ભાવનગર શહેરમાં ઉનાળાના દિવસોમાં વિવિધ વિસ્તારોમાંથી પીવાના પાણીની લોક ફરિયાદો ઉઠવા પામી છે અને સેવાસદન પાસે આવી લોક ફરિયાદો આવી રહી છે. જો કે તંત્ર આવી ફરિયાદોને ગંભીર ગણતું નથી.
વાત એમ છે કે હાલમાં શેત્રુંજીમાંથી ૯૦ એમએલડી બોપતળાવમાંથી ૧૦ અને મહિપરીએજમાંથી ૩૫ એમ કુલ પાણી પૂરવઠો ૧૩૫ એમએમડી પ્રાપ્ત થાય છે. તો બીજી બાજુ ગૌરીશંકર સરોવરમાં પાણી ખૂટી રહ્યું છે અને ૨૦ દિવસ પછી બોરતળાવનું પાણી ખૂટી પડે તેવી સ્થિતિ છે. કોર્પોરેશને મહિ પરીએજમાંથી વધુ પાણી મળવાની માંગણી કરવી પડે તેવી સ્થિતિ છે. પીવાના પાણીની વધુ ફરિયાદો કુંભારવાડા, બાનુબાઇની વાડી, માઢીયારોડ, આંબેડકરનગર, કુંભારવાડા શેરીનં.૪-૫-૬માં લાંબા વખતથી પાણી મળતું જ નથી. આ મુદ્દે કોંગીના નગરસેવક હિંમતભાઇ મેણીયાએ તંત્ર સમક્ષ પીવાના પાણીની લોક ફરિયાદો રજૂ કરી છે અને લોકોને પૂરતા પ્રમાણમાં પાણી મળવા માંગ ઉઠાવી છે. અલકા ટોકીઝ વિસ્તારમાં લોકોને પીવાના પાણીની ફરીયાદ કોર્પોરેટર રહીમ કુરેશીએ પણ કરી છે.
ઉત્તર કૃ.વોર્ડમાં આવેલ ખેડૂતવાસ, શ્રમજીવી સોસાયટી, દામાભાઇ કબાટવાળો ખાંચો, બુધદેવ સર્કલ, રજપૂત સોસાયટી, નવા બંદર રોડ, મામાદેવ ઓટલાવાળો ખાંચો વિગેરે વિસ્તારમાં લાંબા વખતથી ગંદુ પાણી આવે છે. અ મુદ્દે બોર્ડના આગેવાન અને યુવા કોળી સમાજના ઉપપ્રમુખ આનંદભાઇ બારૈયાએ તંત્ર પાસે રજુઆત કરી છે. પરંતુ આ ફરિયાદ હલ ન થતી હોવાની વાત પણ આનંદભાઇ એ કીધી હતી. સેવાસદનેથી મળતી વિગત પ્રમાણે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ૬૦ ઉપરાંત પાણીના ટેન્કરો મોકલાય રહ્યા છે. આવા ટેન્કરો ખેડૂતવાસ, કુંભારવાડામાં મોકલાય રહ્યા છે. આમ, ભારે ગરમીના તાપ વચ્ચે પીવાના પાણી રાડ ઉભી થઇ રહી છે. તો બીજી બાજુ નગરના વિસ્તારોમાં પાણીની આટલી હદે ફરીયાદો ઉઠવા છતા સેવાસદને ગણ્યા ગાંઠ્યા નગરસેવકો જ આવે છે. આથી ફલિત થાય છે લોકપ્રશ્નો માટે સેવકોને કાંઇ પડી નથી તેવી ચર્ચા લોકોમાં થઇ રહી છે.
















