અંતે ભાજપ સાંસદ ઓમ બિરલા સંમતિ સાથે અધ્યક્ષ તરીકે ચૂંટાયા

502

રાજસ્થાનની કોટા-બુન્દી સીટ પરથી ભાજપના સાંસદ ઓમ બિરલા આજે લોકસભાના નવા અધ્યક્ષ તરીકે સર્વસંમતિ સાથે ચૂંટાઇ આવતા છેલ્લા કેટલાક દિવસથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો હતો. લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ પ્રોટેમ સ્પીકર વીરેન્દ્ર કુમારે નવા સ્પીકરની નિમણૂંકની પ્રક્રિયા હાથ ધરી હતી.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતે સ્પીકર માટે ઓમ બિરલાના નામનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. ત્યારબાદ તેનુ કેન્દ્રિય સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ અને કેન્દ્રિય પ્રધાન નિતિન ગડકરીએ સમર્થન કર્યુ હતુ. કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ પ્રસ્તાવનુ સમર્થન કર્યુ હતુ. ત્યારબાદ મૌખિક મતથી બિરલા ૧૭મી લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવ્યા હતા.

બિરલા લોકસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઇ આવ્યા બાદ મોદી ઉપરાંત ભાજપ, કોંગ્રેસ, ડીએમકે અને ટીએમસીના સાંસદોએ બિરલા પાસે પહોંચીને તેમને અભિનંદન આપ્યા હતા. બિરલા હવે સુમિત્રા મહાજનની જગ્યા લઇ રહ્યા છે. આઠ વખતના સાંસદ મહાજન ૧૬મી લોકસભામાં સ્પીકર તરીકે હતા. મહાજન ગૃહના સૌથી સિનિયર નેતા તરીકે હતા. તેમની સરખામણીમાં બિરલાને ઓછો અનુભવ છે પરંતુ આવુ પ્રથમ વખત થઇ રહ્યુ નથી.

આ પહેલા  પણ ઓછા અનુભવવાળા સાંસદને સ્પીકર બનાવવામાં આવી ચુક્યા છે. વર્ષ ૧૯૯૬માં ટીડીપીના બાલયોગીને સ્પીકર બનાવવામાં આવ્યા હતા. તેઓ પણ બીજી વખત લોકસભામાં જીતીને આવ્યા હતા. સમાજ સેવક તરીકેની પણ બિરલાની છાપ રહેલી છે. જ્યારે ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ના દિવસે ગુજરાતમાં ધરતીકંપ આવ્યો ત્યારે બિરલાએ અસરગ્રસ્ત લોકોને રાહત પહોંચાડી દેવા માટે તબીબોની સાથે મળીને ૧૦૦ સભ્યોની ટીમનુ નેતૃત્વ કર્યુ હતુ. કુપોષણને રોકવા માટે પણ તેઓ સતત સક્રિય રહી ચુક્યા છે.  રાજસ્થાનના બિરલાએ  ૧૩મી લોકસભાની અવધિ દરમિયાન તેઓએ ૫૦૦ સવાલ કર્યા હતા. વિધાનસભામાં ચર્ચા દરમિયાન સક્રિયરીતે હિસ્સો લેવા બદલ બિડલાને સન્માન મળ્યું હતું અને તેમનું નામ સંસદમાં તારલામાં સામેલ કરવામાં આવ્યા હતા. રાજનેતા હોવાની સાથે સાથે ઓમ બિડલા એક કારોબારી પણ રહ્યા છે. કેન્દ્રની રાજનીતિમાં આવતા પહેલા બિડલા રાજસ્થાનની રાજનીતિમાં સક્રિય રહ્યા છે. કોટા દક્ષિણ સીટ પરથી ત્રણ વખત ચૂંટાઈ આવ્યા હતા. ૨૦૦૩માં જ્યારે વસુંધરા રાજેની સરકાર બની હતી ત્યારે તેમને સંસદીય સચિવ તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ત્યારબાદ ૨૦૦૮માં ફરીવાર ચૂંટાઈ આવ્યા હતા. ૨૦૧૩માં સતત ત્રીજીવાર ઓમ બિડલા વિધાનસભાને પાર કરવામાં સફળ રહ્યા હતા. ભાજપે કોટા-બુંદી સંસદીય સીટ પરથી તેમને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા અને પ્રથમ વખત સાંસદ બન્યા હતા. ૫૬ વર્ષીય ઓમ બિડલા સતત બીજી વખત લોકસભા ચૂંટણી જીતી ગયા હતા. ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં તેઓએ રાજપરિવારથી આવનાર કોંગ્રેસના ઇજ્યરાજસિંહને બે લાખથી વધુ મતથી હાર આપી હતી.એક કુશળ સંગઠન કાર્યકર તરીકે પણ તેમની છાપ રહેલી છે. બિરલા રાજસ્થાનના ગઢ ગણાતા હાડૌતી વિસ્તાર (કોટા સંભાગ)માંથી આવે છે.

Previous articleબિહારમાં તાવથી મોતનો આંકડો ૧૩૦ થયો : ૩૦૦ હજુય ગંભીર
Next articleએક સાથે ચૂંટણીના મુદ્દે રાજકીય પક્ષોના નેતા સાથે મોદીની મિટિંગ