ સેલા દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી અને સવારથી મોડીરાત્રી સુધી દબાણ હટાવ કામગીરી  શરૂ રાખી ૩૬ મીટરનો રસ્તો ખુલ્લો કર્યો હતો. ત્યારે આ કામગીરીથી સ્થાનીક રહિશોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી. કાળીયાબીડ વિસ્તારમાં આવેલી સિલ્વર બેલ્સ પબ્લીક સ્કુલ દ્વારા  છેલ્લા ઘણા વર્ષોથી ૩૬ મીટરના જાહેર રસ્તા પર શાળાનું બાંધકામ કરીને બન્ને બાજુ દરવાજા મુકીને જાહેર રસ્તો બંધ કરી દીધો હતો. જેના કારણે સ્થાનિક રહીશોને એક તરફથી બીજી તરફ જવા માટે બેથી ત્રણ કિલોમીટર ફરીનું જવું પડતું હતું. સ્થાનીક છ થી સાત સોસાયટીના લોકો દ્વારા રસ્તો ખુલ્લો કરવા માટે વર્ષોથી લડત આપવામાં આવી રહી હોય જેનો શાળા દ્વારા કોર્ટ કેસ ચાલતો હોય જેનો ફેંસલો આવતા આજે મહાપાલિકા દ્વારા સવારથી જ મસ મોટા કાફલા અને જસીબી સહિતના સાધનો સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પહોંચી ગયેલ અને સૌપ્રથમ દરવાજા સહિતના ગેરકાયદે દબાણો તોડી પાડવાનો પ્રારંભ કર્યો હતો. અને સવારથી રાત્રી સુધી કામગીરી શરૂ રાખી ૩૬ મીટરનો રોડ ખુલ્લો કરવાની કાર્યવાહી હાથ ધરી હતી.

મહાપાલિકા દ્વારા રજાના દિવસે શૈક્ષણિક સંસ્થાના ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી કરતા સ્થાનિક રહીશોમાં ખુશીનો માહોલ છવાયો હતો. જો કે દબાણ હટાવવા ગયેલા મહાપાલિકાના અધિકારીઓએ આજે કોઈપણના ફોન ઉપાડવાનું ટાળ્યું હતું. જેથી કોઈ રાજકીય ભલામણો પણ સ્વીકારાઈ ન હતી. આમ મહાપાલિકાએ કાળીયાબીડમાં સિલ્વર બેલ્સ સ્કુલ દ્વારા વર્ષોથી કરાયેલા ગેરકાયદે દબાણો તોડી પાડી જાહેર રસ્તો ખુલ્લો કર્યો હતો.