ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની સરકાર બનાવીને જ રહીશ : રાહુલ ગાંધી

649

લોકસભા ચૂંટણી પહેલા મહાસચિવ બનાવીને મિશન ઉત્તરપ્રદેશ પર મોકલવામાં આવેલા પ્રિયંકા ગાંધી વાઢેરાએ આજે લખનૌમાં મેગા રોડ શો યોજીને પાર્ટીના કાર્યકરોમાં નવો જુસ્સો વધાર્યો હતો. આની સાથે જ પ્રિયંકા વાઢેરાએ પોતાની રાજકીય ઇનિંગ્સની શરૂઆત કરી હતી. કોંગ્રેસના લકીરથ અને માથા પર રહસ્યમય કાળા તિલકની સાથે રોડ શો ઉપર નિકળેલા રાહુલ અને પ્રિયંકાએ કાર્યકરોમાં જુસ્સો ભરવાનો પ્રયાસ કર્યો હતો. હાથમાં રાફેલ લઇને ભાજપ ઉપર પ્રહાર કરતા આગળ વધ્યા હતા. આ પ્રસંગે રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકરોનો ઉત્સાહ વધારતા કહ્યું હતું કે, આ સમય છે ઉત્તરપ્રદેશમાં ફરી સત્તા હાંસલ કરવાનો અને જ્યાં સુધી ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસની સત્તા નહીં આવે ત્યાં સુધી હું શાતિથી નહીં બેસું. પ્રિયંકાની એન્ટ્રી રોડ શોના માહોલથી આગળ નિકળીને ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસના કાર્યકરોમાં જુસ્સો ભરી શકે તેને લઇને હજુ પણ શંકાઓ દેખાઈ રહી છે. ઉત્તરપ્રદેશમાં નિષ્ક્રિય બની ગયેલી અને ચોથા સ્થાને પહોંચી ગયેલી કોંગ્રેસ પાર્ટીને નવેસરથી ઉભી કરવાની જવાબદારી પ્રિયંકાને સોંપવામાં આવી છે. પૂર્વીય ઉત્તરપ્રદેશના પ્રભારી તરીકે પ્રિયંકાને જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભા ચૂંટણી આડે વધારે સમય રહ્યો નથી ત્યારે પ્રિયંકા સામે અનેક પડકારો રહેલા છે. ઉત્તરપ્રદેશમાં દરેક ચૂંટણીની સાથે કોંગ્રેસની હાલત વધુને વધુ કફોડી બની રહી છે. કોઇ સમયે દલિતો અને મુસ્લિમ સમુદાયના લોકોમાં મજબૂત ઓળખ ધરાવનાર કોંગ્રેસ પાર્ટી હવે નહીવત જેવી થઇ ગઇ છે. દલિત સમુદાયના  લોકો કોંગ્રેસનો સાથ છોડીને બહુજન સમાજ પાર્ટીની સાથે આવી ગયા છે. જ્યારે મુસ્લિમ સમુદાયના લોકો અખિલેશ  યાદવની પાર્ટી સમાજવાદી પાર્ટી સાથે જોડાઈ ગયા છે. આવી સ્થિતિમાં કોંગ્રેસ સામે અનેક પડકારો રહેલા છે. રોડ શોમાં પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર, રાજીવ શુક્લા, આરપીએમ સિંહ પણ જોડાયા હતા. લખનૌના સ્થાનિક લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કોંગ્રેસના પોસ્ટરોમાં પ્રિયંકાના દુર્ગા અવતારને દર્શાવવામાં આવ્યા છે. રાહુલ પ્રિયંકા અને જ્યોતિરાદિત્યના રોડ શોમાં ચોકીદાર ચોર હૈના નારા લગાવવામાં આવ્યા હતા. રાહુલે હાથમાં રાફેલ વિમાનના કટઆઉટ સાથે નજરે પડ્યા હતા. એરપોર્ટથી બહાર નિકળેલો કાફલો આગળ વધ્યો હતો. પ્રિયંકા ગાંધીએ પોતાના રોડ શો દરમિયાન આક્રમક અંદાજમાં પાર્ટીના કાર્યકરોનો ઉત્સાહ વધાર્યો હતો. ઉત્તરપ્રદેશમાં રાજકીય વાતાવરણમાં ફરી એકવાર ગરમી આવી ગઈ છે. લખનૌમાં રોડ શો માટે રવાના થતાં પહેલા પ્રિયંકા ગાંધી, કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના આવાસ ઉપર પહોંચ્યા હતા. લખનૌમાં રોડ શોને લઇને તમામ તૈયારીઓ પહેલાથી જ કરવામાં આવી હતી. ખુબ જ લકી બસનો ઉપયોગ રોડ શો દરમિયાન કરવામાં આવ્યો હતો. આ બસનો ઉપયોગ ૨૦૧૭માં પંજાબ વિધાનસભાની ચૂંટણી દરમિયાન પ્રચાર માટે કેપ્ટન અમરિન્દરસિંહે કર્યો હતો ત્યારબાદ તેમને ઐતિહાસિક જીત મળી હતી. આ બસ બુલેટપ્રુફ છે જેમાં હાઈડ્રોલિક સીટ છે જે બસની છતથી બહાર આવી શકે છે.

આ બસને શનિવારના દિવસે જ પંજાબથી લખનૌ લઇ જવામાં આવી હત. પ્રિયંકાના સ્વાગત માટે ઉત્તરપ્રદેશ કોંગ્રેસના નેતાઓએ પ્રિયંકા સેના બનાવી છે જેમાં કોંગ્રેસના કાર્યકરો પિંક ટીશર્ટમાં નજરે પડ્યા હતા. પ્રિયંકા ગાંધીના ફોટાઓ આમા લગાવવામાં આવ્યા છે. રોડ શો બાદ પ્રિયંકાએ પશ્ચિમ ઉત્તરપ્રદેશના પ્રભારી જ્યોતિરાદિત્ય સિંધિયા સાથે આગામી ત્રણ દિવસ દરમિયાન પોતપોતાના ક્ષેત્રોની લોકસભા સીટો માટે રૂપરેખા નક્કી કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત બન્યા હતા. પ્રિયંકાના હિસ્સામાં ૪૨ સીટો અને જ્યોતિરાદિત્યના હિસ્સામાં ૩૮ સીટો આવી છે. દરેક લોકસભા ક્ષેત્રમાંથી ૨૦-૨૦ લોકોને બોલાવવામાં આવ્યા છે. ત્રણ દિવસના ગાળા દરમિયાન પ્રિયંકા દરરોજ ૧૨ કલાકના મહામંથનમાં સામેલ થશે.

Previous articleખાસ રાજ્યના દરજ્જાની માંગ સાથે નાયડુની હડતાળ
Next articleકેજરીવાલે નરેન્દ્ર મોદીને પાકિસ્તાનના PM ગણાવ્યા