ઘોઘારોડ રામદેવપીરનું મંદિર હટાવવા ગયેલા તંત્ર સામે સ્થાનિક લોકોનો રોષ

1474

ભાવનગર મહાપાલિકા દ્વારા શહેરના ઘોઘારોડ, ગૌશાળા સામે આવેલ રામદેવપીર મંદિરને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જો કે સ્થાનિક લોકોએ વિરોધ કરતાં મહાપાલિકાની ટીમ કામગીરી કર્યા વગર જ પરત ફરી હતી. ભાવનગર મહાપાલિકા દ્વારા રવિવારની જાહેર રજાના દિવસે દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે બંદોબસ્ત, પીજીવીસીએલની ટીમ સાથે મહાપાલિકાનો કાફલો શહેરના ઘોઘારોડ, ગૌશાળા સામે આવેલ રામદેવપીરના મંદિરને હટાવવા માટે પહોંચ્યો હતો.

તંત્ર દ્વારા મંદિર તોડવાની કામગીરી હાથ ધરવામાં આવતાં સ્થાનિક લોકો એક્ઠા થઇ ગયા હતા અને દબાણ હટાવ કામગીરીનો વિરોધ કર્યો હતો. અધિકારીઓ દ્વારા લોકોને સમજાવવાની કોશિષ કરવામાં આવી હતી. પરંતુ સ્થાનિક લોકોએ મંદિરમાં ધૂન શરૂ કરી દઇને વિરોધ વ્યક્ત કર્યો હતો. લોકોના વિરોધના કારણે મહાપાલિકાની ટીમ લીલા તોરણે પરત ફરી હતી. લોકોનો વિરોધ અને ધાર્મિક લાગણીને પારખી પોલીસ બંદોબસ્ત હોવા છતાં મંદિરનું દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા મુલ્તવી રખાઇ હતી.