ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે, ૩૬ માસનું કામ ૫ વર્ષે પણ અધૂરૂં

107

રાજ્યમાં ૨ મુખ્યમંત્રી બદલાયા પણ નેશનલ હાઈવેનું શિકલ ન બદલાઈ : જનતાના પૈસા બનતા રોડ પર જનતા પાસે જ ટોલ ટેક્સના નામે ફદિયાના ઉઘરાણાં છતાં ધૂળિયા રોડ પર વાહન ચલાવવા મજબૂરી
ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવેને ૩૬ માસમાં બનાવવાની ગુલબાંગો ફૂંકાઈ હતી. પરંતુ અહીં પણ માત્ર ઠાલા વચનોની લ્હાણી સિવાય જનતાને બીજું કઈ મળ્યું નથી. જે કામ ૩૬ માસમાં પૂર્ણ કરવાનું હતું. તે કામને પાંચ વર્ષ થવા છતાં પણ પૂરૂ કરવાની વાત તો દૂર રહી, લોકોને રોડની બદતર હાલતના માનસિક ત્રાસમાંથી મુક્તિ આપવામાં પણ સરકારી તંત્ર કે નેશનલ હાઈવે ઓથોરિટીને કોઈ રસ નથી. ભાવનગર-સોમનાથ હાઈવેનું કામ ગોકળ ગતિએ ચાલતું હોવાના કારણે રાજુલાની પ્રજા તૌબા પોકારી ગઈ છે. ૨૭૦ કિ.મી.ના આ નેશનલ હાઈવેનું ૫૦ ટકા પણ પૂરૂ થયું નથી. મંથરગતિએ ચાલતા કામને કારણે વાહનચાલકો હાડમારી વેઠી રહ્યા છે. નેશનલ હાઈવે પર અનેક જગ્યાએ હજુ નાના-મોટા નાળા-પુલ બાકી છે. રાજુલાથી ચારનાળાનો ૬ કિ.મી. રોડ તો ગામડાના રસ્તાઓથી પણ બદતર છે, ધૂળિયા રસ્તાને કારણે વાહનો ૨૦ કિ.મી.ની સ્પીડે ચાલી શકતા નથી. સતત ધૂળની ડમરી ઉડતી હોવાને કારણે સામેથી આવતા વાહનો દેખાતા ન હોવાથી વાહનચાલકોને માથે અકસ્માતોનો ભય કાયમ ઉભીને ઉભો જ રહે છે. વળી, ધૂળિયા રસ્તાના કારણે ટ્રાફિકજામની સમસ્યા અવાર-નવાર સર્જાઈ છે. જેના કારણે લોકોના કિંમતી સમય અને ઈંધણનો પણ વ્યય થાય છે. જનતાના પૈસા બનતા રોડ પર જનતા પાસે જ ટોલ ટેક્સના નામે ફદિયાના ઉઘરાણાં છતાં ધૂળિયા રોડ પર વાહન ચલાવવા લોકો મજબૂર બન્યા છે.
અહીંથી સોમનાથ, તુલસીશ્યામ જેવા તિર્થસ્થાનકો અને દીવ-દમણ જેવા પર્યટન સ્થળો આવતા હોવાથી દૈનિક હજારોની સંખ્યામાં લોકોનું આવન-ગમન રહે છે. તેમ છતાં રોડનું કામ વહેલીતકે પૂર્ણ કરવામાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાને કઈ રસ જ નથી. રાજ્ય અને કેન્દ્ર સરકાર પણ નિરશતા દાખવી રહી છે. તો માથાના દુખાવારૂપ સમસ્યા હોવા છતાં સ્થાનિક રાજકારણીઓના પેટનું પાણી હલતું નથી. ઉલ્લેખનિય છે કે, કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ નેશનલ હાઈવેના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું. તે સમયે રાજ્યમાં આનંદીબહેન પટેલની સરકાર હતી. ત્યારબાદ વિજય રૂપાણી મુખ્યમંત્રી બન્યા અને હવે ભૂપેન્દ્ર પટેલના હાથમાં રાજ્યની કમાન છે. એટલે કે બે મુખ્યમંત્રી બદલાયા છતાં પણ નેશનલ હાઈવેનું કામ કાચબાની ચાલે જ ચાલી રહ્યું છે, જેના તરફ કોઈ ગંભીરતા દેખાડતું ન હોવાથી લોકોમાં રોષ ભભૂક્યો છે.

Previous articleકીર્તિદાન ગઢવીને વર્લ્ડ અમેઝિંગ ટેલેન્ટનો એવોર્ડ એનાયત
Next articleભાવનગર મનપામાં ભળેલા ગામના ખેડૂતોની જમીનના જંત્રીના ભાવમાં ફેરફાર કરવા માંગણી