બગદાણામાં ગુરૂપૂર્ણિમા ઉત્સવની તડામાર તૈયારી

899

પૂ.સંત બજરંગદાસબાપાના ધામ બગદાણા ખાતે આગામી તા.૧૬ને મંગળવારના રોજ ગુરૂપૂર્ણિમા મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. મહોત્સવ માટેની તૈયારીઓને ગુરૂઆશ્રમ બગદાણા ખાતે આખરી ઓપ અપાઇ રહ્યો છે. ગુરૂ મહારાજ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવાના આ ધન્ય અવસરને પૂર્ણ ભક્તિમય વાતાવરણમાં હજારો ભાવિક ભક્તજનોની હાજરી વચ્ચે શ્રદ્ધાપૂર્વક ઉજવવામાં આવશે. તા.૧૬ના ગુરૂપૂનમના પાવન દિવસના ગુરૂઆશ્રમ ખાતેથી ઘોષિત થયેલા ધર્મમય કાર્યક્રમો મુજબ વહેલી સવારના ૫ કલાકે મંગળાઆરતી થશે, ૭-૩૦ કલાકે ધ્વજાપૂજન તથા ૮-૩૦ કલાકે ધ્વજારોહણ કાર્યક્રમ સંપન્ન થશે. મહિમાપૂર્ણ ગુરૂપૂજન સવારે ૯ થી ૧૦ કલાક વચ્ચે યોજાશે. પ્રસાદ વિતરણ સવારના ૧૦ કલાકથી અવિરતપણે શરૂ જ રહેશે.

ગુરૂપૂર્ણિમાના પ્રતિવર્ષના તહેવારે બાપાના ધામ બગદાણા ખાતે વિશાળ સંખ્યામાં ભક્તજનો – યાત્રાળુઓની ઉપસ્થિતિ રહે છે. ચાલુ વર્ષે પણ મસ મોટી સંખ્યામાં માનવ સમુદાય બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેનાર હોય તમામ તૈયારીઓ અને વ્યવસ્થાઓને પહોંચી વળવા આગોતરૂં આયોજન પણ કરવામાં આવ્યું છે. આ માટે સરકારી વિભાગોની આ દિવસ માટે કાર્ય સંકલન માટે ગત તા.૮ના રોજ વિવિધ વિભાગોની બેઠક બગદાણા ખાતે મળી હતી. જેમાં સુચારું વ્યવસ્થાઓ માટે ચર્ચા કરી આખરી ઓપ આપવામા આવ્યો હતો. ઉપરાંત ગુરૂપૂનમના આગળના દિવસોથી અહીં ૪૬૫ ગામોના આશરે ૧૨૦૦૦ સ્વયંસેવક ભાઇઓ તેમજ ૨૭૦ ગામોના દસ હજાર બહેનોની રસોડા વિભાગ તેમજ અન્ય વિભાગોમાં સેવાઓ શરૂ રહી છે.

આજે પણ સતત ૨૪ કલાક રસોડા વિભાગ સ્વયંસેવકો અને રસોઇ બનાવનાર ભાઇઓ દ્વારા પ્રસાદ વગેરેની તૈયારી માટે ધમધમતો થયો છે.

ગુરૂપૂનમના દિવસમાં શુધ્ધ ઘીના લાડુ, મોહનથાળ, તેમજ રોટલી, ગાંઠિયા, શાક, દાળ, ભાતનો પ્રસાદ ગુરૂઆશ્રમની પરંપરા પ્રમાણે સૌ માટે પંગતમાં બેસીને પ્રસાદ પીરસવામાં આવશે. વ્યવસ્થા માટે નવી ભોજન શાળા ખાતે બહેનો તથા ગોપાલગ્રામની ભોજન શાળામાં ભાઇઓ માટે અલાયદી વ્યવસ્થાઓ કરવામાં આવી છે.

પોલીસ વિભાગ દ્વારા એક પી.આઇ., ૭ પી.એસ.આઇ., ૬૦ પો.કો., અને ટ્રાફીક પોલીસ, મહિલા પોલીસ તથા ૮૦ જેટલા હોમગાડ્‌ર્ઝનો ચુસ્ત બંદોબસ્ત રહેશે. એસ.ટી. બસ વિભાગ દ્વારા પણ તળાજા, પાલીતાણા, મહુવા બસ ડેપો ખાતેથી ખાસ ભાવનગર ઉપરાંત બસ પણ બગદાણા તરફ દોડાવવામાં આવનાર છે.

સાંજે ૫ થી સવારે ૪ સુધી દર્શન બંધ

ગુરૂઆશ્રમ બગદાણા ખાતે ગુરૂપૂર્ણિમાના દિવસે (મંગળવારે) ચંદ્રગ્રહણ હોવાથી સાંજે ૫ કલાકથી બુધવારના વહેલી સવારના ચાર કલાક સુધી દર્શન વિભાગ બંધ રહેશે. પ્રસાદ વિભાગ, ચા-પાણી વિભાગ રાબેતા મુજબ શરૂ રહેશે તેમ ગુરૂઆશ્રમ બગદાણા તરફથી યાદીમાં જણાવાયું છે. જેની દર્શનાર્થીઓએ નોંધ લેવા પણ જણાવ્યું છે.

Previous articleચાલુ વર્ષે ભાવનગરમાં ઉનાળામાં ગરમીનું પ્રમાણ ઘટ્યું અત્યાર સુધીમાં વરસાદમાં સૌથી આગળ
Next articleપોલીસની સમજાવટ બાદ આખરે પરિવારે યુવાનની લાશ સ્વીકારી