આંતરડાનો રોગ એપેન્ડીક્સ

901

પેટની અંદર જમણી બાજુએ નાના આંતરડા અને મોટા આંતરડાનાં સંગમની જગ્યાએ હાથની ટચલી આંગળીથી પણ પાતળો, અંદરથી પોલો માંસપેશીનો ટૂકડો આવેલ છે. જેને એપેન્ડીક્સ શબ્દ ઘણો પ્રચલીત થયો છે. બોલવામાં કઠીન હોવાથી ઘણાં એપેન્ડી પણ કહે છે. બોલવામાં બંને ભાષામાં કઠીન એવું આ એપેન્ડીક્સ જીવનમાં પણ કઠીનાઇ લાવે છે અને તબીબો માટે પણ તે કેટલીકવાર કઠીન સમસ્યા ઉભી કરે છે. સામાન્ય રીતે એપેન્ડીક્સ ત્રણથી ચાર ઇંચ લાંબુ હોય છે. અપવાદરૂપે કોઇવાર આઠથી દસ ઇંચનું પણ જોવા મળે છે.

કેટલાંક નિષ્ણાંતોનું માનવું છે કે ઉત્ક્રાંતી દરમ્યાન અધોગતિ પામેલ આ એક બીનજરૂરી અવશેષ છે. જ્યારે કેટલાંક તજજ્ઞોને એવો પણ મત છે કે તેના સ્ત્રાવથી મોટા આંતરડાનું સંકોચન ઉત્તેજીત થાય છે અને ટોન્સીલ્સ (કાકડા)ની માફક એપેન્ડીક્સ પણ રક્ષણાત્મક કાર્ય કરે છે. એપેન્ડીક્સમાં પણ કાકડાની માફક અસંખ્ય લસીકાગ્રંથીઓ હોય છે. એપેન્ડીક્સના પોલાણમાં હંમેશા રોગનાં જીવાણું હોય છે. આ જીવાણુઓ લાભદાયી હોય અથવા ઉપદ્રવી પણ હોઇ શકે છે. તેમને કારણે એપેન્ડીક્સમાં સોજો આવી જાય છે. જેને એપેન્ડીસાઇડીસ કહે છે. આવે વખતે તબીબી સલાહ ખુબ જ જરૂરી બને છે. આહારમાં લેવાયેલ અમુક કડક પદાર્થો આંત્રપુચ્છમાં ભરાવાને કારણે, તેની અંદરની કોમળ, શ્લેમ આવરણ (મ્યુક્સ-મેમ્બ્રેન) ઘસાઇને નબળું બને છે. જેથી ત્યાં રહેલાં જીવાણુઓને અંદરની દિવાલમાં દાખલ થવાનો મોકો મળે છે. અને જો આ જીવાણુઓને શક્તિ, રોગ-નિરોધક શક્તિ કરતાં પણ વધી જાય તો ત્યાં સોજો આવે છે. જેને એપેન્ડીસાઇટીસ કહે છે. સોજો વધે અને સારવાર ન મળે તો તેમાં પાક થાય છે ત્યારે એપેન્ડીક્સનો સખ્ત દુખાવો થાય છે. રોગની શરૂઆતમાં દુંટીની આસપાસ દુખાવો થાય છેઅને અસહ્ય ચૂંક આવે છે. જે અમુક સમય બાદ પેટનાં જમણાં ખુણામાં આવી સ્થિર થાય છે. સાથે તાવ, ઉબકા, ઉલ્ટી, પણ થઇ શકે છે. કેટલીકવાર ઝાડા પણ થાય છે. નાડીના ધબકારા વધી જાય છે. એપેન્ડીક્સ કોઇપણ ઉંમરે થઇ શકે. પરંતુ ખાસ કરીને યુવાનીમાં વધુ જોવા મળે છે. સ્ત્રી કરતાં પુરૂષોમાં વધુ જોવા મળે છે. સામાન્ય રીતે એપેન્ડીસાઇટીસ બહુ ઉગ્ર નથી હોતું. પરંતુ કોઇકવાર ખૂબ જ તીવ્ર સ્વરૂપ  પકડી થોડા કલાકોમાં જ પ્રાણઘાતક નીવડી શકે.

