આરસીબીના કેપ્પમાં પહોંચ્યો સુનીલ છેત્રી, વિરાટે કર્યું સ્વાગત

1653

બેંગલુરૂઃ અત્યાર સુધી એકપણ વાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ચેમ્પિયન ન બનેલી રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂની ટીમ પોતાના હોમગ્રાઉન્ડ એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ પર છેલ્લા ઘણા દિવસથી પ્રેક્ટિસ કરી રહી છે. આ દરમિયાન મંગળવારે ભારતીય ફુટબોલ ટીમના કેપ્ટન સુનીલ છેત્રી આરસીબીના ખેલાડીઓને મળવા પહોંચ્યો હતો. આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીએ તેનું સ્વાગત કર્યું અને ટીમના અન્ય ખેલાડીઓ સાથે મુલાકાત કરાવી હતી.

વિરાટે છેત્રીનો પરિચય આપતા ગ્રાઉન્ડમાં કહ્યું- જે લોકો નથી જાણતા તેમને હું જણાવવા ઈચ્છું છું કે, છેત્રી આપણી રાષ્ટ્રીય ફુટબોલ ટીમના કેપ્ટન છે. તે આજે અહીં આવ્યા છે. તમે તેને રમતને લઈને માનસિકતા અને કોઈપણ વસ્તુ વિશે પૂછી શકો છો. આપણે છેત્રીનું સ્વાગત કરીએ છીએ.

છેત્રીએ કહ્યું, હું આરસીબીનો ફેન છું. તમને બધાને આવનારી ટૂર્નામેન્ટ માટે શુભકામનાઓ. વિરાટે છેત્રી સાથે એક તસ્વીર પોતાના ઇંસ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. તેણે લખ્યું- બુધવારે તમારી સાથે ખુબ મજા આવી કેપ્ટન. છેત્રીએ રવિવારે બેંગલુરૂ એફસી માટે પ્રથમવાર ઈન્ડિયન સુપર લીગનું ટાઇટલ જીત્યું હતું. તેની ટીમે એફસી ગોવાને પરાજય આપ્યો હતો. ગોવાની ફ્રેન્ચાઇઝીમાં કોહલીનો પણ ભાગ છે. કોહલીની ટીમે ૦-૧થી હારનો સામનો કરવો પડ્‌યો હતો.

વિરાટની ટીમ અત્યાર સુધી આઈપીએલ જીતી શકી નથી. ટીમનો પ્રથમ મુકાબલો ચેન્નઈ સુપરકિંગ્સ સામે ૨૩ માર્ચે ચેન્નઈના ચેપોક સ્ટેડિયમમાં યોજાશે. ટીમમાં વિરાટ સિવાય અનુભવી એબી ડિવિલિયર્સ, પાર્થિવ પટેલ, યુજવેન્દ્ર ચહલ અને ઉમેશ યાદવ છે.