ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ, ગરમ પવનો સાથે લૂનું આક્રમણ યથાવત્‌

514

મોટાભાગના શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો દિનપ્રતિદિન ઉંચે જઇ રહ્યો છે. જેની અસર સમગ્ર દિવસ દરમિયાન જોવા મળી રહી છે અને કાળઝાળ ગરમીનો સામનો લોકો કરી રહ્યાં છે ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી મોટાભાગના શહેરો યલો અને ઓરેન્જ એલર્ટ વચ્ચે આવી ગયા છે. ત્યારે રાજ્યના પાટનગરમાં પણ ગરમી આક્રમક બની હોય તેમ ગુરુવારે મહત્તમ તાપમાનનો પારો ૪૪ ડિગ્રીએ પહોંચી ગયો હતો.

હવામાન ખાતા દ્વારા આગામી ચાર-પાંચ દિવસ સુધી કાળઝાળ ગરમીનો સામનો કરવો પડશે તેવી આગાહી પણ કરવામાં આવી છે. રાજ્યમાં હરીયાળા શહેર તરીકે ઓળખાતા ગાંધીનગરમાં પણ દિનપ્રતિદિન મહત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાઇ રહ્યો છે.  છેલ્લા ઘણા દિવસથી સતત મહત્તમ તાપમાનના પારામાં વધારો નોંધાતાં ૪૨ ડિગ્રીને પાર ગરમીનો પારો નોંધાઇ રહ્યો છે. તો બીજી તરફ દિવસ દરમિયાન ચાર થી છ કિલોમીટરની ઝડપે ગરમ પવનો ફુંકાતાં નગરજનો પણ કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યાં છે.

ત્યારે ગુરુવારે વહેલી સવારથી જ તાપમાનના પારામાં થઇ રહેલાં વધારાના પગલે મહત્તમ તાપમાન ૪૪ ડિગ્રીએ પહોંચ્યું હતું. જેના પગલે ગાંધીનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે લઘુત્તમ તાપમાનનો પારો ૨૯.૫ ડિગ્રીએ પહોંચ્યો હતો. ગરમીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાં તેની અસર શહેરના મુખ્ય અને આંતરિક માર્ગો ઉપર જોવા મળી હતી. ત્યારે હાલમાં જે પ્રકારે ગરમીનો પારો ઉંચે જઇ રહ્યો છે.

તેના પગલે વીજ માંગમાં પણ વધારો નોંધાયો છે તો ગરમી સામે રક્ષણ મળી શકે તે માટે નગરજનો ઠંડા પીણા અને મોસમના ફળોનો સહારો લઇ રહ્યાં છે.હજુ પણ આગામી દિવસોમાં ગરમીના પારામાં વધારો નોંધાશે અને તેની અસર નગરજનોને અનુભવવા મળશે તેવી આગાહી પણ હવામાન ખાતા દ્વારા કરવામાં આવી છે.

હાલમાં જે પ્રકારનું વાતાવરણ નગરજનો અનુભવી રહ્યાં છે તેના પગલે મોટાભાગના લોકો ઘરમાં જ રહેવાનું મુનાસીફ માની રહ્યાં છે . ગરમીમાં થયેલા વધારાના લીધે મોડી સાંજે લોકો બહાર નીકળવાનું પસંદ કરી રહ્યાં છે તો રાત્રીના સમયે શહેરના મુખ્ય સર્કલો સહિત સેન્ટ્રલ વિસ્ટા તથા અન્ય બગીચાઓમાં પણ ગરમીથી ત્રસ્ત થયેલાં નગરજનોની ભારે ભીડ જોવા મળી રહી છે.

Previous articleઅમદાવાદની સેવન્થ ડે શાળામાં લાગી આગ, મોટી દુર્ઘટના ટળી
Next articleયુપી : પેટા ચૂંટણી જીતવા માટેની તૈયારીમાં તમામ પક્ષો લાગી ગયા