ચેમ્પિયન્સ લીગમાંથી રિયલ મેડ્રિડ બહાર, એજૈક્સે ૪-૧થી હરાવ્યું

574

ચેમ્પિયન્સ લીગના પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં એજૈક્સે રિયલ મેડ્રિડને હરાવી દીધું છે. એજૈક્સે બીજા ગેલના મેચમાં રિયલને તેના હોમગ્રાઉન્ડ પર ૪-૧થી પરાજય આપ્યો હતો. રિયલે ૧૩ વખત આ ટૂર્નામેન્ટ પોતાના નામે કરી છે.

છેલ્લા પાંચ વર્ષેમાં તે ચાર ફાઇનલ જીતી પરંતુ આ વખતે ટીમ અંતિમ-૮માં પહોંચી શકી નથી. રિયલ નવ વર્ષ બાદ ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવવામાં નિષ્ફળ રહી છે. છેલ્લે ૨૦૧૦માં તેને લિયોને પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હરાવ્યું હતું. ટીમના સ્ટાર મિડફીલ્ડર લુકા મોડ્રિચે કહ્યું કે, અમને ક્રિસ્ટિયાનો રોનાલ્ડનો ખોડ પડી છે.

મેડ્રિડે ગત વર્ષે રોનાલ્ડોને યુજવેન્ટ્‌ને વહેંચી દીધો હતો. રોનાલ્ડોએ યુજવેન્ટ્‌ માટે ૨૬ મેચમાં ૧૯ ગોલ કર્યા છે. તેની ટીમ ઇટાલિયન ફુટબોલ લીગ સીરી-એમાં કોઈપણ મેચ હારી નથી. તો રોનાલ્ડોએ મેડ્રિડ માટે ૨૦૦૯થી ૨૦૧૮ સુધી ૨૯૨ મેચોમાં ૩૧૧ ગોલ કર્યા હતા. તે ટીમમાં હતો ત્યારે ટીમે ૨૦૧૪, ૨૦૧૬, ૨૦૧૭ અને ૨૦૧૮માં ચેમ્પિયન્સ લીગનું ટાઇટલ જીત્યું હતું.

રોનાલ્ડો ગયા બાદ રિયલનું પ્રદર્શન ખરાબ થયું છે. તે સ્પેનિશ ફુટબોલ લીગ લા લીગામાં ત્રીજા સ્થાન પર છે. પ્રથમ સ્થાન પર રહેલા બાર્સિલોનાથી ૧૨ પોઈન્ટ પાછળ છે. તેનાથી તેની ટૂર્નામેન્ટ જીતવાની સંભાવના ઓછી છે. રિયલ કોપા ડેલ રે કપમાંથી પણ બહાર થઈ ગયું છે. તેને સેમીફાઇનલમાં બાર્સિલોનાએ હરાવ્યું હતું. છેલ્લા એક સપ્તાહમાં બાર્સિલોના સામે તે બે વાર હોમગ્રાઉન્ડ બર્નબેઉમાં હાર્યું છે. કોપા ડેલ રે કપ બાદ હવે ચેમ્પિયન્સ લીગમાંથી પણ બહાર થઈ ગયું છે.

મેચમાં પ્રથમ ગોલ એજૈક્સ માટે હાકિમ જિયાચે ૭મી મિનિટે કર્યો હતો. ત્યારબાદ ડેવિડ નીરેસે ૧૮મી અને ડુસન ટડિચે ૬૨મી મિનિટે ગોલ કરીને ટીમને ૩-૦ની લીડ અપાવી હતી. રિયલ માટે માર્કો એસેંસિયોએ ૭૦મી મિનિટે ગોલ કરીને સ્કોર ૩-૧ કર્યો હતો. એજૈક્સના લાસે શોનેએ ૭૨મી મિનિટમાં ગોલ કરીને નિર્ણાયલ ૪-૧ની લીડ મેળવી લીધી હતી.

ચાર વખતની ચેમ્પિયન્સ લીગ વિજેતા ટીમ એજૈક્સ ૧૬ વર્ષ બાદ ક્વાર્ટરફાઇનલમાં પહોંચી છે. છેલ્લે ૨૦૦૩માં તે અંતિમ-૮માં પહોંચી હતી. એજૈક્સની ટીમ ૧૯૯૫ બાદ ક્યારેય ટ્રોફી જીતી શકી નથી. તેને કેપ્ટન મૈથિજ ડી લિગટે જીત બાદ કહ્યું, અમે જાણતા હતા કે આ પરિણામ હાસિલ કરવું સંભવ છે. ટીમને ખ્યાલ હતો કે તમામ ખેલાડી પોતાની ક્ષમતા પ્રમાણે રમે તો કોઈપણ વિપક્ષી ટીમ માટે મુશ્કેલી ઉભી કરી શકે છે.

Previous articleખેડુતવાસમાંથી જુગાર ધામ ઝડપાયું, પોલીસ અને જુગારીઓ વચ્ચે ઝપાઝપી
Next articleઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટ : પીવી સિંધુ પ્રથમ રાઉન્ડમાં બહાર