પુલવામા ખાતે સીઆરપીએફ પર કરવામાં આવેલા ભીષણ ત્રાસવાદી હુમલા બાદ હવે ત્રાસવાદી સંગઠન જેશે મોહમ્મદના લીડર કુખ્યાત અઝહર મસુદની સામે કાર્યવાહી કરવાની માંગ વચ્ચે આંતરરાષ્ટ્રીય સ્તર પર ભારતને ટેકો મળી રહ્યો છે. ખતરનાક મુસદ અઝહર પર પ્રતિબંધ મુકવા માટે ફ્રાન્સ, બ્રિટન સહિતના દેશોએ ભારતની માંગ સાથે સમર્થન દર્શાવ્યુ છે. ભારતને મોટી રાજદ્ધારી મદદ કરીને ફ્રાન્સે મસુદ પર પ્રતિબંધ મુકવા માટેની દરખાસ્તને સંયુક્ત રાષ્ટ્રમાં રજૂ કરવાનો નિર્ણય કર્યો છે. સાથે સાથે ફાયનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સની બેઠકમાં પાકિસ્તાનને ગ્રે લિસ્ટમાં સામેલ કરવાની માંગ કરી છે. આ પ્રસ્તાવને અમેરિકા અને બ્રિટને ટેકો આપવાનો નિર્ણય કર્યો છે. પુલવામા ખાતે ગયા ગુરૂવારના દિવસે કરવામાં આવેલા હુમલામાં ૪૦ જવાનો શહીદ થયા હતા. ફ્રાન્સના પ્રમુખ ઇમેનુએલ મેક્રોના રાજકીય સલાહકાર ફિલિપે એટિયન મંગળવારના દિવસે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત દોભાલ સાથે વાતચીત કરી છે. ફ્રાન્સના રાજદ્ધારી સુત્રોએ કહ્યુ છે કે કોઇ એક દેશ તરફથી તેમની દરખાસ્તને બ્લોક કરવા માટેના પ્રયાસ કરવામાં આવી શકે છે. જો કે કુખ્યાત મસુદ અઝહર પર પ્રતિબંધ મુકવા માટેના પગલા લેવામાં આવે તે જરૂરી છે. પાકિસ્તાન પર રાજદ્ધારી દબાણ લાવવા માટેના પ્રયાસો યુદ્ધના ધોરણે જારી રહ્યા છે. નોંધનીય છે કે જમ્મુ કાશ્મીરમાં પુલવામા જિલ્લામાં આતંકવાદીઓએ ૧૪મી ફેબ્રુઆરીના દિવસે એક મોટા હુમલાને અંજામ આપ્યો હતો. આ હુમલામાં સીઆરપીએફના ૪૦ જવાનો શહીદ થઇ ગયા હતા. તાજેતરના વર્ષોમાં સૌથી મોટા હુમલાને ત્રાસવાદીઓ દ્વારા અંજામ આપવામાં આવ્યા બાદ દેશભરમાં લોકોમાં પહેલાથી આક્રોશ છે. ૧૪મી ફેબ્રુઆરીના દિવસે ત્રાસવાદીઓ દ્વારા ગુપ્તરીતે બીછાવવામાં આવેલી જાળ હેઠળ આ ભીષણ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો જેમાં સીઆરપીએફના જવાનો ફસાયા હતા.



















