વારાણસી સીટ પર અજય રાય ફરીવાર ચૂંટણી રહેશે

473

ઉત્તરપ્રદેશની હાઈપ્રોફાઇલ વારાણસી બેઠક માટે તખ્તો ગોઠવાઇ ચુક્યો છે. મોદીની સામે કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવશે કે કેમ તેને લઇને ચાલી રહેલી અટકળોનો અંત આવી ગયો છે. કોંગ્રેસ પાર્ટીએ અહીંથી જ ફરી એકવાર અજય રાયને મેદાનમાં ઉતારવાનો નિર્ણય કર્યો છે. મહાગઠબંધન તરફથી શાલિની યાદવ મોદીની સામે મેદાનમાં છે. ૨૦૧૪ની ચૂંટણીમાં અજય રાય ચૂંટણી મેદાનમાં હતા.

અને ત્રીજા સ્થાને રહ્યા હતા. અજય રાયની મુસ્લિમ મતદારો ઉપર પકડ રહેલી છે. એમ માનવામાં આવે છે કે તેઓ મોદીને ટક્કર આપી શકે છે. છેલ્લી ચૂંટણીમાં બાહુબલી નેતા મુખ્તાર અન્સારીનું સમર્થન અજય રાયને મળ્યું હતું. આ વખતે સમર્થન મળશે કે કેમ તે બાબત ઉપર વાત કરવી મુશ્કેલ છે. મુખ્તાર વારાણસી સીટ પર અને ખાસ કરીને મુસ્લિમોમાં ખુબ પ્રભાવ ધરાવે છે. ૨૦૧૪ના આંકડા મુજબ અજય રાય ઉપર ૧૬ અપરાધિક કેસ રહેલા છે જેમાં હત્યાના પ્રયાસ, હિંસા ભડકાવવા, ગેંગસ્ટર એક્ટનો સમાવેશ થાય છે. મોદીના સંસદીય મત વિસ્તાર વારાણસી ઉત્તરપ્રદેશ અને ખાસ કરીને સમગ્ર પૂર્વાંચલ માટે સૌથી વીઆઈપી સીટ તરીકે છે. વારાણસીને પૂર્વાંચલના બેઝકેમ્પ તરીકે પણ ગણવામાં આવે છે. પૂર્વાંચલની આશરે ૨૧ સીટ ઉપર અહીંથી સીધી અસર થાય છે. સાથે સાથે બિહારની કેટલીક સીટો ઉપર પણ અસર થાય છે. હાલમાં ૧૮ લાખ મતદારો રહેલા છે. સાથે સાથે અહીંની વસ્તી ૩૪ લાખની છે. પૂર્વાંચલના અનેક નેતા હાલમાં કેન્દ્ર સરકારમાં મહત્વપૂર્ણ હોદ્દા ઉપર છે. રાજ્યના મંત્રી મનોજ સિંહા ગાઝીપુર અને અનુપ્રિયા પટેલ મિરઝાપુરમાંથી મંત્રી છે. ઉત્તરપ્રદેશમાં થયેલા મહાગઠબંધન માટે વારાણસીની લડાઈ સરળ નથી. છેલ્લી બે ચૂંટણીમાં ભાજપને અહીંથી મોટી જીત મળી હતી. ૨૦૧૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદીને અહીં પાંચ લાખથી વધારે મત મળ્યા હતા.

Previous articleદિલ્હીને પૂર્ણ રાજ્ય માટેનો દરજ્જો આપવા કામ કરાશે
Next articleનરેન્દ્ર મોદીએ ખોલાવેલાં બેંક ખાતામાં ‘ન્યાય’ના પૈસા જમા થશે : રાહુલ ગાંધી