જાફરાબાદ નજીકના નાગેશ્રી ગામ ખાતે તા.૦૭-૦૫ થી તા.૧૩-૦૫ સુધી શ્રીમદ્દ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ દિવસે સવારે ૧૦ વાગે પૂ.મોરારીબાપુ સનાતન ધર્મ જ્યોત પ્રજ્વલીત દીપ પ્રાગટ્ય કરશે. ભાગવત કથા દરમ્યાન દરરોજ નામી અનામી સાધુ સંતો અને મહંતોની પાવન ઉપસ્થિતિ રહેનાર છે.
સંત પ્રેમદાનબાપુ ધુણાવાળાની જગ્યામાં આયોજીત આ કથાના આયોજક સ્વ.મામૈયાબાપુ સુમરાબાપુ વરૂ પરિવાર છે. કથાના વક્તા પદે યજ્ઞેશભાઇ ઓઝા રાજુલાવાળા બીરાજમાન છે. વરૂ પરિવારના અગ્રણી અને કાઠી સમાજના ગુજરાત પ્રમુખ પ્રતાપભાઇ વરૂએ જણાવ્યું હતું કે નાગેશ્રી ગામ ઉજળો ઇતિહાસ ધરાવે છે. ત્યારે કથામાં કાઠી કૂળના પૂર્વજોની યશોગાથા, શોર્ય, ખુમારી, ખાનદાની, દિલેરી, અને ક્ષાત્રવટ યાદ કરી તેઓનું સ્મરણ અને વંદના કરવા સાથે કૂળની લાજ, મર્યાદા, વિવેક સાથે જીવન કેમ જીવાય તેનું આજની પેઢીમાં સિંચન થાય તેવા ઉમદા હેતુ સાથે આ સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. આમ, આ કથાનો સામાજીત ઉદ્દેશ પણ રહેલો છે.
ભાગવત કથાનો સમય દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ નો રહેશે. પ્રારંભે પોથીયાત્રા તા.૭ને મંગળવારે સવારે ૮-૩૦ કલાકે નીકળશે. દરરોજ અલગ અલગ પ્રસંગો ભાવપૂર્ણ માહોલમાં ઉજવાશે. જ્યારે કથામાં રૂક્ષ્મણી વિવાહમાં ભગવાન શ્યામની જાન જોડી વડથી ભાણેજ અશ્વિનભાઇ ખુમાણ અને અજયભાઇ ખુમાણ આવશે. કથામાં દરરોજ નામી, અનામી પૂ.સાધુ સંતો અને રાજકીય, સામાજીક આગેવાની ઉપસ્થિતિ રહેશે. જ્યારે સંસ્કૃતિને ઉજાગર કરતા કસુંબલ ડાયરાઓ પણ યોજાશે.
















