૧૦ ડિગ્રી ઠંડીમાં શાહીસ્નાન સાથે કુંભ મેળાનો પ્રારંભ

600

જેનું નામ અલાહાબાદમાંથી પ્રયાગરાજ કરી દેવામાં આવ્યું છે તે આ સુપ્રસિદ્ધ યાત્રાધામમાં મકરસંક્રાંતિ પર્વ સાથે કુંભ મેળા-૨૦૧૯નો આરંભ થયો. અહીં પવિત્ર નદીઓ એવી – ગંગા, યમુના અને કાલ્પનિક સરસ્વતીનાં ત્રિવેણી સંગમ ખાતે પહેલા શાહી સ્નાન માટે વહેલી સવારથી જ સાધુ-સંતો, શ્રદ્ધાળુઓનો માનવમહેરામણ ઉમટ્યો. તીર્થરાજ પ્રયાગમાં મંગળવારથી ૪૯ દિવસ માટે ચાલનારા કુંભનો સવારે બ્રહ્મમુહૂર્ત પ્રારંભ થયો. ગંગાના સંગમ તટ પર શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના ઝુલુસ સાથે સાધુઓએ ૫.૧૫ વાગ્યે શાહી સ્નાન કરી કુંભને ખુલ્લો મુક્યો હતો. મહાનિર્વાણી અખાડાના દેવ ભગવાન કપિદ દેવ અને નાગા બાવાઓની આગેવાનીમાં શાહી સ્નાન થયું. આ સાથે જ શ્રી પંચાયતી અટલ અખાડાના સંત આચાર્ય મહામંડલેશ્વરે શાહી સ્નાન સાથે ગંગામાં ડુબકી લગાવી. આ કુંભ મહાશિવરાત્રી સુધી ચાલશે. અંતિમ શાહી સ્નાન ૪ માર્ચે થશે જ્યારે કુંભનું સમાપન થશે. હિન્દુ શ્રદ્ધાળુઓ માટે કુંભ મેળાનું અનેરું મહત્ત્વ છે. અનેક અખાડાઓનાં સાધુઓએ ત્રિવેણી સંગમમાં સ્નાનનો લ્હાવો લીધો હતો.

વડા પ્રધાન મોદીએ કુંભ મેળા આરંભ નિમિત્તે લોકોને શુભકામના આપી છે અને કુંભ મેળામાં સામેલ થવાની લોકોને ટ્‌વીટ મારફત વિનંતી કરી છે. મોદીએ એક વિડિયો પણ શેર કર્યો છે.

કુંભ મહાપર્વમાં ડૂબકી લગાવવા કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પહોંચ્યા હતા. તેઓએ શાહી સ્નાનમાં ડૂબકી લગાવી હતી. આ અંગેની જાણ તેઓએ ટિ્‌વટ દ્વારા કરી હતી.

મહાકુંભ મેળામાં સોમવારે આગની ઘટના સામે આવી. દિગંબર અખાડા અને તેની આસપાસના ટેન્ટમાં આગ લાગી હતી. આગની જાણકારી મળતા ફાયર ટીમે તાત્કાલીક સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. સ્થળ પર હાજર લોકોના જણાવ્યા અનુસાર આગ રાંધણ ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટ થવાના કારણે લાગી હતી. આ આગમાં કોઇ જાનહાની થઇ નથી.

શ્રીપંચ નિર્મોહી અખાડાના સાધુ-સંત સ્નાન કર્યું. જૂના અખાડાની સાથે કિન્નર અખાડાએ પણ ડૂબકી લગાવી

જૂના અખાડાએ શાહી સ્નાન કર્યું. જેના લગભગ ૧૫ મિનિટ પછી શ્રી શંભૂ પંચ અગ્નિ અને શ્રી પંચ દશનામ આહવાન અખાડાના સાધુ-સંતોએ ડૂબકી લગાવી

શ્રી પંચ દશનામ જૂના અખાડા શાહી સવારી સાથે સંગમ પહોંચ્યા. મહામંડલેશ્વર સ્વામી અવધેશાનંદ ગિરિ મહારાજની આગેવાનીમાં સંતોએ સંગમમા ડૂબકી લગાવી. જે બાદ શ્રી પંચ દશનામ આહ્વાન અખાડા, શ્રી શંભૂ પંચ અગ્નિ અખાડાના સન્યાસીઓએ શાહી સ્નાન કર્યું.

શ્રી પંચાયતી નિરંજની અખાડા, તપોનિધિ શ્રી પંચાયતી અખાડાના સંત સ્નાન કરવા માટે સંગમ તટ પહોંચ્યા. સંત હર હર મહાદેવના જયઘોષ કરતા રહ્યાં.

શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણી અને શ્રી પંચાયતી અટલ અખાડાના સંત, સંન્યાસી શાહી સ્નાન માટે સંગત તટ પહોંચ્યા. સૌથી પહેલાં શ્રી પંચાયતી અખાડા મહાનિર્વાણીના નાગા સન્યાસીઓએ સંગમમાં ડૂબકી લગાવી. જે બાદ શ્રી પંચાયતી અટલ અખાડાના સંત, આચાર્ય અને મહામંડલેશ્વરે સંગમ તટ પહોંચ્યા.

કુંભ મેળો દર ૧૨ વર્ષે યોજાય છે. આ વખતનો કુંભ મેળો ૫૫ દિવસ ચાલશે અને ચોથી માર્ચે સમાપ્ત થશે.

આ વખતના કુંભ મેળા માટે ૧૨ કરોડ જેટલા લોકો પ્રયાગરાજની મુલાકાત લેશે એવી ધારણા છે. આજે પહેલા શાહી સ્નાનનો લાભ દોઢ કરોડ જેટલા લોકો લે એવી ધારણા છે.

Previous articleખોટા રન-વેના કારણે ઈરાનમાં સેનાનું કાર્ગો પ્લેન ક્રેશઃ ૧૫નાં મોત
Next articleમોદીને ક્લિન ચીટ મામલે ઝકીયા જાફરીની અરજી સુપ્રીમ ૪ સપ્તાહ પછી સાંભળશે