બિહાર : ચમકી તાવથી મોતનો આંકડો ૧૦૦થી ઉપર પહોંચ્યો

659

બિહારમાં ચમકી તાવના કારણે મોતનો આંકડો ચિંતાજનકરીતે વધી રહ્યો છે. આજે મોતનો આંકડો ૧૦૦થી પણ ઉપર  પહોંચી ગયો છે. છેલ્લા ૨૪ કલાકમાં જ ૨૦ બાળકોના મોત થયા છે. એકલા મુજફ્ફરપુરમાં જ ૧૦૦ બાળકોના મોત થઇ ચુક્યા છે. બિમારી પર કાબુ મેળવી લેવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે છતાં સફળતા હાંસલ થઇ રહી નથી. હજુ પણ ૧૧૫ બાળકો સારવાર હેઠળ હોવાની માહિતી મળી છે. કેટલાક જાણકાર લોકો કહી રહ્યા છે કે જો સ્ સરકારે પહેલાથી જ તૈયાર કરવામાં આવેલી યોજનાને અમલી બનાવી હોત તો બાળકોને બચાવી શકાયા હોત. રાજ્યમાં હજુ સુધી આ બિમારીને રોકવા માટે સરકારે રિસર્ચ અને સારવાર પર ૧૦૦ કરોડ રૂપિયા ખર્ચ કરી દીધા છે. જંગી ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં સ્થિતીમાં કોઇ નોંધપાત્ર સુધારો થઇ રહ્યો નથી. મોતનો સિલસિલો જારી છે. માત્ર એક જ હોસ્પિટલમાં ૧૦૦ બાળકોના મોત થયા છે.રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જે બાળકોના મોત નાની હોસ્પિટલમાં થયા છે અથવા તો ઘરમાં થયા છે તે બાળકોનો મોતના આંકડામાં સમાવેશ કરવામાં આવ્યો નથી. બિન સરકારી આંકડા દર્શાવે છે કે આ બિમારીથી હાલમાં બે હજાર બાળકો ગ્રસ્ત થયેલા છે. બિહારના મુજફ્ફરપુરમાં શંકાસ્પદ એક્યુટ ઇન્સેફ્લાઇટિસ સિન્ડ્રોમના કારણે મોતનો આંકડો ચિંતાજનક રીતે વધી રહ્યો છે. કેન્દ્રિય આરોગ્ય પ્રધાન ડોક્ટર હર્ષવર્ધન પણ તાવના કારણે ઉભી થયેલી જટિલ સ્થિતીની માહિતી મેળવી લેવા માટે બિહારમાં પહોંચી ગયા છે. અસરગ્રસ્ત તમામ બાળકોને હાલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. તેમના પર તબીબોની બાજ નજર છે. મુજફ્ફરપુર પહોંચેલા હર્ષવર્ધને પરિસ્થિતીની સમીક્ષા કરી હતી. નિષ્ણાંત તબીબો સાથે વાતચીત કરી હતી. હર્ષવર્ધને શ્રીકૃષ્ણા મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લઇને તબીબો સાથે વાતચીત કરી હતી. આ વર્ષે જાન્યુઆરીથી કુલ ૧૭૯ શંકાસ્પદ એઆઇએસના મામલા સપાટી પર આવ્યા છે. આરોગ્ય નિષ્ણાંતોની સાત સભ્યોની ટીમ કેન્દ્રની બિહારમાં પહોંચી ગઇ છે. પોષણની કમીના કારણે  અસરગ્રસ્ત બાળકોના શરીરમાં શુગર લેવલનુ પ્રમાણ ઘટી ગયુ છે.મુજફ્ફરપુરના કૃષ્ણા મેડિકલ કોલેજના કેટલાક દર્દીઓ સારવાર હેઠળ છે. તમામની હાલત ગંભીર છે. તમામ દર્દીઓને તબીબોની બાજ નજર હેઠળ રાખવામાં આવ્યા છે. મેડિકલ કોલેજના પ્રભારી સુનિલ શાહીએ કહ્યુ છે કે જાન્યુઆરીથી લઇને બીજી જુન વચ્ચેના ગાળામાં ૧૨ દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારે રાજ્યના ૧૨ જિલ્લામાં ૨૨૨ પ્રાઇમરી હેલ્થ સેન્ટરોને એલર્ટ કરી દીધા છે. સાથે સાથે અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યા છે કે તેઓ દર્દીઓની સારવાર માટે કોઇ લાપરવાહી ન રાખે. કારણ કે બાળકોની તબિયત ખરાબ થઇ છે. બિહારમાં બિનસત્તાવાર રીતે મોતનો આંકડો પણ વધારે હોઇ શકે છે. કારણ કે ઘણી માહિતી તો સામાન્ય અને ગરીબ લોકો આપી રહ્યા નથી.

Previous articleભારતને ફટકો : ભુવનેશ્વરની ઇજા ગંભીર હોવાના અહેવાલ
Next articleકોલેજમાં એડમિશન માટે કોમન પ્રવેશ પરીક્ષા રહેશે