હિન્દુઓ વિરૂદ્ધ ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે : મોહન ભાગવત

496

આરએસએસ ચીફ મોહન ભાગવતે સબરીમલા મંદિરમાં પ્રતિબંધિત વય વર્ગની મહિલાઓના પ્રવેશનો ઉલ્લેખ કરતા કહ્યું કે હિન્દુઓની ભાવનાઓનું ધ્યાન રાખવામાં આવ્યું નથી. કોર્ટે નિર્ણય તો સંભળાવી દીધો પરંતુ તેનાથી કરોડો હિન્દુઓની ભાવનાઓ અને સન્માનને ઠેસ પહોંચી છે અને તેની કોઈ કાળજી લેવામાં આવી નથી. આમ હિન્દુ ધર્મને ઠેસ પહોંચાડવાની યોજના બનાવવામાં આવી રહી છે.

ભાગવતે ધર્મ સંસદમાં કહ્યું કે ભારત તારા ટુકડા થશે, ઇન્શાઅલ્લાહ બોલનારાઓ સાથે મળીને આપણા સમાજમાં સ્ત્રી-પુરુષમાં ભેદભાવની વાત લોકોના મનમાં ફેલાવવાનું કામ કરી રહ્યા છે. આ છળ-કપટ છે. રાજકીય વિવાદના કારણે સમાજને તોડીને મતોના ભાગલા પાડનારા લોકો આવું કરી રહ્યા છે.

સબરીમાલા મંદિરમાં પ્રતિબંધિત વય વર્ગની મહિલાઓના પ્રવેશ પર ભાગવતે જણાવ્યું કે કોર્ટે કહ્યું કે જો મહિલા પ્રવેશ કરવા માંગે છે તો તેમને કરવા દેવામાં આવે. પરંતુ કોઈ જવા જ નથી માંગતું. નામ લીધા વગર કેરળ સરકાર પર નિશાન સાધતા ભાગવતે કહ્યું કે ’ લોકોને લાવવામાં આવી રહ્યા છે, શ્રીલંકાથી મહિલાઓને લાવવામાં આવી રહી છે અને પાછળના દરવાજાથી પ્રવેશ કરાવવામાં આવે છે. ’આ એવા સંગઠનો છે જે દેશને તોડવાની ઘોષણા કરી રહ્યા છે, બંધારણની અવગણના કરી એક સંપ્રદાયના પ્રભુત્વની ઘોષણા કરી રહ્યા છે. કેરળનો હિન્દુ સમાજ તેને લઇને પ્રખર આંદોલન કરી રહ્યો છે અને અત્યાર સુધી તેમાં પાંચ લોકોએ બલિદાન પણ આપ્યું છે.

ભાગવતે કહ્યું કે અયપ્પા માત્ર કેરળના હિન્દુઓના ભગવાન નથી, તેઓ તમામ હિન્દુઓના ભગવાન છે. તેથી આ આંદોલનમાં પૂર્ણ હિન્દુ સમાજ સામેલ છે. અયપ્પાના ભક્ત હિન્દુ સમાજના તમામ નાગરિક છે. સમગ્ર દેશને આપણે પરિસ્થિતી જણાવી લોકોને જાગરૂત કરવા પડશે. હિંદુઓ વિરુદ્ધ ષડયંત્ર રચાઇ રહ્યું છે. તેનું કારણ આપણી ખામીઓ પણ છે. ધર્મ, ભાષા, જાત-પાતના નામ પર કોઈ વ્યક્તિ આપણને અલગ ન કરી શકે. તેથી હવે સામાજીક સમરસતાનું કામ શરૂ થવું જોઇએ.

Previous articleઓગસ્ટાના બે બીજા દલાલ ભારતમાં લવાયા
Next articleધૂમ્રપાન છોડી દો : કુંભ મેળામાં સાધુ-સંતોને રામદેવની અપીલ