દેશમાં ભીષણ ગરમી : ૩૨થી વધુ મોત, જનજીવન પર અસર

1963

દેશભરના મોટાભાગના રાજ્યોમાં ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ જારી રહ્યો છે. અનેક જગ્યાઓ ઉપર તાપમાન ૪૫થી પણ ઉપર પહોંચી ગયો છે. બીજી બાજુ રાજસ્થાનના ગંગાનગરમાં ૫૦ ડિગ્રીની આસપાસ પારો પહોંચી જતા હાહાકાર મચી ગયો છે. દેશમાં આ વર્ષે હિટવેવના કારણે હજુ સુધી ૩૨ લોકોના મોત થઇ ચુક્યા છે. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ત્રણ દિવસ સુધી ભીષણ હિટવેવથી કોઇ રાહત મળવાની શક્યતા નથી. દેશના મોટાભાગના વિસ્તારો હિટવેવના સકંજામાં આવી ગયા છે જેમાં પશ્ચિમી રાજસ્થાનમાં મોટાભાગના વિસ્તારો સામેલ છે. ઉપરાંત પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, ઉત્તર કર્ણાટક, બિહાર, ઝારખંડ, કર્ણાટક મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભીષણ ગરમી અને લૂનો પ્રકોપ જારી રહેવાની શક્યતા છે. હિટવેવના પરિણામ સ્વરુપે આ વર્ષે તેલંગાણામાં સૌથી વધુ મોત થયા છે. છેલ્લા ૨૪ દિવસના ગાળામાં જ તેલંગાણામાં ગરમી અને લૂના લીધે ૧૮ લોકોના મોત થઇ ચુક્યા છે. આવી જ રીતે આંધ્રપ્રદેશમાં આ સિઝનમાં ત્રણ લોકોના મોત લૂ લાગવાના કારણે થઇ ચુક્યા છે. ૨૩૩થી વધુ લોકો બિમાર હાલમાં હોવાનું જાણવા મળ્યું છે. બંને રાજ્યોમાં ૨૦૧૫માંભીષણ લૂના કારણે મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. એકલા આંધ્રપ્રદેશમાં લૂ લાગવાથી ૧૩૬૯ લોકોના મોત થયા હતા જ્યારે તેલંગાણામાં ૨૦૧૫માં ૫૪૧ લોકોના મોત થયા હતા.

ગયા વર્ષે પણ ૨૭ લોકોના મોત થયા હતા. મહારાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં પણ હાલત કફોડી બનેલી છે. અહીં ગરમીના કારણે હજુ સુધી આઠ લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રમાં ૪૫૬ લોકો બિમાર થયા છે. નાગપુર ક્ષેત્રમાં સૌથી વધુ લોકોને અસર થઇ છે. ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આવી જ હાલત બનેલી છે. કેટલીક જગ્યાએ પારો ૫૦ની આસપાસ પહોંચી ચુક્યો છે. ગઇકાલે રાજસ્થાનના ગંગાનગરમાં પારો ૪૯ સુધી પહોંચ્યો હતો. ગંગાનગરમાં પારો ૪૯.૬ ડિગ્રી સુધી પહોંચ્યો હતો જ્યારે અલ્હાબાદમાં ગુરુવારના દિવસે પારો ૪૮.૬ સુધી પહોંચી ગયો હતો. હવામાન વિભાગના કહેવા મુજબ દિલ્હીમાં આજે રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી હતી. આજે શનિવારના દિવસે તાપમાનમાં આંશિક ઘટાડો થયો હતો. ગઇકાલે ચાણક્યપુરીમાં પારો ૪૭ સુધી પહોંચ્યો હતો. આજે ૪૫ ડિગ્રી સુધી તાપમાન રહ્યું હતું. હિટવેવની સ્થિતિ એ વખત સુધી જારી રહી શકે છે જ્યાં સુધી બંગાળના અખાતમાંથી પવન ચાલશે નહીં. ડસ્ટ સ્ટ્રોમ અને હળવા વરસાદની શરૂઆત ન થાય ત્યાં સુધી ભીષણ ગરમી જારી રહેશે. જમ્મુ કાશ્મીર અને હિમાચલ જેવા પહાડી વિસ્તારોમાં પણ આ વખતે પારો ૪૫ની નજીક પહોંચ્યો છે. હિટવેવની જાહેરાતને લઇને ખુબ ઓછા લોકો વાકેફ છે. તંત્રના કહેવા મુજબ મેદાની વિસ્તારોમાં પારો ૪૦ ડિગ્રી, દરિયાકાંઠાના વિસ્તારોમાં ૪૭ ડિગ્રી અને પહાડી વિસ્તારોમાં ૩૦ ડિગ્રી સુધી પારો પહોંચ્યો છે ત્યારે હિટવેવ ગણવામાં આવે છે. સમગ્ર ભારતમાં હાલમાં ભીષણ ગરમીના કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. જનજીવન ઉપર પણ અસર થઇ છે. મોટી સંખ્યામાં લોકો અસ્વસ્થ બન્યા છે. ભીષણ ગરમીના કારણે જુદા જુદા રાજ્યોમાં વેકેશનને લંબાવવાની પણ વાત ચાલી રહી છે. હવામાન વિભાગના કહેવા મુજબ હિટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે ત્યારે બિનજરૂરીરીતે ઘરની બહાર લોકોએ નિકળવું જોઇએ નહીં. સાથે સાથે ગરમીથી બચવા માટે છત્રીનો ઉપયોગ કરવો જોઇએ. હવામાન વિભાગના કહેવા મુજબ આગામી ત્રણ દિવસ સુધી ભીષણ હિટવેવ જારી રહેશે ત્યારે અનેક જગ્યાઓએ પારો ૪૫થી ઉપર રહેવાની શક્યતા છે. ગરમીના પ્રકોપના કારણે તંત્ર દ્વારા જુદા જુદા પગલા લેવામાં આવ્યા છે. બીજી બાજુ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ જાહેર રસ્તાઓ ઉપર સેવામાં સક્રિય છે જેમાં પાણીની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Previous articleસોનિયા ગાંધી સંસદીય દળના નેતા ચૂંટાયા : સસ્પેન્સનો અંત
Next articleરાજ્યમાં એક સપ્તાહ સુધી દારૂ અને જુગારધામ પર દરોડા પાડવા આદેશ