હું બેટ્‌સમેનની જગ્યાએ બોલર્સને ટીમમાં પસંદ કરીશ : ડુ પ્લેસીસ

736

આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપ ૨૦૧૯ની પ્રથમ પ્રેક્ટિસ મેચ પહેલા બધી ટીમના કેપ્ટનોએ વાતચીત કરી હતી. બીસીસીઆઈએ સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરતાં કહ્યું હતું કે, ’સ્ટેજ રેડી છે. બધી ટીમના કેપ્ટન વાતચીત કરવા ભેગા થયા છે.’

ભારતના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે વર્લ્ડકપમાં હાઈસ્કોરિંગ મેચો જોવા મળશે, પરંતુ ટુર્નામેન્ટના અંતિમ તબ્બકે ટીમો પહેલા બોલથી હિટિંગ નહીં કરે.

બધી ટીમના કેપ્ટનને વિરોધી ટીમમાંથી એક ખેલાડી પસંદ કરવાનું કહેવામાં આવ્યું હતું જે તેમના મતે સૌથી ખતરનાક છે અને જેનો ટુર્નામેન્ટમાં દબદબો રહેશે.

કોહલીએ કહ્યું હતું કે મને લાગે છે અમારી ટીમ મજબૂત છે. પરંતુ બીજી ટીમમાંથી પસંદ કરવાનું હોવાથી એબી ડિવિલિયર્સની નિવૃત્તિના લીધે હું દક્ષિણ આફ્રિકાના વર્તમાન કપ્તાન ફાફ ડુ પ્લેસીસની પસંદગી કરીશ.

બાંગ્લાદેશના મશરફે મોર્તઝાએ વિરાટ કોહલી તરફ આંગળી કરતાં કહ્યું હતું કે હું આ માણસને પસંદ કરીશ. દક્ષિણ આફ્રિકાના ફાફ ડુ પ્લેસીસે કહ્યું હતું કે હું બેટ્‌સમેનની જગ્યાએ બોલર્સને ટીમમાં પસંદ કરીશ. તેણે જસપ્રીત બુમરાહ, રાશિદ ખાન અને પેટ કમિન્સના નામ આપ્યા હતા.

ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સને રાશિદ ખાનને પસંદ કર્યો હતો. જયારે ઇંગ્લેન્ડના ઓઇન મોર્ગને કહ્યું હતું કે મારી ટીમમાં કોઈ ફેરફાર કરવા નથી. તેમ છતાં મને કહેવામાં આવ્યું છે તો હું રિકી પોન્ટિંગને સિલેક્ટ કરીશ, જે અત્યારે ઓસ્ટ્રેલિયાના કોચિંગ સ્ટાફનો ભાગ છે.

પાકિસ્તાનના સરફરાઝ અહેમદે ઇંગ્લેન્ડના જોસ બટલરને અને ઓસ્ટ્રેલિયાના આરોન ફિન્ચે દક્ષિણ આફ્રિકાના કગીસૉ રબાડાને પસંદ કર્યો હતો. શ્રીલંકાના કરુણરત્નેએ ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સને પસંદ કર્યો હતો.

Previous articleબજારમાં તીવ્ર તેજી : સેંસેક્સ ૬૨૩ પોઈન્ટ ઉછળીને બંધ
Next articleપેટ્રોલના ભાવમાં સતત પાંચમા દિવસે વધ્યા, ૧૪ પૈસા મોંઘુ બન્યું