સિહોરમાં ત્રણ કલાકમાં ચાર ઇંચ વરસાદ

1098

રાજ્યભરમાં હવામાન ખાતા દ્વારા ભારે વરસાદની અપાયેલી આગાહીના પગલે ભાવનગર શહેર અને જિલ્લામાં આજે સાંજના સુમારે ગાજવિજ સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં શિહોર પંથકમાં ત્રણ કલાકમાં ચાર ઇચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેના કારણે રસ્તાઓ ઉપર ગોઠણ સમાનાં પાણી ફરી વળ્યા હતા. આ ઉપરાંત ઘોઘા પંથકમાં સવાત્રણ જેટલો ધોધમાર વરસાદ પડ્યો હતો. જ્યારે ભાવનગર શહેરમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો.

ચોમાસાની સીઝન શરૂ થતાની સાથે જ ગોહિલવાડ પંથકમાં મેઘરાજાએ ધમાકે દ્વાર આગમન કર્યું છે. સતત ચારેક દિવસથી પડી રહેલા હળવા ભારે વરસાદ બાદ આજે રાજ્યભરમાં ભારે વરસાદની આગાહીના પગલે ભાવનગર શહેર જિલ્લામાં પણ અડધાથી ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો જેમાં આજે સાંજના સમયે ભાવનગર શહેરમાં જોરદાર વરસાદ ત્રાટક્યો હતો અને દોઢેક કલાક સુધી સતત શરૂ રહ્યા બાદ વરસાદનું જોર ઘટ્યું હતું પરંતુ રાત્રીના સમયે પણ હળવો વરસાદ શરૂ રહ્યો હતો જેના પગલે દસ વાગ્યા સુધીમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત સિહોર પંથકમાં સાંજના સાતેક વાગ્યા બાદ મેઘરાજાની પધરામણી થઇ હતી. ગાજવીજ સાથે શરૂ થયેલા વરસાદે જાણેકે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ધોધમાર ત્રાટક્યો હતો અને જોતજોતામાં સિહોરના રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યા હતા. સતત બેથી ત્રણ કલાક સુધી શરૂ રહેલા ધોધમાર વરસાદના પગલે રાત્રે દસ સુધીમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. સિહોરના નિંચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતા. જ્યારે ડુંગર ઉપરથી પથ્થરો તરી આવતા પોલીસે સારી કામગીરી કરી વડલા ચોક ખાતે પથ્થરો હટાવ્યા હતા. આ દરમ્યાન ટ્રાફીક જામ પણ થઇ જવા પામ્યું હતું. જ્યારે પીજીવીસીએલની કામગીરી પણ સારી રહી હતી. ભાવનગર જિલ્લાના ઘોઘા જિલ્લામાં પણ સાંજના પડેલા ગાજવીજ સાથેના ધોધમાર વરસાદનાં પગલે સવાત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જ્યારે ગારીયાધાર, જેસર, તળાજા, મહુવા અને પાલીતાણા પંથકમાં પણ અડધાથી સવા ઇંચ જેટલો ધોધમાર વરસાદ પડ્યાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. ભાવનગર શહેર અને જિલ્લામાં પડેલા સાવત્રીક વરસાદના પગલે ચેકડેમો, નદીઓ અને જળાશયોમાં નવા નિરની આવક શરૂ થઇ જવા પામી છે. વાતાવરણમાં ઠંડક થવા સાથે સારા વરસાદના કારણે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

રાત્રે ૧૦ સુધીનો વરસાદ
તાલુકો વરસાદ
ભાવનગર ૩૯ મી.મી.
ઉમરાળા ૪૩ મી.મી.
ગારીયાધાર ૨૧ મી.મી.
ઘોઘા ૮૦ મી.મી.
જેસર ૨૯ મી.મી.
તળાજા ૨૮ મી.મી.
પાલીતાણા ૦૯ મી.મી.
મહુવા ૧૦ મી.મી.
વલ્લભીપુર ૦૩ મી.મી.
શિહોર ૯૪ મી.મી.

Previous articleપાલીતાણાના વડીયા ગામે ચાર મકાનમાં તસ્કરો ત્રાટક્યા
Next articleઇલિયાના ડી ક્રુઝ નવી ફિલ્મ  પાગલપંતિમાં મુખ્ય રોલમાં