અંધ શાળા ખાતે પ્રજ્ઞાચક્ષુ જગતનાં પદ્મશ્રી મુક્તાબેન ડગલીનો સત્ત્કાર સમારંભ યોજાયો

489

તારીખ ૩૦/૦૬/૨૦૧૯ ને રવિવારના રોજ શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા દ્વારા પ્રજ્ઞાચક્ષુઓના વિકાસ માટે અવિરત કાર્ય કરનાર સંસ્થાનાં પૂર્વ વિદ્યાર્થિની અને પદ્મશ્રી એવોર્ડનું  સન્માન પ્રાપ્ત કરનાર અને શ્રી મુક્તાબેન પી. ડગલીનાં ‘સત્કાર સમારંભ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સત્કાર સમાંરભમાં રાજ્યભરની પ્રજ્ઞાચક્ષુ ક્ષેત્રે કાર્યરત સંસ્થાઓ પણ જોડાઈ હતી. કાર્યક્રમની શરૂઆત પ્રજ્ઞાચક્ષુ દીકરીની સુમધુર પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ મહેમાનોનું પૂષ્પગુચ્છ અને શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કાર્યક્રમનો ઉદ્દેશ સમજાવતા સંસ્થાના જનરલ સેક્રેટરી લાભુભાઈ સોનાણીએ મુક્તાબેનનાં જીવન કવન વિષે ઉપસ્થિત સૌને માહિતગાર કર્યા હતા તેમજ વિકલાંગોનાં વિવિધ પ્રશ્નોની રજૂઆત અંગેનો પત્ર સમગ્ર ગુજરાતની વિકલાંગ સંસ્થાઓ વતી ભા.જ.પા. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીને સોપ્યો હતો. યજમાન સંસ્થા તરીકે પદ્મ મુક્તાબેનનું  પુષ્પગુચ્છ, પુસ્તક, શાલ મોમેન્ટો અને સન્માન પત્ર દ્વારા અભિવાદન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુક્તાબેન ડગલીએ પોતાની માતૃ સંસ્થા અને ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કરતા પ્રતિભાવ આપ્યો હતો.

કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન મેયર મનભા મોરી અને કાર્યક્રમનાં અધ્યક્ષ જી. જે. વાછાણી (જનરલ સેક્રેટરી એન.એ.બી. ગુજરાત રાજ્યશાખા) એ કર્યું હતું. જ્યારે ભાજપા-પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીએ વિકલાંગોનાં પડતર પ્રશ્નો અંગે અગ્રેસર રહી વહેલી તકે સાથે મળીને કાર્યવાહી કરવા સરકાર સમક્ષ રજૂઆત કરવા અને સમસ્યાઓનું સમાધાન લાવવા ખાતરી આપી હતી. ત્યારબાદ વિકલાંગતા ક્ષેત્રે કાર્યરત રાજ્યભરની સંસ્થાનાં પધારેલા પ્રતિનિધિઓએ મુક્તાબેનને શુભેચ્છા પાઠવી  હતી. સમગ્ર કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત પ્રમુખ શશીભાઈ આર. વાધર અને આભારવિધિ શાળાના આચાર્ય ઘનશ્યામભાઈ બારૈયાએ કરી હતી. કાર્યક્રમમાં ઉપપ્રમુખ  બબાભાઈ શાહ, માનદ્‌ મંત્રી મહેશભાઈ પાઠક, સહમંત્રી હર્ષકાંતભાઈ રાખશિયા, ટ્રેઝરર પંકજભાઈ ત્રિવેદી, ટ્રસ્ટી નીલાબેન સોનાણી, સુરપાલસિંહ ગોહિલ,  સહીત બહોળી સંખ્યામાં ટ્રસ્ટીમંડળનાં સભ્યો હાજર રહ્યા હતા. આ ઉપરાંત કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના કર્મચારીઓએ જેહમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન વિશિષ્ટ શિક્ષક જયેશભાઈ ધંધુકિયાએ કર્યું હતું.

Previous articleબોટાદ ખાતે ૧૩માં રાષ્ટ્રીય આંકડાશાસ્ત્ર દિવસની ઉજવણી
Next articleરથયાત્રા માટે પ્રસાદીની સફાઇ