ગામડા કરતાં શહેરનાં લોકોમાં આ રોગ વધુ જોવા મળે છે. રોગનાં મુખ્ય કારણોમાં આંતરડામાં અન્ય જગાએ સોજો આવવો, દાંતના રોગો, પેઢા તથા મોઢામાં રસી, ઉતાવળે ચાવ્યા વીના જમવાની કૂટેવો, વધારે પડતો માંસાહાર, લાંબા સમયની કબજીયાત વગેરે છે.

જો એપેન્ડીસાઇટીસની શંકા પડે તો :

(૧) નિષ્ણાંતને બતાવવામાં જરા પણ વિલંબ ના કરવો, (૨) જુલાબની દવા ના લેવી, (૩) પેટ ચોળાવવાની (પેચોટી સમજીને) ભૂલ કદીના કરવી, (૪) અન્ય કોઇ ઉંટવૈદ્યા ન કરવાં, (૫) એપેન્ડીસાઇટીસની શંકા પડે કે તુરત ખાવા પીવાનું બંધ કરવું. જો ખૂબ તરસ લાગે તો બરફનો ટૂકડો મોંમા રાખવો, (૬) નિષ્ણાંતની સલાહ વિના કોઇ દવા, ઇન્જેક્શન ન લેવું.

પાચનતંત્ર અને કેન્સર

મોંનું કેન્સર :

ગલોફામાં થતાં કેન્સરનું પ્રમાણ ઘણું મોેટું છે. મોંમાં તૂટેલો, ભાંગેલો કે સડેલો દાંત હોય અને તે ગલોફામાં વારંવાર ઘસાય અને ખાસ કરીને આ સાથે ખોરાક અંગેની અયોગ્ય ટેવોને કારણે શરીરમાં કેટલાક વીટામીન્સની ખામી હોય ત્યારે ગલોફામાં ચાંદા પડી જાય છે. પાન, તમાકુ, ગુટકા તથા સોપારી વધુ પડતાં ખાવાની ટેવથી પણ આવા ચાંદા પડી જાય છે. આવા ચાંદા કે ગલોફામાંની નાની ફોડકી બે અઠવાડીયાની સારવાર છતાં મટે નહીં ત્યારે કેન્સર હોવાની શક્યતા છે તેમ કહી શકાય. આવું બને ત્યારે તાત્કાલિક નિષ્ણાંતની સલાહ લેવી.

અન્નનળીનું કેન્સર :

જેમાં ખોરાક ગળે ઉતારવામાં તકલીફ પડે છે. આ કેન્સર પણ સામાન્ય રીતે મોટી ઉંમરે થાય છે. સ્ત્રી તથા પુરૂષો બંનેમાં આ કેન્સર સરખા પ્રમાણમાં થાય છે. (ગળા તથા મોંનું કેન્સર પુરૂષોમાં ઘણું વધુ પ્રમાણમાં જોવા મળે છે) અન્નનળીનાં કેન્સરમાં ખોરાક ખાતા ખાતા અટકતો હોય તેમ લાગે છે. આવું થાય કે તુરંત જ તપાસ કરાવવી.

હોજરીનું કેન્સર :

શરૂઆતનાં ચિહ્નોમાં અપચો, ખાવામાં અરૂચી, ઉબકા, ઉલ્ટી થવી, ખોરાક લીધા પછી મુંઝારો તથા ગભરામણ થવી તથા કેટલીકવાર કોફી કલરની ઉલ્ટી પણ થાય છે. ખોરાક તથા એસીડની સાથે લોહી ભળવાથી કોફી જેવા રંગની ઉલ્ટી થાય છે. આ લક્ષણો બે અઠવાડીયાની સારવાર પછી પણ દેખાય તો કેન્સર માટે તપાસ કરાવવી આવશ્યક છે.

જીભનું કેન્સર :

મોટી ઉંમરે થતું આ કેન્સર ખાસ કરીને તમાકુ, ગુટકા, પાન કે બીડીનાં વ્યસનવાળા પુરૂષોને પોતાનો શિકાર બનાવે છે. જેમાં જીભ પર નાની મોટી ફોડકી અથવા ચાંદુ જે સામાન્ય સારવારથી બે અઠવાડિયામાં ન રૂઝાય તો યોગ્ય તબીબી સલાહ લેવી.

Previous articleગુજરાતમાં ૬૩ ટકાથી વધારે મતદાન
Next articleGPSC, PSI, નાયબ મામલતદાર, GSSB પરીક્ષાની તૈયારી માટે