નાણામંત્રી પીયુષ ગોયલે વચગાળાના બજેટની સાથે સાથે રેલવે બજેટ પણ રજૂ કર્યું હતું જેમાં રેલવેને ૧.૫૮ લાખ કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. ગોયલે દાવો કર્યો હતો કે, આ રકમ હજુ સુધીની સૌથી જંગી રકમ છે. નેશનલ ટ્રાન્સપોર્ટર માટે અગાઉ ક્યારે પણ આટલી જંગી જાહેરાત થઇ નથી. તમામ પ્રોજેક્ટો ટ્રેક ઉપર ઝડપથી આગળ વધે તે હેતુસર આની જાહેરાત કરી હતી. રેલવે મંત્રી તરીકેની જવાબદારી પણ સંભાળતા પીયુષ ગોયેલે કહ્યું હતું કે, ૨૦૧૮-૧૯ ભારતીય રેલવે માટે સૌથી સુરક્ષિત રહ્યું છે. તમામ માનવ વગરના રેલવે ક્રોસિંગ જે બ્રોડગેજ નેટવર્ક ઉપર હતા તેમને દૂર કરવામાં આવ્યા છે. રેલવેના કેપિટલ એક્સેન્ડચર પ્રોગ્રામનો આંકડો ૧.૩ લાખ કરોડ સુધી પહોંચી ગયો છે. સ્વદેશીરીતે વિકસિત કરવામાં આવેલી સેમી હાઈસ્પીડ ટ્રેન જેને વંદે ભારત એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે તેના ભારતીય યાત્રીઓને વર્લ્ડક્લાસ અનુભવ થશે. અમારા એન્જિનિયરો દ્વારા સંપૂર્ણ ટેકનોલોજી વિકસિત કરવામાં આવી છે. આનાથી મેક ઇન ઇન્ડિયા પ્રોગ્રામને વેગ મળશે અને વ્યાપક નોકરીની તકો સર્જાશે. ગોયલે વર્તમાન નાણાંકીય વર્ષ માટે ઓપરેટિંગ રેશિયો ૯૬.૨ ટકા રહ્યો હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે આગામી વર્ષ સુધી આને ૯૫ ટકા લઇ જવાશે. વર્ષ ૨૦૧૯ માટેના રેલવે બજેટમાં યાત્રી ભાડામાં કોઇ વધારો કરવામાં આવ્યો નથી. લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે મહિનામાં યોજાનાર છે. અંદાજિત ખર્ચનો આંકડો ૨૦૧૪ની સપાટી કરતા ૧૪૮ ટકા વધારે રહેશે. રેલવે કેપેક્ષનો આંકડો ૧.૬ લાખ કરોડનો રહ્યો છે. અરૂણ જેટલીની ગેરહાજરીમાં નાણાં મંત્રાયનો હવાલો સંભાળી રહેલા પિયુષ ગોયલ ભારતીય રેલવેને પણ વધારે યાત્રીલક્ષી બનાવવા માટેની જાહેરાત કરી હતી. ગોયલે બજેટ રજૂ કરતી વેળા હાઇ સ્પીડ સ્ટ્રેન અને વધારે ઝડપી, સુરક્ષિત અને આધુનિક ટ્રેન સેવા યાત્રીઓને ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ભારતીય રેલવેના એક નવા ચહેરાને રજૂ કરવાના પ્રયાસ પીયુષ ગોયેલે કર્યા હતા. ગયા વર્ષે રેલવેના જુદા જુદા ઇન્ફ્રાસ્ટકચર પ્રોજેક્ટો માટે ૧.૪૮ લાખ કરોડ રૂપિયાની ફાળવણી કરી હતી જેની સરખામણીમાં આ વખતે વધારે ફાળવણી કરવામાં આવી છે. ટ્રેક ડબલિંગ, આધુનિકીકરણ અને વિજળીકરણજેવા પ્રોજેક્ટ પર ફાળવણી આ વર્ષે ૧.૭૪ લાખ કરોડ કરવાની માંગ કરવામાં આવી હતી જેની સામે ૧.૫૮ લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે. ગોયલ દ્વારા ચાર લાખ નવી નોકરીની જાહેરાત કરવામાં આવી શકે છે તેમ માનવામાં આવી રહ્યું હતું કે, પરંતુ આજે નોકરીના સંદર્ભમાં કોઇ ખાતરી આપવામાં આવી ન હતી. ગયા વર્ષે સામાન્ય બજેટની સાથે રેલવે બજેટને મર્જ કરીને રજૂ કરવામાં આવ્યા બાદ આની શરૂઆત થઇ હતી. રેલવે બજેટને લઇને પણ રેલવે યાત્રીઓ ઉત્સુક દેખાઇ રહ્યા હતા.
ટ્રેક ઉપર રેલવેને મુકવા માટે ૩૫.૩ ટ્રિલિયન રૂપિયાની યોજના તૈયાર કરી લેવામાં આવી છે. ભારતીય રેલવે મંત્રાલય માટે મૂડી ખર્ચને ૨૦૩૨ સુધી સતત વધારવા માંગે છે. રેલવેના આધુનિકીકરણ કેપેસિટી ક્ષમતા ઉપર વધારે ખર્ચ કરવામાં આવશે. લાંબા ગાળાના રોકાણમા વિઝન ૨૦૩૦ની આધુનિકીકરણ યોજના અને ૫.૫૬ ટ્રિલિયન રૂપિયાના રોકાણ ટાર્ગેટનો સમાવેશ થાય છે. પૂર્વ રેલવે મંત્રી સુરેશ પ્રભુએ ૨૦૧૪-૧૫માં રોકાણ ટાર્ગેટની શરૂઆત કરી હતી. કેપેસિટીને વધારવા અને આધુનિકીકરણની યોજનાને પહોંચી વળવા માટે ૨૦૩૨ સુધી ભારતીય રેલવેને ૩૫.૩ ટ્રિલિયન રૂપિયાની જરૂર દેખાઈ રહી છે. નાણા અને રેલવેમંત્રી પિયુષ ગોયેલના નેતૃત્વમાં રેલવે દ્વારા પહેલાથી જ કામગીરી શરૂ કરી દેવાઈ છે. ૨૦૧૫-૧૬ દરમિયાન રેલવે માટે કેપેક્ષનો આંકડો ૯૩૫.૨ અબજ રૂપિયાનો હતો. જ્યારે ૨૦૧૬-૧૭માં આ આંકડો ૧.૨૧ ટ્રિલિયન રૂપિયાનો હતો. હાલના વર્ષોમાં ઉલ્લેખનીય વધારો તેમાં થયો છે. બજેટમાં યુરોપિયન ટ્રેન કન્ટ્રોલ સિસ્ટમ (ઇટીસીએસ) ટેકનોલોજીના અમલીકરણની દિશામાં સરકાર આગળ વધી રહી છે. આના પરિણામ સ્વરુપે દેશને અને રેલવે પર ૬૦૦ અબજ રૂપિયાનો બોજ પડશે.



















