તીવ્ર વેચવાલી વચ્ચે સેંસેક્સ ૧૮૪ પોઇન્ટ ઘટીને બંધ રહેતા નિરાશા

494

શેરબજારમાં આજે મંદીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સ ૧૮૪ પોઇન્ટ ઘટીને ૪૦૦૮૪ની સપાટીએ રહ્યો હતો. સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં આજે અગાઉના સેશનમાં રહેલી સ્થિતિનો લાભ લેવાના પ્રયાસ કરવામાં આવ્યા હતા. બેંચમાર્ક ઇન્ડેક્સમાં આજે કડાકો બોલી ગયો હતો. મૂડીરોકાણકારોએ પ્રોફિટ બુક કરવાનું વલણ અપનાવ્યું હતું. આજે કારોબાર દરમિયાન હિરોમોટો, એચસીએલ, ટીસીએસ, એશિયન પેઇન્ટ્‌સ, ઇન્ડસબેંક સહિતના શેરમાં સૌથી વધુ કડાકો બોલી ગયો હતો. આજે ૩૦ શેર પૈકીના ૧૬માં મંદી રહી હતી. બ્રોડર નિફ્ટીમાં ૬૭ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૨૦૨૨ રહી હતી. માર્કેટ બ્રીડ્‌થ આજે વેચવાલીની તરફેણમાં રહી હતી. આશરે ૯૯૦ શેરમાં મંદી અને ૭૮૯ શેરમાં તેજી રહી હતી. નિફ્ટી સેક્ટરલ ઇન્ડેક્સમાં એકમાત્ર નિફ્ટી મેટલ અને નિફ્ટી પીએસયુ બેંક ઇન્ડેક્સમાં તેજી રહી હતી. નિફ્ટી આઈટીમાં સૌથી વધુ ૧.૫૬ ટકાનો ઘટાડો રહ્યો હતો. નિફ્ટી મિડિયા અને નિફ્ટી ફાર્માના શેરમાં એક ટકાથી પણ વધુનો ઘટાડો જોવા મળ્યો હતો. આરબીઆઈની પોલિસી સમીક્ષા પહેલા કારોબારીઓ સાવધાન થઇ ગયા છે. બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં ૩૩ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૫૨૦૦ રહી હતી જ્યારે સ્મોલકેપમાં ૨૮ પોઇન્ટનો ઘટાડો રહેતા તેની સપાટી ૧૪૯૧૧ રહી હતી. આરબીઆઈની મોનિટરી પોલિસી સમિતિના પરિણામ જાહેર કરવામાં આવે તે પહેલા આજે બજારમાં ઉતારચઢાવની સ્થિતિ રહી હતી. આવતીકાલે શેરબજારમાં ઇદ ઉલ ફિતરની રજા રહેશે. આજે પોલિસી સમીક્ષાની મિટિંગ શરૂ થઇ હતી તે પહેલા મોટાભાગના અર્થશાસ્ત્રીઓએ વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું હતું કે, રેપોરેટમાં ૨૫ બેઝિક પોઇન્ટ સુધીનો ઘટાડો કરવામાં આવશે. જાણકાર લોકોનું કહેવું છે કે, આજે શેરબજારમાં ઉતારચઢાવની સ્થિતિ વચ્ચે કારોબારીઓ પોલિસી સમીક્ષાને લઇને ઉત્સુક દેખાયા હતા. જીઈ પાવર ઇન્ડિયાના શેરમાં પાંચ ટકાનો ઉછાળો રહ્યો હતો. આ ઉપરાંત એનટીપીસીની સંયુક્ત સાહસ કંપની અરવલ્લી પાવર કંપનીના શેરમાં પણ કડાકો બોલી ગયો હતો. માનાપુરમ ફાઈનાન્સના શેરમાં ઉલ્લેખનીય ઉછાળો જોવા મળ્યો હતો. હિરોમોટો, એચસીએલ, ટીસીએસ, એશિયન પેઇન્ટ્‌સના શેરમાં પણ ઉથલપાથલ સાથે અંતે કડાકો બોલી ગયો હતો. છેલ્લી પોલિસી બેઠકમાં આરબીઆઈએ વ્યાજદરમાં ઘટાડો કર્યો હતો.

Previous articleરોબર્ટ વાડ્રા સાથે ૧૩મી વખત પૂછપરછઃ મને કારણ વગર જ હેરાન કરાય છે
Next articleઆજે પર્યાવરણ દિવસઃ પ્લાસ્ટિકની વસ્તુઓનાં વપરાશ પર પ્રતિબંધ મૂકાયો