કર્ણાટકમાં કટોકટી : સરકાર બચાવવા કોંગ્રેસ-JDS સક્રિય

568

કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર ગંભીર સંકટમાં ફસાઈ ગઈ છે. જો ૧૩ ધારાસભ્યોના રાજીનામાને સ્વીકાર કરી લેવામાં આવશે તો મુખ્યમંત્રી કુમારસ્વામીના નેતૃત્વમાં ગઠબંધન સરકાર લઘુમતિમાં આવી જશે. જો કે, કોંગ્રેસ અને જેડીએસના નેતૃત્વ દ્વારા નારાજ થયેલા ધારાસભ્યોને મનાવવા માટેના તમામ પ્રયાસ થઇ રહ્યા છે. મુખ્યમંત્રી કુમારસ્વામી પણ અમેરિકાથી કટોકટી વચ્ચે તરત પરત ફર્યા છે. દિલ્હીથી તેઓ વિમાન મારફતે સીધીરીતે બેંગ્લોર પહોંચી ગયા છે જ્યાં પાર્ટીના નેતાઓ સાથે ઇમરજન્સી બેઠક યોજી રહ્યા છે. સાથે સાથે જેડીએસના ધારાસભ્યોને પણ મળી ચુક્યા છે. બીજી બાજુ કોંગ્રેસ ધારાસભ્યોની ૯મી જુલાઈના દિવસે બેઠક યોજાશે. પાર્ટીએ પોતાના તમામ ધારાસભ્યોને સરક્યુલર જારી કરીને બેઠકમાં ફરજિયાતરીતે ઉપસ્થિત રહેવા માટે આદેશ કરી દીધો છે. સરક્યુલરમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે, જે ધારાસભ્ય બેઠકમાં ગેરહાજર રહેશે તેની સામે કઠોર કાર્યવાહી કરવામાં આવશે. મંગળવારના દિવસે કોંગ્રેસ ધારાસભ્ય દળની આ બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ દિનેશ કુંડુરાવ અને કોંગ્રેસના કર્ણાટક પ્રભારી કેસી વેણુગોપાલ ઉપસ્થિત રહેશે. કોંગ્રેસમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે. બીજી બાજુ ભાજપના સ્પીકરના નિર્ણય ઉપર તમામનું ધ્યાન કેન્દ્રિત થઇ ગયું છે. ૧૩ ધારાસભ્યોના રાજીનામા બાદ ૨૨૪ સભ્યોની વિધાનસભામાં સભ્યોની સંખ્યા ૨૧૦ થઇ ગઇ છે. એક ધારાસભ્ય પહેલાથી જ રાજીનામુ આપી ચુક્યા છે. કોંગ્રેસ-જેડીએસ પાસે ૧૦૫ ધારાસભ્યો છે જ્યારે ભાજપની પાસે પણ ૧૦૫ ધારાસભ્યો છે. મુંબઈના જે સોફીટેલ હોટલમાં અસંતુષ્ટ ધારાસભ્યો રોકાયેલા છે ત્યાં ભાજપ અને કોંગ્રેસના અનેક નેતા તેમને મનાવવા માટે પહોંચી રહ્યા છે. મહારાષ્ટ્ર ભાજપના ઉપાધ્યક્ષ અને ધારાસભ્ય પ્રસાદ લાડે અસંતુષ્ટ ધારાસભ્યો સાથે હોટલમાં પહોંચીને મુલાકાત યોજી છે. બીજી બાજુ કોંગ્રેસના સંકટ મોચક તરીકે ગણાતા ડીકે શિવકુમારે આજે પૂર્વ વડાપ્રધાન અને જેડીએસના વરિષ્ઠ નેતા દેવગૌડા સાથે બેઠક યોજી હતી. ત્યારબાદ શિવકુમારે કહ્યું હતું કે, બંને પાર્ટીઓએ નેતાઓની બેઠક બોલાવી છે. કોંગ્રેસ અને જેડીએસને હાલમાં કોઇ સફળતા મળે તેવા સંકેત દેખાઈ રહ્યા નથી. રાજકીય કટોકટી વચ્ચે ભાજપ અને કોંગ્રેસ દ્વારા એકબીજા ઉપર પ્રહાર કરવામાં આવી રહ્યા છે. ભાજપનું કહેવું છે કે, પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા પોતે તેમની સરકારને ગબડાવી દેવાના પ્રયાસ કરી રહ્યા છે. ભાજપના સ્પીકર ઉપર તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. મંગળવારના દિવસે સ્પીકર ધારાસભ્યોના રાજીનામા અંગે નિર્ણય લઇ શકે છે. ભાજપ દ્વારા થોભો અને રાહ જોવોની નીતિ અપનાવવામાં આવી રહી છે. મુંબઈની હોટલમાં રોકાયેલા અસંતુષ્ટ ધારાસભ્યો ભાજપ હાઈકમાન્ડના ઇશારાનો ઇંતજાર કરી રહ્યા છે.

કેન્દ્રીય નેતૃત્વ દ્વારા મહારાષ્ટ્રમાંથી આવતા રેલવેમંત્રી પીયુષ ગોયેલ અને કર્ણાટકના ભાજપના મહાસચિવ લિંબાવલીને પ્રદેશની રાજકીય ગતિવિધિ પર નજર રાખવા માટે સૂચના આપી દીધી છે. કુમારસ્વામી સરકાર પણ લઘુમતિમાં જતી રહેવાનો ખતરો તોળાઈ રહ્યો છે. કર્ણાટકમાં રાજકીય કટોકટી વચ્ચે સરકાર બચાવવા માટે કોંગ્રેસ અને જેડીએસ સક્રિય થઇ ગયા છે. કોંગ્રેસના નેતા મહેન્દ્રસિંહ સિંધી આજે સવારે મુંબઈની સોફિટેલ હોટલમાં પહોંચ્યા હતા અને અસંતુષ્ટો સાથે વાતચીત કરી હતી. મિટિંગ બાદ સિંધીએ કહ્યું હતું કે, અન્ય ધારાસભ્યો સાથે તેમની વાતચીત થઇ નથી.

Previous articleકોંગીના મહાસચિવ પદેથી જ્યોતિરાદિત્યનું રાજીનામું
Next articleતા.૦૮-૦૭-ર૦૧૯ થી ૧૩-૦૭-ર૦૧૯ સુધીનું સાપ્તાહિક  રાશી ભવિષ્ય