ભારતીય મહિલા ટીમનો દબદબો, ૯ વિકેટથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું

621

જેમિમા રોડ્રિગ્ઝ (અણનમ ૮૧) અને સ્મૃતિ મંધાના (૧૦૫)ની શાનદાર ઇનિંગના દમ પર ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ગુરુવારે ન્યૂઝીલેન્ડ સામે ત્રણ મેચોની શ્રેણીમાં પ્રથમ વનડેમાં નવ વિકેટથી જીત મેળવી હતી. આ સાથે ભારતે ત્રણ વનડે મેચોની શ્રેણીમાં ૧-૦ની સરસાઈ મેળવી છે. ત્રણ વનડે મેચોની શ્રેણીની પહેલી મેચમાં ભારતે ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલર્સે અદભૂત બોલિંગ કરીને યજમાન ન્યૂઝીલેન્ડની ટીમને ૪૮.૪ ઓવરમાં ૧૯૨ રન બનાવ્યા હતા. ન્યુઝીલેન્ડે જો કે સારી શરૂઆત કરી હતી પરંતુ ટીમનો મધ્યક્રમ એકતા બિસ્ત અને પૂનમ યાદવના કારણે વિખેરાઇ ગયો અને ટીમ મોટો સ્કોર ન કરી શકી. બંનેએ ત્રણ-ત્રણ વિકેટ લીધી.

સૂજી બેટ્‌સ (૩૬) અને સોફી ડેવિને (૨૮)ને યજમાન ટીમને સારી શરૂઆત આપતા પહેલી વિકેટ માટે ૬૧ રન ઉમેર્યા. આ ભાગીદારી રન લેવામાં થયેલી ભૂલના કારણે તૂટી ગઇ હતી. સોફીને દીપ્તી શર્માએ રન આઉટ કરી હતી. અહીંથી યજમાન ટીમ સતત વિકેટ ગુમાવતી રહી. ૧૧૯ના સ્કોર સુધી યજમાન ટીમે લોરેન ડાઉન (૦), બેટ્‌સ અને એમી સેટરવ્હાઇટ (૩૧)ના રૂપમાં વધુ ત્રણ વિકેટ ગુમાવી. એમીલીયા કેર (૨૮)એ મેડી ગ્રીન (૧૦) સાથે મળીને ટીમને સંભાળવાની કોશિશ કરી, પરંતુ પૂનમે આ પ્રયાસને નિષ્ફળ કર્યો. પૂનમે ૧૩૬ના સ્કોર પર એમીલિયાને હેમલતાના હાથમાં કેચ આઉટ કરી ન્યુઝીલેન્ડની પાંચમી વિકેટ ઝડપી હતી. ન્યુઝીલેન્ડે તેના પછી પોતાની પાંચ મહિલા બેટ્‌સમેન મેડી, લેહ કેસ્પેરેક (૬), બર્નાડીને (૯), હેના રોવી (૨૫) અને હોલી હડલસ્ટન (૧૦)ની બેટિંગથી ૫૬ રન જોડ્યા અને ટીમને ૧૯૨ સ્કોર સુધી પહોંચાડી. આ જ સ્કોર પર યજમાન ટીમની પારીનો અંત આવ્યો. ભારતીય ટીમ માટે આ પારીમાં એકતા અને પૂનમ ઉપરાંત, દીપ્તિ શર્માએ બે વિકેટ લીધી, તો શિખા પાંડેને એક સફળતા હાથ લાગી હતી. જીત માટે ૧૯૩ રનના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા માટે ઇનિંગની શરૂઆત જેમીમા રોડ્રિગેઝ અને સ્મૃતિ મંધાનાએ કરી. બંનેએ શાનદાર બેટિંગ કરતા કીવી ટીમને કોઈ તક ન આપી. બંનેએ પહેલી વિકેટ માટે ૧૯૦ રનની ભાગીદારી કરી હતી. મંધાના શાનદાર સદી (૧૦૫) જોડ્યા બાદ કેરના બોલ પર કેચ આપીને પેવેલિયન પરત ફરી હતી. ત્યારબાદ રોડ્રિગેઝ (૮૧*)એ દીપ્તિ શર્મા (૦*) સાથે મળીને ટીમ ઇન્ડિયાને ૯ વિકેટથી જીત અપાવી. મંધાનાએ ૧૦૧ રનમાં સદી ફટકારી હતી. પોતાની સદીમાં તેણે ૯ ચોગ્ગા અને ૩ છગ્ગા માર્યા હતા. તો બીજી તરફ રોડ્રિગેઝે પોતાની ૮૧ રનની ઇનિંગ દરમિયાન ૯ ચોગ્ગા લગાવ્યા હતા અને ૬૧ બોલમાં પોતાની અર્ધસદી પૂર્ણ કરી હતી.

Previous articleટી-૨૦ ક્રિકેટમાં ૯૦૦ છગ્ગા ફટકારનાર પ્રથમ ખેલાડી ગેલ
Next articleસમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના વિકાસ માટે સરકાર સમક્ષ રજૂઆત